આ બે દેશોમાં ચાલશે UPI, PM મોદીએ કર્યું લોન્ચ, કહ્યું- ક્રાંતિકારી પરિવર્તન...

PC: twitter.com

સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને મોરેશિયસના PM પ્રવિન્દ જગન્નાથ સાથે સંયુક્તપણે શ્રીલંકા અને મોરેશિયસમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) સેવાઓનો શુભારંભ કરાવ્યો હતો તથા વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મોરેશિયસમાં રુપે કાર્ડ સેવાઓનો પણ શુભારંભ કરાવ્યો હતો.

મોરેશિયસના PM પ્રવિન્દ જગન્નાથે માહિતી આપી હતી કે, કો-બ્રાન્ડેડ રૂપે કાર્ડને મોરેશિયસમાં ડોમેસ્ટિક કાર્ડ તરીકે નિયુક્ત કરવામાં આવશે. PMએ કહ્યું હતું કે, આજની શરૂઆતથી બંને દેશોનાં નાગરિકોને ઘણી સુવિધા મળશે. શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ PMને અયોધ્યા ધામમાં શ્રી રામ મંદિરનાં અભિષેક માટે અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે સદીઓ જૂના આર્થિક સંબંધો પર પણ ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિએ બંને દેશો વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવા અને કનેક્ટિવિટીની ગતિ જાળવવાની આશા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે સંબોધન કરતાં PMએ જણાવ્યું હતું કે, અત્યારે ભારત, શ્રીલંકા અને મોરેશિયસ એમ ત્રણ મિત્ર દેશો માટે વિશેષ દિવસ છે, જ્યારે તેમનાં ઐતિહાસિક જોડાણો આધુનિક ડિજિટલ જોડાણનું સ્વરૂપ ધારણ કરે છે. તેમણે કહ્યું કે તે લોકોના વિકાસ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. PMએ જણાવ્યું હતું કે, ફિનટેક કનેક્ટિવિટી સરહદ પારના વ્યવહારો અને જોડાણોને વધારે મજબૂત કરશે. PMએ જણાવ્યું હતું કે, ભારતનું UPI અથવા યુનાઇટેડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ આજે નવી ભૂમિકામાં છે – ભારત સાથે ભાગીદારોને જોડવા.

PMએ જણાવ્યું હતું કે, ડિજિટલ જાહેર માળખાએ ભારતમાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું છે, જ્યાં ગામડાંનાં અંતરિયાળ વિસ્તારોમાં નાનામાં નાના વિક્રેતાઓ UPI મારફતે વ્યવહાર કરી રહ્યાં છે અને ડિજિટલ ચુકવણી કરી રહ્યાં છે. UPI વ્યવહારોની સુવિધા અને ઝડપ વિશે વાત કરતાં PMએ જાણકારી આપી હતી કે, ગયા વર્ષે UPI મારફતે રૂ. 2 લાખ કરોડ કે શ્રીલંકાનાં રૂ. 8 ટ્રિલિયન અથવા રૂ. 1 ટ્રિલિયન મોરેશિયસનાં મૂલ્યનાં 100 અબજથી વધારે વ્યવહારો થયાં હતાં. PMએ જીઇએમ ટ્રિનિટી ઓફ બેંક એકાઉન્ટ્સ, આધાર અને મોબાઇલ ફોન મારફતે છેલ્લી માઇલ ડિલિવરી કરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં લાભાર્થીઓનાં બેંક ખાતાઓમાં રૂ. 34 લાખ કરોડ કે 400 અબજ અમેરિકન ડોલર હસ્તાંતરિત કરવામાં આવ્યાં છે. PMએ માહિતી આપી હતી કે, કોવિન પ્લેટફોર્મ સાથે ભારતે વિશ્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ હાથ ધર્યો છે. PMએ કહ્યું હતું કે, ટેકનોલોજીનો ઉપયોગ પારદર્શકતાને પ્રોત્સાહન આપે છે, ભ્રષ્ટાચારમાં ઘટાડો કરે છે અને સમાજમાં સર્વસમાવેશકતામાં વધારો કરે છે.

PMએ જણાવ્યું હતું કે, ભારતની નીતિ 'નેબરહુડ ફર્સ્ટ' છે. આપણું દરિયાઈ વિઝન સાગર એટલે કે આ ક્ષેત્રમાં તમામ માટે સુરક્ષા અને વૃદ્ધિ છે. ભારત તેના વિકાસને તેના પડોશીઓથી અલગ જોતું નથી. શ્રીલંકાના રાષ્ટ્રપતિની છેલ્લી મુલાકાત દરમિયાન અપનાવવામાં આવેલા વિઝન ડોક્યુમેન્ટનો ઉલ્લેખ કરીને PMએ નાણાકીય જોડાણને મજબૂત કરવા બાબતને તેના મુખ્ય ઘટક તરીકે દર્શાવી હતી. PM પ્રવિંદ જગન્નાથ સાથે પણ જી-20 સમિટ દરમિયાન તેઓ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હોવાથી આ ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી.

PMએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, UPI સાથે જોડાણથી શ્રીલંકા અને મોરેશિયસને લાભ થશે તથા ડિજિટલ પરિવર્તનને વેગ મળશે, સ્થાનિક અર્થતંત્રોમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે અને પ્રવાસનને પ્રોત્સાહન મળશે. મને વિશ્વાસ છે કે ભારતીય પ્રવાસીઓ UPI સાથેના સ્થળોને પ્રાધાન્ય આપશે. શ્રીલંકા અને મોરેશિયસમાં રહેતા ભારતીય મૂળના લોકો અને ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ તેનો વિશેષ લાભ મળશે. PM મોદીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, એશિયામાં ખાડીમાં નેપાળ, ભૂટાન, સિંગાપુર અને યૂએઈ બાદ હવે આફ્રિકામાં મોરેશિયસથી રૂપે કાર્ડ લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આનાથી મોરેશિયસથી ભારત આવતા લોકોને પણ સુવિધા મળશે. હાર્ડ કરન્સી ખરીદવાની જરૂરિયાત પણ ઓછી થશે. UPI અને રુપે કાર્ડ સિસ્ટમ આપણી પોતાની કરન્સીમાં રિયલ-ટાઇમ, ખર્ચ-અસરકારક અને અનુકૂળ ચુકવણીને સક્ષમ બનાવશે. PMએ ઉમેર્યું હતું કે, આગામી સમયમાં આપણે સરહદ પારથી રેમિટન્સ એટલે કે પર્સન ટૂ પર્સન (પી2પી) પેમેન્ટ સુવિધા તરફ આગેકૂચ કરી શકીએ તેમ છીએ.

PMએ જણાવ્યું હતું કે, આજની શરૂઆત વૈશ્વિક દક્ષિણ સહકારની સફળતાનું પ્રતીક છે. અમારા સંબંધો માત્ર વ્યવહારો વિશે નથી, તે એક ઐતિહાસિક સંબંધ છે, PM મોદીએ ત્રણેય દેશો વચ્ચેના લોકો-થી-લોકોના સંબંધોની શક્તિને પ્રકાશિત કરવા પર ભાર મૂક્યો હતો. છેલ્લાં 10 વર્ષમાં ભારત પોતાનાં પડોશી દેશોનાં મિત્રોને ટેકો આપી રહ્યું છે એ તરફ ધ્યાન દોરતાં PMએ કહ્યું હતું કે, કુદરતી આપત્તિઓ હોય, સ્વાસ્થ્ય સાથે સંબંધિત મુદ્દાઓ હોય, આર્થિક હોય કે આંતરરાષ્ટ્રીય સ્તરે સાથ સહકાર હોય, ભારત કટોકટીના દરેક સમયે તેના મિત્રોની પડખે ઊભું રહે છે. PMએ જણાવ્યું હતું કે, ભારત પ્રથમ પ્રતિસાદ આપનાર દેશ રહ્યો છે અને આગળ પણ રહેશે. PM મોદીએ ભારતના જી-20 રાષ્ટ્રપતિ પદ દરમિયાન પણ વૈશ્વિક દક્ષિણની ચિંતાઓ તરફ વિશેષ ધ્યાન દોર્યું હતું. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ભારતનાં ડિજિટલ સરકારી માળખાગત સુવિધાનો લાભ વૈશ્વિક દક્ષિણનાં દેશો સુધી પહોંચાડવા સોશિયલ ઇમ્પેક્ટ ફંડ સ્થાપિત કરવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp