- Astro and Religion
- દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ...ના નામને સાર્થક કરતા જલારામબાપા
દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ...ના નામને સાર્થક કરતા જલારામબાપા

રાજકોટમાં રાણબાઈ અને રૂડબાઈ નામની બે બહેનો રહેતી હતી. ભક્તિભાવવાળી બંને બહેનોને સત્કાર્યથી જગદંબાના હુલામણા નામથી લોકો ઓળખતા હતા. તેમની ખ્યાતિ વીરપુરના જલા ભગત અને સાયલાના લાલા ભગત સુધી પહોંચી. એક જ સમયે બંને ભગતોને થયું કે લાવો બંને બહેનોને મળીએ. બાપા વીરપુરથી અને લાલા સાયલાથી નીકળ્યા. બંને ભગતો રાણબાઈ અને રૂડબાઈના દરવાજે ભેગા થયા.
ભગતો ભેગા થતાં જાણે હરિ અને હરનું મિલન થયું. એકબીજાને રામ રામ કર્યા અને ઘરમાં પ્રવેશ્યા. રાણબાઈ અને રૂડબાઈ બંને ભગતોને જોઈ આનંદિત થઈ. સાંજે બંને ભગતોને વાળુ કરાવ્યું પછી ભગતોએ ભજનની રમઝટ બોલાવી. સમગ્ર ગામમાં આનંદ આનંદ થઈ ગયો. ટેવ પ્રમાણે બંને બહેનો સવારે વહેલી ઉઠી, પરંતુ બંને ભગતોને ઘસઘસાટ ઉંઘતા જોઈ ઘરકામ માંડી વાળી પહેલા ઢોર ચરાવવા નીકળી પડી. થોડીવાર પછી પ્રથમ જલારામ બાપાની નીંદર ઉડી. ભગવાનનું નામ લઈ ઘરમાં આંટો માર્યો. ત્યારે જોયું તો ઘંટી પાસે દોઢેક મણનું દળણું પડેલું હતું. બાપાએ વિચાર્યુ બંને બહેનો થાકીપાકી આવશે પછી દળશે ક્યારે? આથી દળવાનું શરૂ કર્યું અને દળતા દળતા પ્રભાતિયા ગાવા લાગ્યા.
બાપાના પ્રભાતિયાથી લાલા ભગત જાગી ગયા. તેઓ પણ બાપા સાથે બેસી દળવા લાગ્યા. જોતજોતામાં દળણું દળાઈ ગયું. રાણબાઈ અને રૂડબાઈ ઘરે આવીને જુએ તો દળણું દળાઈ ગયું હતું. તેમણે તરત જ ભગતોને કહ્યું બાપા આ શું કર્યું? બાપાએ કહ્યું કે થયું તમે બંને દીકરીઓ રોજ કામ કરો તો આજે અમે કર્યું. આમ બંને સિદ્ધ સંતો હોવા છતાં અભિમાન વગર જ્યાં જાય ત્યાં કામ કરે. એકવાર ગોમેટા ગામના દેવશી પટેલના છોકરાને સીમમાં નાગ કરડ્યો. છોકરો ત્યાં જ પડી ગયો. ત્યાંથી પસાર થતાં એક રહેવાસીએ જોયું અને ગામમાં બોલાવવા દોડ્યો. દેવશીભાઈ બે મિત્રો સાથે છોકરાને ઝોળીમાં નાંખી ધરે લઈ ગયા. ત્યારબાદ બાપા પાસે આવી કહ્યું દીકારને નાગ કરડ્યો છે અને ઝેર ખુબ ચડી ગયું છે. બાપાએ બાજુમાં પડેલો અલગારી બાવાનો ચીપિયો લીધે અને ભીમાને કહ્યું કે લે ભીમા આ ચીપિયો અને ત્રણવાર રામ બોલી છોકરા પર ફેરવી દેજે.
ભીમાએ છોકરા પાસે જઈ રામનામ બોલી ચીપિયો ફેરવતા જ છોકરો ઉભો થઈ ગયો. બધાએ બાપાનો જયકારો બોલાવ્યો. આવી જ રીતે બાપાની ખ્યાતિ સાંભળી ત્રણ આરબ વીરપુર આવ્યા. બાપાએ સદાવ્રતમાં તેમને ભોજન માટે બોલાવ્યા, પરંતુ તેમણે પોતાની બેગમાં મરેલા પક્ષીઓ રાખ્યા હતા. આથી શરમાઈને એકબીજાને જોવા લાગ્યા. ત્યાંજ બાપાએ કહ્યું કે આ પક્ષીઓ કેમ બેગમા મુકી રાખ્યા છે. તેમને છોડી દો. બાપાના કહેવાથી તેમણે જેવી બેગ ખોલી તેવા જ મરેલા પક્ષીઓ જીવતા થઈ પાંખ ફફડાવતા ઉડી ગયા. આવા વીરપુરના સંત જલારામ બાપાનો જન્મ કારતક સુદ સાતમ 1799માં થયો હતો.
16 વર્ષની ઉંમરે લગ્ન કર્યા અને 18 વર્ષની ઉંમરે ગુરુ ભોજલરામ મળ્યા. તેમણે સદાવ્રત શરૂ કરવાનો આદેશ કર્યો. બાપાએ 24 કલાક સાધુ સંતોની સેવા કરતા રામનામ જપ્યું અને લોકોની સેવા કરતા. 20 વર્ષની ઉંમરે તેમની ખ્યાતિ બધે ફેલાઈ ગઈ. 23 ફેબ્રુઆરી 1881માં તેમણે 81 વર્ષની ઉંમરે સમાધિ લીધી. બાપાએ શરૂ કરેલું સદાવ્રત આજેપણ ભૂખ્યાને ભોજન આપી રહ્યું છે. જલારામ બાપાના વીરપુરના મંદિરમાં એટલા બધા રૂપિયાનું દાન આવતું હતું કે રૂપિયા વ્યાજે મુક્યા બાદ ખર્ચ કરતા પણ વધતા હતા. ત્યારબાદ તેમના વારસદારોએ કોઈપણ ભેટ સ્વીકારવા પર આજે વરસોથી પ્રતિબંધ મુક્યો છે. ભારતમાં કદાચ આ એક જ મંદિર એવું હશે કે જેમાં તેમના વારસદારોએ ભેટ સ્વીકારવાની મનાઈ કરી છે.
Related Posts
Top News
નીતિનભાઈ પટેલ: ગુજરાત ભાજપના એક આખાબોલા નિષ્ઠાવાન કાર્યકર્તા અને પાટીદાર નેતા
મહા કુંભનો મહાચોર પકડાયો, 60 લાખના ફોન જપ્ત કરાયા
ગુજરાતના ગર્વનરે આચાર્ય દેવવ્રતે 47 વર્ષનો રેકોર્ડ તોડ્યો
Opinion
