- National
- સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યુ...
સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા પર તેમને ગૃહમાં બોલવાની તક ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ગૃહ અલોકતાંત્રિક રીતે ચલાવવામાં આવી રહ્યું છે. સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધી પર ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે, કોઈપણ સભ્યનું વર્તન ગૃહની ગરિમા અનુસાર હોવું જોઈએ. સ્પીકરે કહ્યું હતું કે, આવા ઘણા કિસ્સા મારા ધ્યાનમાં આવ્યા છે, જેમાં સભ્યોનું વર્તન ગૃહની ગરિમાને અનુરૂપ ન હતું. આ ગૃહમાં પિતા અને પુત્રી, માતા અને પુત્રી અને પતિ અને પત્ની પણ સભ્યો તરીકે બેસે છે. તેથી, વિરોધ પક્ષના નેતા પાસેથી ગૃહના નિયમ 349 અનુસાર વર્તન કરવાની અપેક્ષા રાખવામાં આવે છે.

રાહુલ ગાંધીએ તેમની ટિપ્પણીનો સખત વિરોધ કર્યો. તેમણે કહ્યું કે, મેં એવું કંઈ જ નથી કર્યું અને ગૃહને અલોકતાંત્રિક રીતે ચલાવવામાં આવી રહ્યું છે. લોકસભા સ્પીકર બિરલાએ બુધવારે શૂન્ય કાળ પછી વિપક્ષના નેતા રાહુલ ગાંધીને કહ્યું કે, તેમણે ગૃહના નિયમો અને પરંપરાઓ અનુસાર વર્તવું જોઈએ અને તેમની પાસેથી પણ આ અપેક્ષા રાખવામાં આવે છે. આ પછી તેમણે ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. ગૃહ સ્થગિત થયા પછી, કોંગ્રેસના સાંસદો બિરલાને મળ્યા અને 'વિપક્ષના નેતાને બોલવાની તક ન આપવા' બદલ પોતાનો વિરોધ નોંધાવ્યો. સંસદ પરિસરમાં જ મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું, 'લોકસભા સ્પીકરે મારા વિશે કંઈક કહ્યું. જ્યારે હું ઉભો થયો, ત્યારે તેઓ ઉભા થઈને ચાલ્યા ગયા અને ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી.'
તેમણે દાવો કર્યો, 'જ્યારે પણ હું ગૃહમાં બોલવા માટે ઉભો થાઉં છું, ત્યારે મને બોલવાની મંજૂરી નથી અપાતી, જ્યારે કે એ પરંપરા રહી છે કે જો વિપક્ષના નેતા ઉભા થાય છે, તો તેમને બોલવાની મંજૂરી આપવી જોઈએ. મને ખબર નથી કે ગૃહ કઈ રીતે ચાલી રહ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું, 'મેં કંઈ કર્યું નથી. હું શાંતિથી બેઠો હતો. હું છેલ્લા સાત-આઠ દિવસથી કંઈ જ બોલ્યો નથી. લોકશાહીમાં સરકાર અને વિપક્ષ બંને માટે સ્થાન છે, પરંતુ અહીં લોકશાહી માટે કોઈ સ્થાન નથી. ખબર નથી કે લોકસભા સ્પીકર શું વિચારે છે. તેમણે આરોપ લગાવ્યો કે, ગૃહ અલોકતાંત્રિક રીતે ચલાવવામાં આવી રહ્યું છે.

ગૃહમાં કોંગ્રેસના નાયબ નેતા ગૌરવ ગોગોઈએ આરોપ લગાવ્યો કે, વિપક્ષના નેતાને બોલવાની તક આપવામાં આવતી નથી. તેમણે દાવો કર્યો હતો કે, જો કોઈ BJP સાંસદ કે મંત્રી ફક્ત ઉભા પણ થાય છે, તો તેમને બોલવાની સ્વતંત્રતા મળે છે. ગોગોઈએ કહ્યું, 'આપણે બધાએ જોયું છે કે, સુષ્મા સ્વરાજ જ્યારે વિપક્ષના નેતા હતા ત્યારે તેમને લોકસભામાં કેટલું સન્માન મળ્યું હતું.' તેમણે કહ્યું, 'અમે લોકસભા સ્પીકરને મળ્યા અને અમારો વાંધો નોંધાવ્યો અને તેમને વિપક્ષના નેતાની ગરિમાનું અપમાન કરવામાં આવી રહ્યું છે તે અંગે જણાવ્યું.' તેમણે કહ્યું કે લોકસભા સ્પીકર તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. ગોગોઈએ કહ્યું, 'અમે ઇચ્છીએ છીએ કે ગૃહ કાર્યરત રહે, પરંતુ આ ગૃહનું વાતાવરણ બગાડવાનું કાવતરું છે.'
Related Posts
Top News
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
'બ્લુ ડ્રમ' કેસ પછી ડરેલો પતિ ધરણા પર બેઠો, 'મારી પત્નીના 4 બોયફ્રેન્ડ, મને બચાવો'
મેચ હાથમાંથી નીકળી ગયા પછી ધોની 9મા ક્રમે આવ્યો, પૂર્વ ક્રિકેટરોએ ઘણું સંભળાવ્યું
Opinion
