પાકિસ્તાનના વધુ એક હિન્દુ મંદિરમાં તોડફોડ, કટ્ટરપંથીઓએ માતાજીની મૂર્તિ તોડી

PC: indiaaware

પાકિસ્તાનમાં આવેલા હિન્દુ મંદિરો પર હુમલાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. હવે પાકિસ્તાનમાં આવેલા સિંધ પ્રાંતના થારપારકર જિલ્લામાં સ્થિત નાગારપારકરમાં ધાર્મિક કટ્ટરપંથીઓએ દુર્ગા માતાની મૂર્તિને ખંડિત કરી નાંખી છે. એટલું જ નહીં હુમલો કરનારાઓએ મંદિરમાં મોટું નુકસાન કર્યું છે. આ પહેલા સિંધ પ્રાંતના બાદિનમાં આવેલા મંદિરમાં તા.10 ઑકટોબરના રોજ હુમલો કરવામાં આવ્યો હતો.

મંદિરના પૂજારીએ કહ્યું કે, અડધી રાત્રે કેટલાક અસામાજિક તત્ત્વોએ મંદિરમાં પરિસરમાં ઘુસીને તોડફોડ કરી છે. આ પછી તેમણે દરવાજા બંધ કરીને મૂર્તિ તોડી નાંખી હતી. જતા જતા મંદિરને પણ મોટું નુકસાન કર્યું છે. હજુ સુધી હુમલો કરનારાઓ સામે પોલીસે કોઈ પ્રકારના પગલાં પણ લીધા નથી. આ પહેલા પણ હિન્દુઓ પર અત્યાચારની ઘટનાઓ પાકિસ્તાનમાં બની છે. મંદિરથી નજીક રહેતા હિન્દુ સમુદાયે આ ઘટના પર ગુસ્સો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ટૂંક જ સમયમાં જવાબદારો સામે પગલાં લેવામાં આવે. આ માટે ખાસ માંગ કરવામાં આવી છે. હિન્દુ સમુદાયના લોકોએ કહ્યું કે, આ પ્રકારની ઘટના બિલકુલ સ્વીકાર્ય નથી. સરકારે આવા કટ્ટરપંથીઓને ઝડપી લેવા જોઈએ અને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. બીજા બધા કેસની જેમ આ મામલે પણ પોલીસ તપાસ શરૂ કરી દેવી જોઈએ. પાકિસ્તાન પોલીસે કહ્યું કે, આ માટે જવાબદાર કોઈ વ્યક્તિને છોડવામાં નહીં આવે. દસ દિવસે પહેલા પણ હિન્દુ મંદિર પર આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં મંદિરને મોટું નુકસાન થયું હતું. સિંધ પ્રાંતના બાદિન જિલ્લામાં એક મંદિરમાં તોડફોડ કરવામાં આવી ત્યારે પણ પાકિસ્તાનમાં વસતા હિન્દુ લોકોની લાગણી તથા આસ્થાને ઠેસ પહોંચી હતી.

 

પાકિસ્તાનના મીડિયા એક્સપ્રેસ ટ્રિબ્યુનના જણાવ્યા અનુસાર આ મામલે ફરિયાદી અશોક કુમારે આરોપ લગાવ્યો હતો કે, મંદિરમાં તોડફોડ મહંમદ ઈસ્માઈલ ઉર્ફે ચટ્ટો શીદી એ કરી છે. ત્યાર બાદ પાકિસ્તાન પોલીસે સમગ્ર કેસની તપાસ શરૂ કરી દીધી હતી. જ્યારે નવરાત્રિના દિવસોમાં અહીં માતાજીની પૂજા કરવામાં આવી રહી હતી. એ દિવસોમાં આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનની જાણીતી રિપોર્ટર-પત્રકાર નાયલા ઈનાયતે આ અંગેની જાણકારી પોતાના ટ્વીટર પરથી શેર કરી હતી. આ પ્રકારના હુમલાને સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે વખોડી કાઢ્યો છે. ભારત અને પાકિસ્તાન બંને તરફથી આવી ઘટનાની નિંદા કરવામાં આવી રહી છે. પાકિસ્તાન સિંધ પ્રાંતના મુખ્યમંત્રીના આસી. પૂંજો ભીલે પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. તેમણે પણ આ અંગે ટ્વીટ કર્યું હતું. તેમણે ઉમેર્યું કે, થારપારકરના નગરપારકર તાલુકામાં મંદિરમાં તોડફોડની ઘટના અંગે જાણકારી મળી. ખૂબ જ દુઃખ થયું. મેં આ ઘટના અંગે SSP સાથે વાતચીત કરી છે. કારણ કે, થારપારકર પ્રેમ, શાંતિ, મિલન અને ભાઈચારાની ભૂમિ રહી છે. જ્યાં આ પ્રકારના હુમલાથી ધાર્મિક પરંપરાને નુકસાન થઈ શકે છે.આ જગ્યા હિન્દુઓની ઐતિહાસિક વિરાસત માટે જાણીતી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp