આ દેશમાં બુરખો પહેરવા પર લાગ્યો પ્રતિબંધ, પહેર્યો તો થશે 94 હજારનો દંડ
સ્વિટ્ઝર્લેન્ડમાં નવા વર્ષના પહેલા દિવસથી જ વિવાદાસ્પદ બુરખાનો કાયદો અમલમાં આવી ગયો છે. 'બુરકા પ્રતિબંધ' તરીકે ઓળખાતા કાયદાના અમલ પછી, જાહેર સ્થળોએ બુરખા અથવા નકાબથી આખો ચહેરો ઢાંકવા પર સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ 1,000 સ્વિસ ફ્રેંક (રૂ. 94,651.06)નો દંડ ભરવો પડશે. બુરખા સામાન્ય રીતે મુસ્લિમ મહિલાઓ પહેરે છે અને સ્વિટ્ઝર્લેન્ડના બુરખા પ્રતિબંધ કાયદાને મુસ્લિમોને નિશાન બનાવવા માટે અમલમાં મુકવામાં આવ્યો છે, તે નજરે જોવામાં આવે છે.
બુરખા પ્રતિબંધ કાયદો, જે 1 જાન્યુઆરીથી અમલમાં આવ્યો હતો, જાહેર સ્થળો અને સામાન્ય લોકો માટે સુલભ ખાનગી ઇમારતોમાં નાક, મોં અને આંખોને ઢાંકવા પર પ્રતિબંધ મૂકે છે. જો કે આ કાયદામાં કેટલાક અપવાદો પણ છે.
આ પ્રતિબંધ ફ્લાઈટ્સ અથવા રાજદ્વારી અને કોન્સ્યુલર પરિસરમાં લાગુ થશે નહીં અને પૂજા સ્થાનો અને અન્ય પવિત્ર સ્થળોએ પણ ચહેરો ઢાંકી શકાશે. કાયદામાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, સ્વાસ્થ્ય અને સલામતીના કારણોસર, સ્થાનિક રિવાજો અને ગરમી અને ઠંડી સામે રક્ષણ લેવા માટે ચહેરો ઢાંકવાની છૂટ આપવામાં આવશે. મનોરંજન અને જાહેરાતો માટે પણ ચહેરો ઢાંકવા પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.
બુરખા પ્રતિબંધ કાયદામાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, જો કોઈ મેળાવડા દરમિયાન અભિવ્યક્તિની સ્વતંત્રતા અને વ્યક્તિગત સુરક્ષા માટે ચહેરો ઢાંકવાની જરૂર હોય તો તેને મંજૂરી આપી શકાય છે, પરંતુ તેના માટે પહેલા સંબંધિત સત્તાધિકારી પાસેથી મંજૂરી લેવી પડશે. અધિકારી તેને ત્યારે જ મંજૂરી આપશે, જો તેને લાગતું હોય કે તેનાથી જાહેર વ્યવસ્થામાં ખલેલ પહોંચતી નથી.
બુરખા પરનો પ્રતિબંધ 2021ના લોકમત પર આધારિત છે, જેમાં સ્વિસ નાગરિકોએ ચહેરો ઢાંકવાની વિરુદ્ધમાં મત આપ્યો હતો. લોકમતમાં કાયદાની તરફેણમાં 51.2 ટકા અને કાયદાની વિરુદ્ધમાં 48.8 ટકા મત પડ્યા હતા.
સ્વિટ્ઝર્લેન્ડમાં લોકશાહી પ્રણાલી હેઠળ, લોકોને તેમની બાબતોમાં સીધી વાત કરવાનો અધિકાર આપવામાં આવે છે. ત્યાં, વિવિધ રાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર જનમત સંગ્રહ થાય છે, જેમાં લોકો તેમની ઇચ્છા મુજબ મતદાન કરે છે.
બુરખા પર પ્રતિબંધનો પ્રસ્તાવ સ્વિટ્ઝર્લેન્ડની જમણેરી પાર્ટી સ્વિસ પીપલ્સ પાર્ટી (SVP) દ્વારા લાવવામાં આવ્યો હતો. પાર્ટીએ 'સ્ટોપ એક્સ્ટ્રીમિઝમ' (કટ્ટરતાવાદ રોકો)ના નારા સાથે બુરખા વિરોધી અભિયાન શરૂ કર્યું હતું. જોકે પાર્ટીના ઠરાવમાં ઇસ્લામને સ્પષ્ટ રીતે નિશાન બનાવવામાં આવ્યું ન હતું, પરંતુ એવું માનવામાં આવે છે કે, કાયદો માત્ર ઇસ્લામિક ડ્રેસ કોડને નિશાન બનાવવા માટે જ લાવવામાં આવ્યો છે.
સ્વિસ સરકારે ખુદ બુરખા પર પ્રતિબંધનો વિરોધ કર્યો હતો. સરકારે કહ્યું કે લોકોને, ખાસ કરીને મહિલાઓને શું પહેરવું જોઈએ તે જણાવવાનું કામ રાજ્યનું નથી.
જ્યારે, બુરખા પ્રતિબંધના સમર્થકો બુરખાને કટ્ટરતાવાદનું પ્રતીક અને સુરક્ષા માટે ખતરો માને છે.
સ્વિટ્ઝર્લેન્ડના બુરખા પ્રતિબંધ કાયદાની અનેક માનવાધિકાર સંસ્થાઓ દ્વારા ટીકા કરવામાં આવી છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે કહ્યું છે કે, આ એક ખતરનાક કાયદો છે, જે મહિલાઓના અધિકારો, તેમની અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ધર્મના અધિકારનું ઉલ્લંઘન કરે છે.
કાયદાના ટીકાકારો દલીલ કરે છે કે, આ પ્રતિબંધ મુસ્લિમ મહિલાઓ પર ઉંધી અસર કરશે, કારણ કે ઘણી મુસ્લિમ મહિલાઓ વિશ્વાસ અથવા વ્યક્તિગત માન્યતાના નિવેદન તરીકે નકાબ અથવા બુરખા પહેરવાનું પસંદ કરે છે.
જર્મનીની યુનિવર્સીટી ઓફ લ્યુસર્નના એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, સ્વિટ્ઝર્લેન્ડમાં બુરખો પહેરનારી મહિલાઓની સંખ્યા ઘણી ઓછી છે. ત્યાં માત્ર 30 ટકા મહિલાઓ જ નકાબ પહેરે છે.
સ્વિટ્ઝર્લેન્ડની 8.6 મિલિયનની વસ્તીના લગભગ 5 ટકા મુસ્લિમો છે, જેમાંથી મોટા ભાગના લોકો તુર્કી, બોસ્નિયા અને કોસોવો જેવા દેશોમાંથી આવે છે. કાયદાની સીધી અસર બહુ ઓછા લોકોને થશે, તેમ છતાં તેના પર ભારે ચર્ચા છેડાઈ ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp