કોરોનાઃ 8 મહિનાના બાળકને 3 મહિના સ્તનપાન ન કરાવ્યું, ભાડે ઘર રાખી અલગ રહ્યા

PC: divyabhaskar.co.in

કોરોના વાયરસના કપરા કાળમાં જ્યાં એક બાજુ તમામ પરિવારો ઘરમાં લોક થયા હતા. કોઈને ઘરની બહાર નીકળવાની મંજૂરી ન હતી. પણ મહાનગર અમદાવાદની એક માતા પોતાના આઠ મહિનાના બાળકને સ્પર્શ પણ કરી શકતી ન હતી. વાત છે ગત વર્ષના માર્ચ મહિનાની. જ્યારે માર્ચ મહિનામાં છેલ્લા અઠવાડિયામાં લોકડાઉન લાગ્યું. કડકપણ લોકડાઉનનું પાલન કરાવવાની જવાબદારી પોલીસના માથે હતી.

આ મોટી જવાબદારીને કારણે અનેક પોલીસ કર્મચારીઓ પોતાના પરિવાર અને મિત્રોથી દૂર રહી દિવસ-રાત ફરજ અદા કરતા હતા. આ દરમિયાન 12-12 કલાક સુધી મહિલા પોલીસ કર્મીઓએ પણ ડ્યૂટી કરી હતી. અમદાવાદ શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ડ્યૂટી કરતા છાયા પરમાર એક એવા મમ્મી છે જે બાળક સામે હોવા છતા એને અડી શકતા ન હતા. સ્તનપાનની જરૂર હોવા છતા એને એ કામ પણ કરાવી શકતા ન હતા.

છાયા પરમાર એક સામાન્ય પરિવારમાંથી આવે છે. પતિ, પુત્ર, સાસુ અને સસરા સાથે બહેરામપુરાના એક રૂમના ઘરમાં રહે છે. જ્યારે આ મહામારી શરૂ થઈ ત્યારે એના દીકરાની ઉંમર આઠ મહિનાની હતી. NID પાસે એમનો પોઈન્ટ હતો. જ્યાં સવારના 8થી સાંજના 8 વાગ્યા સુધી તેમણે ડ્યૂટી કરી હતી. તે જ્યાં ડ્યૂટી કરતા હતા ત્યાં અનેક લોકો એના સંપર્કમાં આવ્યા હતા. એ સમયે કોરોના હોટસ્પોટ બનેલા જમાલપુરથી આવતા લોકોને રોકવા અને બીજી તરફ જુહાપુરાથી જમાલપુર તરફ જતા લોકોને રોકવાના હતા. આ બંને વિસ્તારમાંથી કોરોના વાયરસના અઢળક કેસ સામે આવ્યા હતા. 12 કલાકની ડ્યૂટી કરીને જ્યારે ઘર પાછા ફરવાનું થતું ત્યારે પરિવાર અને પુત્રની ચિંતા સતાવતી હતી.

અનેક લોકોના સંપર્કમાં આવીને ઘરમાં ખાસ કરીને પુત્રને કોરોના ન થાય એનો ડર સતાવતો. પુત્રને કોરોનાથી સુરક્ષિત રાખવા તેમણે પોતાના ઘરની સામે રહેલું એક મકાન પુત્ર માટે ભાડે રાખ્યું. જ્યાં એમનો પરિવાર અને પુત્ર રહેતા હતા. જ્યારે છાયાબેન એના ઘરમાં એકલા રહેતા હતા. ડ્યૂટી પરથી પરત આવતા આઠ મહિનાનું બાળક યાદ આવતું. મળવાનું પણ મન થતું. પણ કોરોનાનો વિચાર આવતા મળવાનું પણ ટાળતા. ડ્યૂટી પરથી આવીને સ્નાન કરી તથા સેનિટાઈઝ થઈને પછી બાળકને મળવા માટે જતા.

પરિવાર સાથે પણ થોડો સમય પસાર કરતા. આવું સતત ત્રણ મહિના સુધી ચાલ્યું. મહિલા કોન્સ્ટેબલે જણાવ્યું હતું કે, કોરોના વાયરસ શરૂ થતા જ પરિવાર કરતા બાળકની ચિંતા વધારે થતી. એના માટે જ અલગથી ઘર રાખ્યું હતું. મારા બાળકને એના દાદા સાચવતા. સાંજે ઘરે આવું ત્યારે તે સામેના ઘરમાં હોય. મને જોઈને રડે તો હું પણ રડી પડતી. પણ મજબુરીને કારણે બાળક પાસે જઈ શકી ન હતી. આઠ મહિનાના બાળકને સ્તનપાનની જરૂર હોય હું તો એ પણ આપી શકી ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp