પોલીસના ઘરેથી મરઘી ચોરી કરેલી કોર્ટે એવી સજા સંભળાવી જે કોઈને માન્યામાં ન આવે

PC: hindi.news18.com

મરઘી ચોરનાર યુવક અને તેના સાથીદારને મોતની સજા ફટકારવામાં આવી હતી. જજે આ કેસમાં કડક ચુકાદો આપ્યો હતો. પુત્રને બચાવવા માતા-પિતાએ દરેક જગ્યાએ જઈને આજીજી કરી. આ ઘટના આફ્રિકન દેશ નાઈજીરિયાની છે.

શું કોઈને ક્યારેય મરઘી ચોરવા બદલ મોતની સજા મળી શકે છે? ભારતીય કાયદા હેઠળ તો આ શક્ય નથી, પરંતુ નાઈજીરિયામાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં મરઘી ચોરી કરનાર વ્યક્તિને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. જ્યારે આ યુવકે આ ચોરી કરી હતી ત્યારે તેની ઉંમર માત્ર 17 વર્ષની હતી. તેણે પોલીસકર્મીના ઘરમાંથી ચોરી કરી હતી. હવે આ ઘટનાને 10 વર્ષ વીતી ગયા છે. હવે તે 27 વર્ષનો થઇ ગયો છે. માતાએ તેના પુત્રને મૃત્યુથી બચાવવા માટે દરેક દરવાજે જઈને આજીજી કરી હતી. પરંતુ હાલમાં આ મામલે યુવકની માતાને એક સારા સમાચાર મળ્યા છે.

આ ઘટના નાઈજીરિયાના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત ઓસુન રાજ્યની છે. સેગુન ઓલોવુકેરે નામના વ્યક્તિએ 2010માં આ ગુનો કર્યો હતો. આ 17 વર્ષના યુવકે તેના મિત્ર મોરાકિન્યો સન્ડે સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ કેસમાં બંનેની ધરપકડ કરવામાં આવી હતી. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, બંનેએ જૂના જમાનાની લાકડાની બંદૂક અને તલવાર વડે પોલીસ અધિકારી અને અન્ય એક વ્યક્તિના ઘર પર હુમલો કર્યો હતો. તેનો ઈરાદો કોઈ મોટો ગુનો કરવાનો હતો, પરંતુ તેઓ માત્ર મરઘી ચોરવામાં જ સફળ થયા હતા. આ કેસમાં, 2014માં, ઓસુન હાઈકોર્ટના જજ જીદે ફાલોલાએ બંનેને પોલીસ અધિકારીના ઘરમાં બળજબરીથી ઘૂસીને તેમનો સામાન ચોરવાનો દોષી ઠેરવ્યા પછી મૃત્યુદંડની સજા સંભળાવી હતી.

તે સમયે સમગ્ર નાઈજીરિયામાં આ બાબતને લઈને ભારે હોબાળો થયો હતો. લોકો માનતા હતા કે, આ સજા ઘણી કઠોર છે. ત્યાર પછી, બંનેને લાગોસ રાજ્યની કુખ્યાત કિરીકિરી જેલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત્યુદંડની કોટડીમાં રાખવામાં આવ્યા હતા. ઓલોવુકેરેના માતા-પિતા તાજેતરમાં એક પોડકાસ્ટ પર દેખાયા, જ્યાં તેઓ બંનેએ તેમના એકમાત્ર બાળકને માફ કરવા માટે હાથ ફેલાવીને વિનંતી કરી હતી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, તેને 2025ની શરૂઆતમાં રિલીઝ કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર, નાઈજીરિયાએ 2012થી કોઈને ફાંસી આપી નથી. જો કે, દેશમાં એવા 3,400 કેદીઓ છે જેમને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી.

રાજ્યપાલે મંગળવારે તેમને માફ કરવાનું વચન આપ્યું હતું. ગવર્નર એડેમોલા એડેલેકે ટ્વિટર પર લખ્યું કે, ઓલોવુકેરેને માફી આપવી જોઈએ, કારણ કે જીવન બચાવવું મહત્વપૂર્ણ છે. મેં ન્યાય કમિશનરને આદેશ આપ્યો છે કે, તેઓ યુવાનોને દયાનો વિશેષાધિકાર આપવા માટેની પ્રક્રિયા શરૂ કરે. ઓસુન એ ન્યાય અને સમાનતાની ભૂમિ છે. આપણે જીવનની પવિત્રતાની નિષ્પક્ષતા અને રક્ષણની ખાતરી કરવી જોઈએ. આ કેસમાં ઓલોવુકેરેની સાથે સજા પામેલા અન્ય દોષિત મોરાકિન્યો સન્ડે અંગેની સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp