- National
- હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો
હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

PM નરેન્દ્ર મોદી અને પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન વચ્ચેની વાતચીતના પોડકાસ્ટમાં PM મોદીએ ઘણા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી. આમાં, PM મોદીએ તેમના જીવનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની મહત્વપૂર્ણ ભૂમિકા, સમાજમાં તેના યોગદાન અને તેમના વ્યક્તિગત અનુભવો વિશે વિગતવાર ચર્ચા કરી. લેક્સે તેમને પૂછ્યું કે, જ્યારે તમે આઠ વર્ષના હતા, ત્યારે તમે RSSમાં જોડાઈ ગયા હતા, જે હિન્દુ રાષ્ટ્રવાદના વિચારને સમર્થન આપે છે. શું તમે મને RSS વિશે કહી શકો છો? તેમનો તમારા પર અને તમારા રાજકીય વિચારોના વિકાસ પર શું પ્રભાવ પડ્યો?
આના જવાબમાં PM મોદીએ કહ્યું કે, બાળપણથી જ મને હંમેશા કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાની આદત હતી. મને યાદ છે કે, મકોશી નામનો એક માણસ હતો, મને તેનું પૂરું નામ બરાબર યાદ નથી, મને લાગે છે કે તે સેવા જૂથનો ભાગ હતો. તે પોતાની સાથે ઢોલ જેવું કંઈક રાખતો હતો. તેઓ પોતાના ઊંડા, શક્તિશાળી અવાજમાં દેશભક્તિના ગીતો ગાતા હતા. જ્યારે પણ તે અમારા ગામમાં આવતો, ત્યારે તે અલગ અલગ જગ્યાએ કાર્યક્રમ કરતો હતો. હું તેના ગીતો સાંભળવા માટે ગાંડાની જેમ તેની પાછળ દોડતો હતો. હું આખી રાત તેમના દેશભક્તિના ગીતો સાંભળતો રહેતો. મને તેમાં મજા આવતી હતી, મને ખબર નહીં કેમ, પણ બસ મજા આવતી હતી.
તેમણે કહ્યું કે, અમારા ગામમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક શાખા હતી, જ્યાં દેશભક્તિના ગીતો વગાડવામાં આવતા હતા. તે ગીતોમાંની કેટલીક વાતો મને ખૂબ સ્પર્શી ગઈ. અને આ રીતે હું RSSનો ભાગ બની ગયો. RSSમાં અમને જે મૂળ મૂલ્યો આપવામાં આવ્યા હતા, તેમાંનો એક એ હતો કે, તમે જે પણ કરો છો, તે કોઈ હેતુ સાથે કરો. રાષ્ટ્રમાં યોગદાન આપવા માટે કરો. જેમ કે જો હું અભ્યાસ કરું છું, તો મારે એટલો અભ્યાસ કરવો જોઈએ કે તે દેશ માટે ઉપયોગી થાય. જ્યારે હું કસરત કરું છું, ત્યારે મારે તે એટલું કરવું જોઈએ કે, મારું શરીર પણ દેશ માટે ઉપયોગી થાય. સંઘના લોકો આ શીખવતા રહે છે. સંઘ ખૂબ મોટું સંગઠન છે. તે હવે તેની 100મી વર્ષગાંઠની નજીક છે. આટલી મોટી સ્વૈચ્છિક સંસ્થા કદાચ દુનિયામાં બીજે ક્યાંય અસ્તિત્વમાં નથી. કરોડો લોકો તેની સાથે જોડાયેલા છે. પણ સંઘને સમજવું એટલું સરળ નથી. તેના કાર્યના સ્વરૂપને ખરેખર સમજવા માટે પ્રયત્નો કરવા જોઈએ. સૌથી વધુ, સંઘ તમને એક સ્પષ્ટ દિશા આપે છે, જેને ખરેખર જીવનનો હેતુ કહી શકાય.
PM મોદીએ કહ્યું કે, બીજું, દેશ જ સર્વસ્વ છે અને જનસેવા જ ભગવાનની સેવા છે. વૈદિક કાળથી આ વાત કહેવામાં આવી રહી છે. આ આપણા ઋષિઓએ કહ્યું છે, આ જ વિવેકાનંદે પણ કહ્યું છે અને આ જ સંઘના લોકો પણ કહે છે. તેથી સ્વયંસેવકને કહેવામાં આવે છે કે, તેણે સંઘ તરફથી મળેલી પ્રેરણાથી સમાજ માટે કંઈક કરવું જોઈએ. આજે, તે ભાવનાથી પ્રેરિત થઈને ઘણી પહેલ ચલાવવામાં આવી રહી છે. જેમ કે કેટલાક સ્વયંસેવકોએ સેવા ભારતી નામની સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા ઝૂંપડપટ્ટીઓ અને વસાહતોમાં સેવા આપે છે, જ્યાં સૌથી ગરીબ લોકો રહે છે, જેને તેઓ સેવા સમુદાયો કહે છે. મારી જાણકારી મુજબ, તેઓ કોઈપણ સરકારી સહાય વિના, ફક્ત સમુદાયના સમર્થનથી લગભગ 1 લાખ 25 હજાર સેવા પ્રોજેક્ટ ચલાવે છે. તેઓ ત્યાં સમય વિતાવે છે, બાળકોને ભણાવે છે, તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે, સારા મૂલ્યો કેળવે છે અને આ સમુદાયોમાં સ્વચ્છતા સુધારવા માટે કામ કરે છે. આ કોઈ નાની સિદ્ધિ નથી.
તેમણે જણાવ્યું હતું કે, તેવી જ રીતે, સંઘ દ્વારા ઉછેરવામાં આવેલા કેટલાક સ્વયંસેવકો વનવાસી કલ્યાણ આશ્રમ દ્વારા આદિવાસી સમુદાયોની સેવા કરવા માટે સમર્પિત છે. તેઓ આદિવાસીઓ વચ્ચે રહે છે અને તેમના કલ્યાણ માટે કામ કરે છે. તેમણે દૂરના આદિવાસી વિસ્તારોમાં 70,000થી વધુ એક શિક્ષક ધરાવતી શાળાઓ ખોલી છે. અમેરિકામાં પણ કેટલાક લોકો એવા છે, જે તેમના માટે લગભગ 10 કે 15 ડૉલરનું દાન કરે છે અને તેઓ કહે છે, 'આ મહિને કોકા-કોલા ન પીઓ અને તે પૈસા એક શિક્ષક ધરાવતી શાળાને દાન કરો.' હવે કલ્પના કરો, આદિવાસી બાળકોને શિક્ષણ આપવા માટે સમર્પિત 70,000 એક શિક્ષક ધરાવતી શાળાઓ. શિક્ષણમાં ક્રાંતિ લાવવા માટે કેટલાક સ્વયંસેવકોએ વિદ્યા ભારતીની સ્થાપના કરી છે. આજે, તેઓ લગભગ 25,000 શાળાઓ ચલાવે છે, જે લગભગ 30 લાખ વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે, અને મારું માનવું છે કે, આ પહેલથી કરોડો વિદ્યાર્થીઓને ફાયદો થયો છે, જેઓ અતિ ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી રહ્યા છે. શિક્ષણની સાથે, મૂલ્યોને પ્રાથમિકતા આપવામાં આવે છે, અને વિદ્યાર્થીઓ જમીન સાથે જોડાયેલા રહે છે, કૌશલ્યો શીખે છે, જેથી તેઓ સમાજ પર બોજ ન બને. એટલે કે, RSSએ જીવનના દરેક પાસામાં ભૂમિકા ભજવી છે, પછી ભલે તે મહિલાઓ હોય, યુવાનો હોય કે મજૂરો હોય.
PM મોદીએ કહ્યું કે, સભ્યપદના કદની દ્રષ્ટિએ, જો હું એમ કહી શકું તો, આપણી પાસે ભારતીય મઝદૂર સંઘ છે. તેના દેશભરમાં લાખો સભ્યો સાથે લગભગ 50,000 સંગઠનો છે. કદાચ, કદની દ્રષ્ટિએ, વિશ્વમાં આનાથી મોટું કોઈ મજૂર સંગઠન નથી. પરંતુ રસપ્રદ વાત એ છે કે, તેઓ જે અભિગમ અપનાવે છે. ઐતિહાસિક રીતે, ડાબેરી વિચારધારાઓએ વિશ્વભરમાં મજૂર ચળવળોને વેગ આપ્યો છે અને તેમનું સૂત્ર શું રહ્યું છે? 'દુનિયાના કામદારો, એક થાઓ', સંદેશ સ્પષ્ટ હતો, પહેલા એક થાઓ, પછી બાકીનું અમે સંભાળી લઈશુ. RSS પ્રશિક્ષિત સ્વયંસેવકો દ્વારા સંચાલિત મજૂર સંગઠનો શું માને છે? તેઓ કહે છે કે, 'મજૂરોએ દુનિયાને એક કરી છે.' બીજા કહે છે, 'દુનિયાના કામદારો એક થાઓ.' અને આપણે કહીએ છીએ, 'કામદારોએ દુનિયાને એક કરી છે.' આ શબ્દોમાં એક નાનો ફેરફાર લાગે છે, પરંતુ તે એક મોટો વૈચારિક ફેરફાર છે. RSSમાંથી આવતા સ્વયંસેવકો પોતાના રસ, સ્વભાવ અને પ્રવૃત્તિને અનુસરે છે અને આમ કરીને તેઓ આવી પ્રવૃત્તિઓને મજબૂત અને પ્રોત્સાહન આપે છે. જ્યારે તમે આ વસ્તુઓ પર નજર નાખો છો, ત્યારે તમને ખ્યાલ આવશે કે, છેલ્લા 100 વર્ષોમાં, RSSએ ભારતની ઝાકમજોળથી દૂર રહીને, એક સાધકની જેમ સમર્પિતપણે કામ કર્યું છે. મારુ સૌભાગ્ય છે કે, આવા પવિત્ર સંગઠનમાંથી મને જીવનના સંસ્કારો મળ્યા.
Related Posts
Top News
કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...
ટેસ્લા આ બે કાર સાથે ભારતમાં આવી રહી છે, સર્ટિફિકેશન પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ
તમારા માટે જે સદભાવના રાખે એમના માટે તમારે પણ સદભાવના રાખવી જરૂરી છે
Opinion
