26th January selfie contest

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના મુલાકાતીઓની સંખ્યા 48 લાખ સુધી પહોંચી

PC: klook.com

ભારત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં કહ્યું છે કે, SCO દ્વારા જાહેર કરવામાં આવેલી દુનિયાની આઠ અજાયબીમાં સ્થાન ધરાવતા અને ટાઇમ દ્વારા જાહેર કરવામાં આવેલી દુનિયાની 100 સૌથી મનપસંદ સ્થળોની યાદીમાં પણ સ્થાન ધરાવતા આ સ્થળે મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે અને અહીં કુલ પ્રવાસીઓની સંખ્યા લગભગ 48 લાખ સુધી પહોંચી ગઇ છે. કોવિડના કારણે લૉકડાઉનનો અમલ કરવામાં આવ્યો તેના પહેલાંના સમયમાં અહીં દૈનિક ધોરણે આવતા મુલાકાતીઓની સરેરાશ સંખ્યા લગભગ 15,000ની આસપાસ હતી જે તહેવારોની મોસમમાં દૈનિક 35,000 હજાર સુધી પહોંચી જતી હતી. લૉકડાઉન પછી, 17 ઓક્ટોબર 2020ના રોજથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ફરીથી જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. કેવડિયા ખાતે 30 ઓક્ટોબર 2020ના રોજ પ્રધાનમંત્રીએ વિવિધ થીમ આધારિત પર્યટન આકર્ષણોનું ઉદ્ઘાટન કર્યું તે પછી દર મહિને પ્રવાસીઓની સંખ્યા બેગણાથી પણ વધારે થઇ ગઇ છે. હાલમાં દૈનિક ધોરણે અહીં સરેરાશ 8થી 10 હજાર પ્રવાસીઓ મુલાકાત લઇ રહ્યાં છે અને વિકએન્ડના દિવસોમાં આ આંકડો વધીને 14 થી 16 હજાર સુધી પહોંચી જાય છે. સપ્તાહના સામાન્ય દિવસોમાં દૈનિક ધોરણે પ્રવાસીઓની કુલ સંખ્યા તમામ ટચ પોઇન્ટ પર 12,000થી વધારે નોંધાઇ રહી છે જ્યારે વિકએન્ડમાં તે અંદાજે 20,000 સુધી પહોંચે છે.

પ્રધાનમંત્રીની આઇકોન આધારિત પ્રાદેશિક વિકાસની દૂરંદેશી સાકાર થઇ રહી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને અંદાજે 35 થીમ આધારિત પ્રવાસન આકર્ષણોના પરિચાલન અને જાળવણી માટે લગભગ 3,000 લોકોને સીધી રોજગારીનો લાભ મળી રહ્યો છે જેમાં નજીકના ભવિષ્યમાં વધારો કરીને આ કર્મચારીઓની સંખ્યા 5,000 કરવામાં આવશે. આનાથી સ્થાનિક આદિવાસી લોકોની સોશિયો-ઇકોનિમિક સ્થિતિમાં સકારાત્મક પ્રભાવ પડ્યો છે. આજીવિકા સર્જન ઉપરાંત, કેવિડયાનો સંકલિત વિકાસ સ્થાનિક આદિવાસી યુવાનો અને યુવતીઓના સશક્તિકરણનું પણ એક ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડે છે. મહિલાઓના સ્વ સહાય સમૂહો એકતા નર્સરી, આરોગ્ય વન, વેલી ઓફ ફ્લાવર્સ, ખલવાણી ઇકો-ટુરિઝમ વગેરેમાં સંખ્યાબંધ પ્રવૃત્તિઓ ચલાવી રહી છે. વિશેષ રૂપે ડિઝાઇન કરવામાં આવેલી પરિયોજનાઓ જેમકે, હોમ સ્ટે, કમલમ્ નામના ડ્રેગન ફ્રૂટનો ઉછેર વગેરેના કારણે સ્થાનિક લોકોને વધુ લાભ મળી રહ્યો છે.

એક અંદાજ અનુસાર આ પ્રદેશમાં પ્રત્યેક પર્યટકના કારણે 10 લોકોને ફાયદો થઇ રહ્યો છે અને તેનાથી પ્રાદેશિક અર્થતંત્ર પર ખૂબ સારો ફળદાયી પ્રભાવ પડી રહ્યો છે. સી પ્લેન અને દેશના વિવિધ ભાગો સાથે બ્રોડ ગેજ રેલવે કનેક્ટિવિટીની મદદથી પ્રધાનમંત્રીએ મુખ્યત્વે આદિવાસી વસ્તી ધરાવતા આ વિસ્તારમાં વિકાસરૂપ પરિવર્તન માટે જોયેલી દૂરંદેશી વાસ્તવમાં સાકાર થઇ રહી છે અને અહીં ભવિષ્યમાં અહીં દૈનિક ધોરણે સરેરાશ 1 લાખ પર્યટકો મુલાકાત લેશે તેવી અપેક્ષા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp