દિવાળીના વેકેશનમાં અહીં જાવ, મોટો ફેસ્ટિવલ યોજાઇ રહ્યો છે

PC: facebook.com/gujtourism

દિવાળી વેકેશનમાં પ્રવાસીઓને આકર્ષવા માટે રાજ્યના માધવપુર, તીથલ અને સુવાલી બીચ પર બીચ ફેસ્ટિવલ શરૂ થયો છે. આ બીચ ફેસ્ટિવલ લગભગ એક મહિના સુધી એટલે કે બે ડિસેમ્બર સુધી યોજાશે.

આ બીચ ફેસ્ટિવલ માટે રાજ્યના પ્રવાસન નિગમ પ્રવાસીઓ માટે કેટલીક સગવડો પણ ઊભી કરશે. સાથે દિવાળીના વેકેશનને પગલે પ્રવાસીઓનો ધસારો રહે છે, તેવા સંજોગોમાં બીચ ફેસ્ટિવલને પગલે વધુ પ્રવાસીઓ આ બીચની મુલાકાત લેશે તેમ પ્રવાસન નિગમના અધિકારી જણાવી રહ્યા છે.

ટૂરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ (TCGL)ના મેનેજિંગ ડિરેક્ટર જેનુ દેવને જણાવ્યું હતું કે, “ગુજરાતનો પ્રવાસન વિભાગ દરિયાકિનારે રમણીય પ્રવાસન સ્થળોને વિકસાવી રહ્યો છે. ગુજરાતના તમામ બીચ પર તેનું અલાયદું કુદરતી સૌંદર્ય જોવા મળે છે.

આ કુદરતી સૌંદર્યનો લાભ લેવા TCGL દ્વારા નવેમ્બરના પ્રથમ અઠવાડિયાથી લઈને બે ડિસેમ્બર સુધી માધવપુર, તીથલ અને સુવાલી ખાતે બીચ ફેસ્ટિવલ 2018નું આયોજન કરવામાં આવ્યું છે. બીચ ફેસ્ટિવલમાં પ્રવાસીઓ આસપાસનાં સ્થળોને સાથે રાખીને સર્કિટ બનાવીને પોતાનો પ્રવાસ પેકેજ બનાવી શકશે.

બીચ ફેસ્ટિવલમાં આવનારા પ્રવાસીઓને માધવપુરની આસપાસ સોમનાથ મંદિર, પોરબંદર ખાતે કીર્તિ મંદિર સહિતનાં જોવાલાયક સ્થળોની મુલાકાત લઈ શકે છે. જ્યારે સુવાલી બીચની મુલાકાત લેનારા પ્રવાસીઓને તેની આસપાસ ડુમસનો દરિયો, હઝીરા, ઉભરાટ તથા અન્ય જોવાલાયક સ્થળોની મુલાકાત લઈ શકશે. એ જ રીતે તીથલની આસપાસ દમણ, પારસીઓનું એકમાત્ર સ્થળ ઉદવાડા તથા અન્ય જોવાલાયક સ્થળોની મુલાકાત લઈ સહેલાણીઓ મજા માણી શકશે.”

રાજ્ય સરકાર ઇવેન્ટ બેઝ પ્રવાસનને વિકાસાવી રહી છે, અને તેના ભાગરૂપે કચ્છમાં યોજાતા રણોત્સવ, અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, વાઇબ્રન્ટ નવરાત્રી, સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ દ્વારા પ્રવાસીઓને આકર્ષે છે. તાજેતરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાંગણમાં પણ ટેન્ટ સિટી ઊભું કરાયું છે, જે પણ હાલમાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે.

ઇવેન્ટ બેઝ પ્રવાસનના ભાગરૂપે નવેમ્બર મહિનામાં બીચ ફેસ્ટિવલ યોજાયો છે, જેમાં સહેલાણીઓ ખરા અર્થમાં આનંદ મેળવી શકે તે માટે દિવસ દરમિયાન વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહેંદી, સંગીત, નૃત્ય, ચિત્રકામ, રેત-કલા, બાળ-રમતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત પ્રવાસીઓ સાહસિક પ્રવૃત્તિઓની મજા માણી શકે તે માટે બીચ વોલીબોલ, રોપ ક્લાઇમ્બિંગ, ટાયર ક્લાઇમ્બિંગ, ટગ ઓફ વોર, કમાન્ડો નેટ, બીમ બેલેન્સિંગ, બર્મા બ્રિજ, ઊંટ સવારી, ઘોડેસવારી વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યના સ્થાનિક કલાકારો દ્વારા દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. વર્ષ 2017-’18માં રાજ્યમાં આવનારા પ્રવાસીઓની સંખ્યા 5.09 કરોડ થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp