- National
- મહિલાના પેટમાં 17 વર્ષથી કાતર હતી, એક્સ-રે કરાવતા ડૉક્ટરોની બેદરકારીનો પર્દાફાશ થયો!
મહિલાના પેટમાં 17 વર્ષથી કાતર હતી, એક્સ-રે કરાવતા ડૉક્ટરોની બેદરકારીનો પર્દાફાશ થયો!

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં 17 વર્ષ પહેલાં સિઝેરિયન ઓપરેશન દરમિયાન એક મહિલાના પેટમાં કાતર છૂટી ગઈ હતી. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે તાજેતરમાં મહિલાનો એક્સ-રે કરવામાં આવ્યો અને રિપોર્ટમાં તેના પેટમાં કાતર હોવાની વાત જાહેર થઇ.
મહિલાના પતિ, અરવિંદ કુમાર પાંડે, જે ઇન્દિરા નગરના રહેવાસી છે, તે સહકારી મંડળી પંચાયત ઓડિટના ડેપ્યુટી ડિરેક્ટર છે. તેમણે ગાઝીપુર પોલીસ સ્ટેશનમાં આ વિશે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી અરવિંદ કુમાર પાંડે એ જણાવ્યું કે 26 ફેબ્રુઆરી 2008ના રોજ, તેમની પત્નીને પ્રસૂતિ પીડાને કારણે ઇન્દિરાનગરના એક નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં સિઝેરિયન ઓપરેશન દ્વારા બાળકનો જન્મ થયો, પરંતુ ઓપરેશન દરમિયાન ડોકટરોની બેદરકારીને કારણે કાતર પેટની અંદર જ રહી ગઈ.
આ પછી, મહિલા વારંવાર પેટમાં દુખાવાની ફરિયાદ કરતી રહી. ઘણા ડોકટરોને બતાવ્યું અને ઘણી સારવાર કરાવવા છતાં, તેમની હાલતમાં કોઈ સુધારો થયો નહીં. ત્યાર પછી તાજેતરમાં એક એક્સ-રે કરાવવામાં આવ્યો અને તેમાં કાતર જોવા મળી, જેના પગલે તેમને કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (KGMU)માં દાખલ કરવામાં આવ્યા. અહીં, 26 માર્ચે એક જટિલ સર્જરી પછી, ડોકટરોએ કાતર કાઢી નાખી.

અરવિંદ કુમાર પાંડેએ ગાઝીપુર પોલીસમાં નર્સિંગ હોમના ડૉક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો કે, આ બેદરકારીને કારણે તેમની પત્નીને 17 વર્ષ સુધી શારીરિક અને માનસિક પીડા સહન કરવી પડી.
KGMUના પ્રવક્તા સુધીર સિંહે જણાવ્યું હતું કે, 'દર્દીના પેટમાં કાતર હતી, જેને એક જટિલ ઓપરેશન પછી સફળતાપૂર્વક દૂર કરવામાં આવી હતી. દર્દીની સ્થિતિ હવે સ્થિર છે અને તેને ઘરે મોકલી દેવામાં આવી છે.'
https://twitter.com/Benarasiyaa/status/1905490487827402971
આ ઘટના તબીબી ક્ષેત્રની બેદરકારીનું ગંભીર ઉદાહરણ છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે આટલી મોટી બેદરકારી કેવી રીતે થઈ શકે અને 17 વર્ષ સુધી કોઈને તેના વિશે ખબર કેમ ન પડી? ગાઝીપુર પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. આ બાબતથી આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને દર્દીઓની સલામતી પર પ્રશ્નો ઉભા થયા છે. હવે બધાની નજર તેના પર છે કે, પોલીસ તપાસમાં શું ખુલાસો થાય છે અને ગુનેગારો સામે કાર્યવાહી થાય છે કે નહીં, કે પછી આ કેસમાં પણ અન્ય તબીબી બેદરકારીના કેસોની જેમ તેના પર પડદો પાડી દેવામાં આવશે.
About The Author
Top News
પાકિસ્તાની બૂમો પાડી રહ્યા હતા કે વિરાટ ક્યારે નિવૃત્તિ લે છે, કિંગએ એવું કહ્યું કે સન્નાટો પ્રસરી ગયો
UP સરકારના બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર, બોલી- જેમના ઘર તોડી પાડવામાં આવ્યા છે તેમને 10-10 લાખ આપો
ટ્રમ્પે 2 એપ્રિલને 'મુક્તિ દિવસ' જાહેર કર્યો, ભારત પર તેની અસર શું, ટેરિફથી કેટલું ટેન્શન વધશે?
Opinion
