દાવોસમાં ઇમરાનને મળ્યા ડોનાલ્ડ ટ્રમ્પ, જાણો શું કહ્યું ડોનાલ્ડ ટ્રમ્પે

PC: theweek.in

મંગળવારે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન વચ્ચે મુલાકાત થઇ હતી. બંને નેતાઓની આ મુલાકાત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) દરમિયાન થઇ હતી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, અમે ભારત-પાકિસ્તાનના સંબંધમાં કાશ્મીરને લઇને વિચારી રહ્યા છીએ. જો અમારાથી મદદ થાય તેમ હશે તો અમે ચોક્કસ મદદ કરીશું.

WEF ઉપરાંત કરવામાં આવેલી આ બેઠકમાં બંને નેતાઓએ અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે સંબંધો વધારવાની સહમતિ દર્શાવી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન ઇમરાન ખાને પરસ્પર હિત, ક્ષેત્રીય સુરક્ષા, કાશ્મીર અને અફઘાનિસ્તાન શાંતિ પ્રક્રિયા પર પણ વાત કરી હતી. બેઠકમાં ઇમરાન ખાને કહ્યું હતું કે, પાકિસ્તાન શરૂઆતથી જ પોતાના વિસ્તારમાં શાંતિ માટે હિમાયત કરતું રહ્યું છે અને આ બાબતે યોગ્ય પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યાં છે. ઇમરાન ખાને કહ્યું હતું કે, તેમના વિસ્તારમાં પોતાની મહત્ત્વની ભૂમિકા ભજવવા તે હંમેશાં તત્પર રહેશે.

બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, ઇમરાન ખાન તેમના સારા મિત્રો છે. બંને નેતાઓની આ બેઠક પહેલા જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, કાશ્મીર મુદ્દે અને અફઘાનિસ્તાન શાંતિ પ્રક્રિયા પર વ્યાપક વાતચીત કરવામાં આવશે. દાવોસના આ સંમેલનમાં ઘણા દેશોના રાષ્ટ્રીય અધ્યક્ષો પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇમરાન ખાનની મુલાકાત આ સંમેલન દરમિયાન જ થઇ હતી. જોકે, આ પહેલીવાર નથી જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર પર પોતાની વાત કહી હોય. ગયા વર્ષે ઓગસ્ટમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, જો ભારત ઇચ્છે તો તેઓ કાશ્મીરની બાબતે મધ્યસ્થતા કરવા તૈયાર છે, પરંતુ ત્યારબાદ કહ્યું હતું કે ભારત-પાકિસ્તાને આ બાબતનું દ્વિપક્ષીય રીતે નિવારણ કરવું જોઇએ. આ બાબતે ઘણી ચર્ચાઓ થઇ અને ભારતે આ બાબતે કડક વલણો બતાવ્યા. ભારત શરૂઆતથી જ કહેતું રહ્યું છે કે, કાશ્મીર મુદ્દો દ્વિપક્ષીય છે અને તેમાં ત્રીજા દેશની દખલઅંદાજી ક્યારેય પસંદ નથી.

એક બાજુ ભારત કાશ્મીરને આંતરિક બાબત કહી રહ્યું છે, તો બીજી બાજુ પાકિસ્તાન આ મુદ્દાને અલગ-અલગ મંચો પર ઉઠાવતું રહ્યું છે. ગયા વર્ષે નવેમ્બરમાં વડાપ્રધાન ઇમરાન ખાને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. ઇમરાન ખાને ત્યારે એ વાત પર જોર આપ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે શાંતિપૂર્ણ સમાધાન માટે પ્રયાસો ચાલુ રાખવા જોઇએ. આ દરમિયાન જ કાશ્મીર પર તેમની મધ્યસ્થતાની વાતના વખાણ કર્યા હતા. આ સાથે જ ઇમરાન ખાને ડોનાલ્ડ ટ્રમ્પને જમ્મુ-કાશ્મીરની હાલની સ્થિતિ અંગે જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp