રાજ્યના 80,000 સ્કૂલ વર્ધી વાહનચાલકો એક વર્ષથી બેકાર, CMને કરી આ રજૂઆત

PC: meranews.com

ગુજરાતમાં છેલ્લા એક વર્ષથી સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ હોવાથી સ્કૂલ વર્ધી વાહનચાલકો બેકાર બન્યાં છે. આ બેકારીમાં ડ્રાઇવરો અને વાહન સંચાલકો સામેલ છે. બેન્ક હપ્તા નહીં ભરી શકતા હોવાથી ત્રણ હજારથી વધુ વાહન માલિકો અને ડ્રાઇવરોએ તેમના વાહનો વેચી દીધા છે અથવા તો બેન્કે જપ્ત કરી લીધા છે.

અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિયેશનના હોદ્દેદારોએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને એક પત્ર લખી કહ્યું છે કે ગુજરાતમાં 80 હજાર કરતાં વધુ વાહનો સ્કૂલ વર્ધીનું કામ કરે છે. બાળકોને સ્કૂલે લઇ જવા અને ઘરે પાછા લાવવાની વર્ધી કરે છે પરંતુ છેલ્લા એક વર્ષથી સ્કૂલો બંધ છે અને ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે ત્યારે આ મોટો વર્ગ બેકાર બની ગયો છે.

એકલા અમદાવાદમાં 15000થી વધુ વાહનચાલકો છે કે જેઓ સ્કૂલે જતા બાળકોની વર્ધી લેતાં હોય છે પરંતુ અત્યારે સ્કૂલો બંધ હોવાથી તેમના વાહનો પડી રહ્યાં છે અથવા તો વેચી દીધા છે. કેટલાક ડ્રાઇવરો બેન્ક લોનના હપ્તા ચૂકવી શક્યા નથી તેથી તેમના વાહનો બેન્કોએ જપ્ત કરી લીધા છે. એસોસિયેશને પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે આ તમામ વર્ધી વાહનચાલકો અને માલિકો માટે રાજ્ય સરકારે ખાસ પેકેજની જાહેરાત કરવી જોઇએ.

ગુજરાતમાં માર્ચ 2020ના અંત સમયમાં કોરોના સંક્રમણ વધી જતાં સરકારે સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવાનો આદેશ કર્યો હતો. માર્ચ 2021માં આ આદેશને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. ખાસ કરીને ધોરણ-1 થી 10માં અભ્યાસ કરતાં 75 ટકા બાળકો સ્કૂલ વાન કે વાહનનો ઉપયોગ કરતા હોય છે.

આ વાહનમાલિકોની હાલત કફોડી બની છે, જો કે તેનાથી વધુ કફોડી હાલત આ વાહન ચલાવતા ડ્રાઇવરોની થઇ છે, કેમ કે વાહન માલિકે ડ્રાઇવરના પગાર બંધ કર્યા છે. આ સંજોગોમાં રાજ્ય સરકાર દરમ્યાનગીરી કરીને જો કોઇ ખાસ પેકેજની જાહેરાત કરે તો સ્કૂલ વર્ધી સાથે સંકળાયેલા લોકોને રાહત મળી શકે તેમ છે. વાહનના હપ્તા અને ઘરના હપ્તા કેવી રીતે ભરવા તે પ્રશ્ન ઉભા થયાં છે.

ગુજરાતમાં ઓફલાઇન શિક્ષણ બંધ છે ત્યારે જેવી હાલત ટ્યુશન ક્લાસના સંચાલકોની છે તેવી હાલત શિક્ષણ સાથે સંકળાયેલા સ્કૂલ વર્ધીના સંચાલકો તેમજ ડ્રાઇવરોની છે. સ્કૂલ સંચાલકોને તો સ્થિતિ ઓફલાઇન હોય કે ઓનલાઇન, તેમને ફી મળી જશે, કેમ કે સરકારે ફી વસૂલ કરવાની સત્તા આપી છે પરંતુ સ્કૂલ વર્ધીના વાહનચાલકોને સરકાર તરફથી કોઇ સહાય કે સહાનુભૂતિ પ્રાપ્ત થઇ નથી. એસોસિયેશને એવી રજૂઆત કરી છે કે આત્મનિર્ભર યોજના હેઠળ બેન્ક લોન કે સરકારી સહાય આપવામાં આવે તો આ વર્ગ બીજો બિઝનેસ કે વ્યવસાય વિચારી શકે, કેમ કે હજી ક્યારે પૂર્ણત સ્કૂલો શરૂ થશે તે અનિશ્ચિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp