નિરવ મોદી કેવી રીતે ભાગ્યો, જાણો ભાગી છૂટવાનો માસ્ટર પ્લાન

PC: Indiatimes.com

પંજાબ નેશનલ બેન્કમાં 11 હજાર કરોડ રૂપિયા કરતાં પણ વધારાનું કૌભાંડ કરી નિરવ મોદીનો સરકારે પાસપોર્ટ રદ્ કરી દીધો છે પરંતુ પાસપોર્ટ રદ્ થાય તે પહેલા જ મહાકૌભાંડી નિરવ મોદી દેશ છોડીને ફરાર થઈ ગયો હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે નિરવ મોદીએ એક વર્ષ પહેલાં જ દેશમાંથી ભાગી છૂટવાની યોજના બનાવી લીધી હતી.2016માં પરિવાર સાથે જ નિરવ મોદી દેશ છોડીને ભાગી જવાનો હતો. પરંતુ નોટબંધી લાગુ થઈ જતા તેની ભાગી છૂટવાની યોજના પર પાણી ફરી વળ્યું હતું.

સીબીઆઈ સૂત્રોએ આપેલી જાણકારી પ્રમાણે નિરવ મોદી તેના ભાઈ નિહાલ મોદીના લગ્ન કરવાના બહાના હેઠળ ડિસેમ્બર-2016માં ભાગી છૂટવા માંગતો હતો. પરંતુ 8 નવેમ્બરે સરકારે નોટબંધી કરી દેતા નિરવ મોદીની મનની મનમાં રહી ગઈ હતી અને તેણે ભાગી છૂટવાનો પ્લાન કેન્સલ કર્યો હતો. ત્યાર બાદ એક વર્ષના સમયગાળા દરમિયાન ભારતમાં જ રહીને રૂપિયા અને સંપત્તિને ઠેકાણે પાડવાનું કામ કર્યું. તેણે ખૂબ મોટા પાયા પર પ્લાનિંગ કર્યું અને અંજામ પણ આપ્યો.

નિરવ મોદીએ પાછલા એક વર્ષના સમયગાળા દરમિયાન વિદેશની અલગ અલગ બેન્કોના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા. ખાસ કરીને અમેરિકા, મલેશિયા, સીંગાપોર, યુકે અને બ્રિટનની બેન્કોમાં જમા થયેલા રૂપિયાની સીબીઆઈ તપાસ કરી રહ્યા છે. નિરવ મોદીએ શરૂઆતમાં ભારતથી મકાઉ, બૈજિંગ, હોંગકોંગ, સીંગાપોર અને કુઆલાલામ્પુર વગેરેમાં પણ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ તમામ દેશોમાંથી રૂપિયા લંડન ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. લંડન મોકલવામાં આવ્યા બાદ આ રૂપિયા હવાઈ, લાસવેગાસ અને ન્યૂયોર્ક મોકલવામાં આવ્યા. ત્યાર બાદ નિરવ મોદીએ આ રૂપિયાને સ્વીસ બેન્કના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા.

ડિસેમ્બર 2017માં પંજાબ નેશનલ બેન્ક સાથે સંકળાયેલા શખ્સોએ નિરવ મોદીને ટીપ્સ આપી હતી કે નિરવ મોદી દ્વારા કરવામાં આવેલી રૂપિયાની હેરાફેરી અંગે બેન્કના સિનિયર અધિકારીઓએ મીટીંગ કરી હતી અને સીબીઆઈમાં ફરીયાદ કરવામાં આવી છે. આ ઘટનાની જાણકારી મળ્યા બાદ નિરવે દેશમાંથી ભાગી જવાની ફૂલપ્રુફ યોજના ઘડી કાઢી હતી. આખાય પરિવારે એક સાથે દેશ છોડવાના બદલે એક એક કરીને દેશ છોડવાનું ષડયંત્ર કર્યું હતું. બેન્ક કે તપાસ એજન્સીઓને કોઈ પણ પ્રકારની શંકા ઉપજી શકી નહી કે શું ચાલી રહ્યું છે.

નિરવે દેશમાંથી ભાગી જવાની યોજના જાન્યુઆરીમાં બનાવી હતી. આના કારણે તે પહેલા જ ભાગી ગયો. ત્યાર બાદ તેનો ભાઈ નિશાલ મોદી ભારતથી છૂમંતર થઈ ગયો અને નિશાલના ત્રણ મહિના બાદ મામા મેહુલ ચોકસીને પણ દેશમાંથી વિદેશમાં લઈ જવામાં આવ્યા. આ દરમિયાનમાં અમેરિકા નાગરિકતા ધરાવતી તેની પત્ની એમી ભારતમાં જ રહી હતી અને બેન્ક તથા સીબીઆઈની તપાસ પર નજર રાખી શકે. જાન્યુઆરીમાં અંતમાં એમી પણ બાળકો સાથે ફરાર થઈ ગઈ. કૌભાંડીઓનો આખોય પરિવાર એક જ અઠવાડિયા દરમિયાન દેશમાંથી રફૂચક્કર થઈ ગયો અને ભારતીય તપાસ એજન્સીઓની પકડથી જોજન દુર જતા રહ્યા.

નિરવ મોદીએ પરિવારને તો બચાવી લીધો પણ જ્વેલરી બચાવી શક્યો નહી. જે બહુમૂલ્ય ઝવેરાતથી એની ઓળખ હતી તે ઝવેરાતને નિરવ મોદી બચાવી શક્યો નહી. નિરવે ઝવેરાતને ન્યૂયોર્ક મોકલવાની યોજના બનાવી હતી પરંતુ તપાસ એજન્સીઓએ સકંજો કસતા તેની ઝવેરાત અંગેની યોજના ઊંધી લી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp