મૃત્યુ વિશે...
સાચો લેખક બે જ વિષયો પર લખી શકે, સેક્સ અને મૃત્યુ, અને આ વિચાર કવિ ડબલ્યુ એચ. ઓડેનનો હતો. સેક્સ પર લખવું પ્રમાણમાં સરળ છે પણ તેમાં લક્ષ્મણરેખા સાચવવી પ્રમાણમાં કઠિન છે. મૃત્યુ વિશે ઈમાનદારીથી જ લખી શકાય. જેણે પ્રિયજનના મૃત્યુને કરીબથી જોયું છે, જેણે નિશ્વેષ્ટ શરીર પર આંગળીઓ ફેરવી છે અને એ મૃત શરીરમાં કોઈ સ્પંદન, કોઈ થર્રાહટ અનુભવી નથી એ માણસે મૃત્યુની વિભીષિકાને સ્પર્શ કર્યો છે. પગની બર્ફીલી ઠંડક, વધેલા નખ. ધ્રૂજતા હાથથી બંધ કરેલાં બંને આંખોના પોપચાં અને એ જીભને સ્પર્શ કરતી વખતે ધ્રુજારી છૂટી જાય છે. એ જીભ પથ્થર જેવી સખ્ત અને સ્થિર બની ગઈ છે. હવે ફક્ત એક ફોટો રહી ગયો છે, સ્ટ્રોબેરી રંગની સાડી, સોનેરી કિનાર અને ફોટામાં થીજી ગયેલું અર્ધસ્મિત અને ફોટામાંથી વિષાદી આંખો જોઈ રહી છે, એ આંખો જે ફોટામાં હવે ક્યારેક બંધ થવાની નથી. નિષ્પલક આંખો. એક આંખ એક અંધને દૃષ્ટિ આપશે, બીજી આંખ બીજી અંધ વ્યક્તિને દુનિયા બતાવશે, જે દુનિયા કદાચ એણે ક્યારેય જોઈ નથી. કોઈક બે અનામ ચહેરાઓમાં આ બે આંખો જીવતી રહેશે, અને એ બે ચહેરાઓ કોના છે એ ક્યારેય કહેવામાં આવતું નથી. પણ નિકટજન માટે હવે આ બે અપલક, જોઈ રહેલી આંખો ફોટામાં બીડાવાની નથી અને નિકટજનની આંખો નમ થઈ જાય છે. છલકાવું, પણ ન રડવું. અને નિકટજનના નિકટજનોના ભાવુક આગ્રહથી ઈ.સી.જી. કઢાવી લેવો પડે છે. પેલ્પીટેશન છે. હાર્ટ-બીટ્સ જરા ઈરરેગ્યુલર છે. ડૉક્ટર એની ડૉક્ટરી ભાષામાં સાંત્વન આપે છે. બ્લડ પ્રેશર નોર્મલ છે. ટેઈક ઈટ ઈઝી...
બધી જ આધ્યાત્મિક વાતો, બધો જ ધર્મ, બધું જ સ્પીરીચ્યુઆલીઝમ બકવાસ લાગે છે. મૃત્યુ એ સત્ય છે. ડેગ હેમરશોલ્ડે લખ્યું હતું, મૃત્યુ એ ફ્રેમ છે, ચિત્રની ફ્રેમ, એ પહેલેથી જ છે. ફક્ત તમારે એમાં જિંદગીના રંગો પૂરી લેવાના છે. જે ક્ષણે પ્રસવ થાય છે એ જ ક્ષણથી શિશુનું મૃત્યુ તરફનું કાઉન્ટડાઉન શરૂ થઈ જાય છે. હું માનું છું કે ગર્ભાધાનની ક્ષણથી મૃત્યુનું કાઉન્ટડાઉન શરૂ થઈ જાય છે. તમે જે જે વસ્તુઓ કે વ્યક્તિઓ જોઈ રહ્યા છો, પેન, ખુરશી, ગ્લાસ, ટીવી, બંગલો, નેહાબહેન, સલિલભાઈ, અટલ બિહારી બાજપેયી... એ બધા પર એક અદૃશ્ય એક્સપાયરી-ડેટ લખેલી છે. જેનો જન્મ થઈ ગયો છે એનો અંત, એનું પૂર્ણવિરામ, એનું મૃત્યુ અવશ્યંભાવી છે. ૐ અર્થાય નામઃની સાથે સાથે ૐ અનર્થાય નમઃ પણ એટલું જ સત્ય છે. શબ્દોની શતરંજ, વિચારોની છિનાઝપટી, મંતવ્યોની ચોપાટ આપણે જીવનભર રમતા રહીએ છીએ. જાતસ્ય હિ ધ્રુવં મૃત્યુ. નિધન એટલે નિવૃત્તં ધનં યસ્માત્ રઘુવંશમાં લખ્યું છે : મરણં પ્રકૃતિઃ શરીરિણામ્. જીવનની બદલાતી કેમિસ્ટ્રી માટે ધર્મ પાસે કોઈ ચિકિત્સા નથી, અને ધર્મનું નિદાન પણ ભ્રામક છે. સાંત્વન એક અસહાય સમાધાન છે. માણસ 9 સેકંડમાં પણ મરી શકે છે, અને 9 વર્ષો પછી પણ મોત આવતું નથી. જન્મવું આપણા હાથમાં નથી, મરવું આપણા હાથમાં છે પણ ઈચ્છામૃત્યુ માટે ભીષ્મ પિતામહ બનવું પડે છે, મકરસંક્રાંતની રાહ જોતાં જોતાં શરશય્યા પર સૂતા રહેવાની હિંમત અને ધૈર્ય બહુ ઓછામાં હોય છે. એક જાપાનીઝ કહેવત છે : મૃત્યુ પીંછા કરતાં પણ હલકું છે, અને મૃત્યુ પહાડ કરતાં પણ વજનદાર છે! પ્રિયજનના શરીરને અગ્નિની પાવક જ્વાલાઓને સોંપી દેવું, ‘અગ્નિસંસ્કાર’ કરવા, અને પછી સળગી ગયેલા હાડકાંને પાણીથી અને દૂધથી ધોઈને અસ્થિ બનાવી દેવાં અને એ અસ્થિકુંભને વહેતા પાણીમાં વહાવી દેવો... આ વિધિવિધાન છે. ઈંગ્લેન્ડમાં આને ‘એશીઝ’ કહેવાય છે. અમેરિકામાં ‘ક્રિમેઈન્સ’ કહે છે, અગ્નિ સર્વત્ર પૂજ્ય છે. અસ્થિ મરેલાની જીવતાને ભેટ છે.
ગુજરાતી ભાષામાં ‘મૃત્યુ પામ્યા’ કહેવાય છે, જીવન પામ્યા એમ કહેવાતું નથી. મૃત્યુ ઉપલબ્ધિ છે, પ્રાપ્તિ છે, સિદ્ધિ છે. અંગ્રેજી શબ્દો ‘પાસ્ડ આવે’ મને વધારે ગમે છે. એ પસાર થઈ ગયા, ગુજરી ગયા. રવીન્દ્રનાથ ટાગોરે કદાચ મૃત્યુના આ યથાર્થને બરાબર આત્મસાત્ કર્યું હતું. ટાગોરે લખ્યું ‘...અને મૃત્યુમાં એ જ અજ્ઞાત પ્રકટ થશે જેને હું હંમેશ ઓળખતો રહ્યો છું. અને કારણકે મેં આ જીવનને પ્રેમ કર્યો છે, મને ખબર છે હું મૃત્યુને પણ એ જ રીતે પ્રેમ કરીશ...!’
ઈશ્વર સિવાય સૃષ્ટિના દરેક જીવને મૃત્યુનો આશીર્વાદ છે. જે જીવે છે એને વધારે જીવવું છે, આપણે વધારે જિવાડવું છે, માટે મૃત્યુ સ્વીકાર્ય નથી. પણ મનુષ્યને મૃત્યુનો આશીર્વાદ છે, ઈશ્વરને નથી, ઈશ્વર મરતો નથી, મરી શકતો નથી. પ્રશ્ન બહુ દાર્શનિક બની જાય છે. જો અસ્તિત્વ છે તો એનું પૂર્ણવિરામ છે, એની સમાપ્તિ છે, એનો અંત છે. જો ઈશ્વરનું અસ્તિત્વ હોય તો એનું મૃત્યુ જરૂર થવું જોઈએ. અને અહીં પ્રશ્ન બહુ જ સરળ બની જાય છે જેનો ઉત્તર અત્યંત કઠિન છે : ઈશ્વર છે કે નથી? અને તર્ક-વિતર્ક-પ્રતિતર્કના ધુમ્મસમાં પ્રશ્ન અલોપ થઈ જાય છે. જો ઈશ્વરનું અસ્તિત્વ હોય તો એ અસ્તિત્વનો અંત જરૂર થવો જોઈએ. અહીં તર્કે અટકવું પડે છે, અહીં શ્રદ્ધાએ જન્મવું પડે છે.
પણ ક્રૂર વાસ્તવ આંખોની સામે છે. એ ડેન્ચર રાખવાની ડબ્બી, એ વાંચવાનાં બાય-ફોકલ ચશ્માં. દુનિયા હવે સત્ય અને અસત્યની પાર ચાલી ગઈ છે. સત્ય એ છે કે અવાજ જે લોબીમાંથી સંભળાતો હતો, હજી પણ વચ્ચે વચ્ચે સંભળાઈ જાય છે અથવા સંભળાવાનો આભાસ થઈ જાય છે. એ અવાજ નથી, એનો પડઘો નથી, એ નથી. જે ધૂન, જે ટ્યુન, જે લય સંભળાતી હતી, એ ગીતનું ગણગણાવું, એ ગીત ગાયબ છે. કબાટ ખોલો છો અને કપડાં ઝૂલી રહ્યાં છે, હાલ્યા વિના. ગડી કરેલાં વસ્ત્રો અકબંધ વ્યવસ્થિત પડ્યાં છે. સોફા પરના એ ખૂણામાં બેસીને ટીવી જોવાતો હતો. ડાઈનિંગ ટેબલ પરની એ જ ખુરશી, એ ખાલી ખુરશી જેમાં હવે તમે બેસો છો. પલંગની નીચેથી તમે તમારી સ્લીપર્સ કાઢવા જાઓ છો અને એ સ્લીપર્સ બીજી છે, પહેરાયા વિનાની. અને એ રિસ્ટ વૉચ, જે તમારી બેટીએ એની મમ્મીને છેલ્લા જન્મદિવસ પર ભેટ આપી હતી... અને એક કસકની જેમ એક પ્રશ્ન ચૂભતો રહ્યો હતો, હવે કેટલા જન્મદિવસો....?
મૃત્યુ પછી સમજાય છે કે આત્માની પણ એક ખૂબસૂરતી હોય છે, પારદર્શક અને સૌમ્ય, એ ખૂબસૂરતી જે આપણને ક્યારેય સમજાઈ ન હતી. મૃત્યુ ઘણાં રહસ્યો ખોલી નાંખે છે. જિંદગી બધાં ક્ષેત્રોમાં પહેલા આવવાની એક જીવલેણ દોડ હતી, અને ડાયાબિટીસ અને હાયપર-ટેન્શનનાં ઈનામો જીતવાનાં હતાં. મૃત્યુ ગતિરોધ નહીં પણ સ્વપ્નભંગની અવસ્થા હતી. પણ અમરત્વનો હેંગઅપ આપણને છેલ્લા કલાકો સુધી રહ્યા કરે છે. ગ્રીસમાં કહેવાય છે કે વૃક્ષ એના પગ પર ઊભું ઊભું જ મરી શકે છે. માણસ તૂટી પડે છે ત્યારે મરે છે. અથવા પ્રિયજનના મૃત્યુની સાથે સાથે આપણી જિંદગી પણ થોડી થોડી મરી જાય છે. એ મૃત્યુ તમારું થોડું જીવન પણ ઈલેક્ટ્રિક ક્રિમેટોરીઅમમાં સળગાવી નાંખે છે. હવે દિશા ડાર્ક ખામોશીની છે, જ્યાં આવતી કાલ નથી. ઈતિ.
ક્લૉઝ અપ :
હમ કા ઓઢાવે ચદરિયા, ચલતી બિરિયા. - કબીરદાસ
(અર્થ : વિદાયના સમયે મને આમ ચાદર શા માટે ઓઢાડો છો?)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર