સાપુતારામાં રૂ. 3.67 કરોડના ખર્ચે જુઓ શું થવાનું છે

PC: outlookindia.com

પ્રવાસન મંત્રી જવાહર ચાવડા અને રાજ્ય પ્રવાસન મંત્રી વાસણ આહીર દ્વારા રૂ. 6 કરોડના ખર્ચે દક્ષિણ ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળોના રિનોવેશન-અપગ્રેડેશન કામગીરીનું ઈ-લોકાર્પણ-પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ ડાંગ જિલ્લાના હિલસ્ટેશન સાપુતારામાં પ્રવાસીઓની સુવિધા માટે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના ડી-ટાઇપ, સી-ટાઇપ અને સુર્યા કોટેજના રિનોવેશન અને અપગ્રેડેશનની કામગીરીનો પ્રારંભ કરાવતાં કહ્યુ કે પ્રવાસન સ્થળોએ ઉત્તમકક્ષાની સુવિધાઓ સર્જાવાથી દેશ-વિદેશના પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે તથા સ્થાનિક સ્તરે રોજગારીની ઉજ્જવળ તકો સર્જાશે.

તેમણે તાપી જિલ્લાના વ્યારા ખાતે આંબાપાણી (અમાણીયા)માં અંદાજે રૂ. 2.22 કરોડના ખર્ચે નિર્મિત ઉત્તમ સુવિધાઓ નાગરીકોના ઉપયોગ માટે ખુલ્લી મૂકી હતી. સહ્યાદ્રી પર્વતમાળાઓ વચ્ચે નૈસર્ગિક વન સંપદાનો અખૂટ ભંડાર ધરાવતા સાપુતારામાં પ્રવાસીઓને વધુ સારી સુવિધા મળી રહે તે હેતુથી લગભગ રૂ. 3.67 કરોડના ખર્ચે રિનોવેશન-અપગ્રેડેશનનું તબક્કાવાર આયોજન કરવામાં આવ્યું છે. આંબાપાણીના વિકાસ માટે તેને ઇકો ટુરિઝમ સાઇટ પણ જાહેર કરાઇ છે. ગુજરાતના સ્વર્ગ સમાન ડાંગ જિલ્લો સાપુતારાની સાથે-સાથે ગિરા ધોધ, બોટાનિકલ ગાર્ડન, ડોન હિલ્સ, શબરી ધામ અને ગાઢ જંગલ સાથે કુદરતી સંપત્તિથી ભરપૂર છે, જે પ્રવાસીઓ માટે હંમેશાંથી આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. વધુમાં સરકારે સ્થાનિક આદિજાતિ સમુદાયની કલા-કારીગરીને પ્રોત્સાહન આપવા માટે પણ નક્કર પ્રયાસો કર્યાં છે, જેના કારણે વધુને વધુ રોજગારીનું સર્જન શક્ય બન્યું છે.

જવાહર ચાવડાએ ઉમેર્યું કે, અપાર પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા દક્ષિણ ગુજરાતના વિવિધ પ્રવાસન કેન્દ્રોના વિકાસ માટે સરકારે નક્કર પગલાં ભર્યાં છે. પ્રવાસીઓ માટે માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવો સરકાર માટે હંમેશાં પ્રાથમિકતા રહી છે અને તેના માટે પર્યાપ્ત ભંડોળની ફાળવણી પણ કરવામાં આવી છે.

સર્વાંગી વિકાસના મંત્ર સાથે છેવાડાના વ્યક્તિ સુધી વિકાસના લાભો પહોંચાડવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે તેમ જણાવતાં રાજ્ય પ્રવાસન મંત્રી વાસણ આહીરે કહ્યું હતું કે, રાજ્યના પ્રવાસન ઉદ્યોગની ઝડપી વૃદ્ધિ તથા પ્રવાસીઓની સંખ્યામાં થતો ઉત્તરોત્તર વધારો તેનો મજબૂત પુરાવો છે. આંબાપાણી ખાતે પૂર્ણ કરાયેલી કામગીરીમાં ટ્રી-હાઉસ, ગઝેબો, ફુડ કોર્ટ, કિચન અને પીવાના પાણીની સુવિધા, ચિલ્ડ્રન પ્લે એરિયા, બોટિંગ ડેક, મેઇન ગેટ, પાર્કિંગ, લેન્ડસ્કેપ, બેઠક વ્યવસ્થા, લાઇટિંગ, પેવમેન્ટ, સાઇનેજ વગેરે સામેલ છે તથા સાપુતારામાં કોટેજીસના માળખાકીય મજબુતીકરણ, લેન્ડ-સ્કેપિંગ તથા બેઠક વ્યવસ્થાનો પણ સમાવેશ છે.

મંત્રી વાસણ આહીરે જણાવ્યું હતું કે, આ પ્રવાસન સ્થળોના વિકાસકાર્યોના પરિણામે રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના એક મજબૂત માળખાનું નિર્માણ થશે. દક્ષિણ ગુજરાતના આ રમણીય પ્રવાસન કેન્દ્રોની મુલાકાતે આવતાં પર્યટકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતાં સ્થાનિક કક્ષાએ આર્થિક વૃદ્ધિને પણ બળ મળી રહેશે તથા પ્રાદેશિક સંસ્કૃતિને વૈશ્વિક ખ્યાતિ પ્રાપ્ત થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે રાજ્યમાં વિવિધ પ્રવાસન તથા ધાર્મિક સ્થળોના વિકાસ હેતુ માળખાકીય સુવિધાઓના નિર્માણ અને નવીનીકરણ માટે દર વર્ષે અંદાજપત્રિય ફાળવણીમાં ઉતરોત્તર વધારો કર્યો છે, જેના સકારાત્મક પરિણામો પણ પ્રાપ્ત થઇ રહ્યાં છે. ગુજરાતમાં સ્થાનિક સ્તરે એક મજબૂત ઇકોસિસ્ટમનું નિર્માણ કરવું શક્ય બન્યું છે તથા પ્રવાસીઓના આગમનથી સ્થાનિક યુવાનો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની બહોળી તકો પણ સર્જાઇ છે.

છેલ્લાં એક દાયકાથી વધુ સમયમાં રાજ્યમાં વિવિધ પ્રવાસન કેન્દ્રોની ઓળખ કરીને માળખાકીય વિકાસ તથા માર્કેટિંગ કેમ્પેઇન જેવા પ્રયાસોથી આજે ગુજરાત ભારતના ટોચના પ્રવાસન કેન્દ્રોમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે. સંખ્યાબંધ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ અને પ્રવાસીઓની સંખ્યામાં દર વર્ષે થતો વધારો તેનો પુરાવો છે.

આ કાર્યક્રમમાં પ્રવાસન વિભાગના સચિવ, ગુજરાત પ્રવાસન નિગમ લીમીટેડના મેનેજીંગ ડીરેક્ટર, તાપી જિલ્લા કલેક્ટર, વન વિભાગના અધિકારીઓ અને જીલ્લા અધિકારીઓ જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp