અમદાવાદમાં રોજ રાત્રે ભૂખ્યા બાળકોનું પેટ ભરવા માટે નીકળી પડે છે શીતલ

PC: yourstory.com

દેશમાં લાખો લોકો ભૂખ્યા પેટે સૂઈ જાય છે. તેમની ચિંતા ના સરકારને છે, ના આપણને. પરંતુ અમદાવાદની એક વીસ વર્ષની છોકરી શીતલ શર્મા ભૂખ્યા પેટે સૂઈ જતા એ લોકો માટે મહેનત કરી રહી છે. તે રાત્રે રસ્તા પર સૂઈ જતા આશરે 400 બાળકોનું પેટ ભરે છે. અમદાવાદના રસ્તાઓ પર ખુલ્લા આકાશની નીચે સૂઈ જતા ભૂખ્યા બાળકો શીતલની રાહ જોતા હોય છે. વિદ્યાર્થીની શીતલ શર્મા કહે છે કે, કોઈ ભૂખ્યુ ના સૂવું જોઈએ.

ગુવાહાટીની વતની શીતલ શર્માને લોકોની મદદ કરવાનું પસંદ છે. જ્યારે તે સ્કૂલમાં ભણતી હતી, ત્યારે પોતાની સ્કૂલમાં રસ્તામાં આવતી ઝૂંપડપટ્ટીના બાળકો માટે ભોજન લઈ જતી હતી અને તેમને ખવડાવતી હતી. પરિવાર સંપન્ન હોવાને કારણે ક્યારેય પરિવારે તેની આ આદત પર અટકાવી નથી. મોટા થવા પર જ્યારે તે પરિવાર સાથે અમદાવાદ આવી, તો તે અહીં અઠવાડિયામાં એક દિવસ રવિવારે ભૂખ્યા બાળકોને ભોજન ખવડાવતી હતી. શરૂઆતમાં શીતલે પોતાના મિત્રોની સાથે મળીને પૈસા ભેગા કર્યા અને એ પૈસાથી પોતપોતાના ઘરોમાં ખાવાનું બનાવડાવ્યું. ત્યારબાદ તેણે અનાથઆશ્રમ અને રસ્તા પર રહેતા બાળકોને ખાવાનું ખવડાવવાનું શરૂ કર્યું. આ રીતે તેનું અભિયાન શરૂ થયું.

દરરોજ પોતાના ખર્ચે આટલા બધા બાળકોને ભોજન કરાવવું સંભવ નહોતું, આથી તેણે આ કામમાં લોકોની મદદ માટે પેપરમાં જાહેરાત આપી. જાહેરાતમાં લખ્યું કે, લોકો પોતાના ઘર, રેસ્ટોરન્ટ, હોટેલ અથવા પાર્ટીમાં બચેલા ભોજનને વેસ્ટ કરવા ન માગતા હોય, તો તેનો સંપર્ક કરો. આજે શીતલ અને તેની ટીમ આશરે 400 બાળકોને ભોજન કરાવે છે. તેમાં મોટાભાગના ટ્રાફિક સિગ્નલ પર રહેતા બાળકો છે. તે બાળકોની સાથોસાથ ગર્ભવતી મહિલાઓને પણ ભોજન કરાવે છે. શીતલ રોજ રાત્રે બે વાગ્યે અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં જઈને આશરે 400 બાળકોને ભોજન કરાવે છે. તે પહેલા તે એ બાળકો માટે શહેરની રેસ્ટોરન્ટ્સ, હોટેલ અને અલગ-અલગ હોસ્ટેલ્સમાંથી ખાવાનું ભેગું કરે છે અને તે ભોજનને એક વેનમાં ભરીને આ બાળકોને ખવડાવે છે. 20 વર્ષીય શીતલ શર્મા આ કામ ફીડિંગ ઈન્ડિયાની મદદથી કરી રહી છે.

શીતલ અને તેની ટીમે મનકી તમન્ના નામથી એક અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન દ્વારા તે બાળકોને તેમની પસંદનું ખાવાનું મહિનામાં એકવાર ખવડાવે છે. આ ભોજનમાં બાળકોની પસંદનું ખાવાનું પાવભાજી, પિત્ઝા, બર્ગર અને ચાઉમિન સામેલ હોય છે. આ પહેલમાં થતા ખર્ચ અને વેનનો ખર્ચ શીતલ એકલી ઉઠાવી રહી છે. રસ્તા પર સૂઈ જતા આ ગરીબ બાળકોની ભૂખ શાંત કરવાની સાથોસાથ શીતલ તેમને ઠંડીથી બચાવવાનું પણ કામ કરી રહી છે. આ કામ માટે તેની ટીમ લોકોના ઘરે-ઘરે જઈને ગરમ કપડાં, જુના ધાબળા વગેરે માગે છે અને ગરીબોને આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp