પાવાગઢમાં માતાના ભક્તોએ શ્રીફળ વધેરવાના પ્રતિબંધ વચ્ચે વચલો રસ્તો શોધી કાઢ્યો
ગુજરાતના વડાદોરથી લગભગ 55 કિ.મી દુર આવેલા પાવાગઢમાં મહાકાળી માતાના મંદિરમાં શ્રીફળ વધેરવાના વિવાદ વચ્ચે માતાના ભક્તોએ વચલો રસ્તો શોધી કાઢ્યો છે. મંદિરના ટ્રસ્ટે તાજેતરમાં જ છોલેલા શ્રીફળ લઇને મંદિરમાં આવવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. શ્રીફળ વધેરવા માટેનું સ્ટેન્ડ બંધ કરી દેવાતા ભક્તોએ પગથિયા પર જ શ્રીફળ વધેરી દીધા હતા. જાણે, ભક્તો એમ કહી રહ્યા છે કે અમને તો કોઇ પ્રતિબંધ નડતો નથી.
બનાસકાંઠામાં આવેલા મા અંબાના મંદિર અંબાજીમાં મોહનથાળ અને ચીકીનો વિવાદ ઉભો થયાના થોડા દિવસો બાદ પાવાગઢમાં પણ છોલેલા નારિયળ પર પ્રતિબંધ મુકાતા વિવાદ શરૂ થયો હતો. હવે 22 માર્ચ, બુધવારથી ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ થયો હતો અને માતાના ભક્તો મોટી સંખ્યામાં ચૈત્રી નવરાત્રીમાં દર્શન કરવા માટે આવતા હોય છે. મહાકાળી માતાના મંદિરે દર્શન કરવાથી મનોકામના પુરી થાય છે એવી માન્યતા છે અને લોકો બાધા પણ રાખે છે. મહાકાળી મંદિરના ટ્રસ્ટે છોલેલા નારિયેળ પર પ્રતિબંધ મુક્યો અને તેનો અમલ પણ શરૂ થઇ ગયો હતો. તો માતાના ભક્તોએ પગથિયા પર જ શ્રીફળ વધેરીને વચલો રસ્તો શોધી કાઢ્યો હતો.
શ્રી મહાકાળી મંદિર ટ્રસ્ટે નારિયેળને છોલવા માટે મશીનો પણ મુક્યા હતા, પરંતુ ભક્તોને મશીનમાં કોઇ રસ દેખાતો નહોતો.મશીન તો શોભાના ગાંઠીયા બનીને રહી ગયું હતું અને ભક્તોતો છોલેલું શ્રીફળ જ ખરીદી રહ્યા છે. માતાના ભક્તો જ્યાં જગ્યા મળે ત્યાં શ્રીફળ વધેરી રહ્યા હોવાથી ગંદકીના ઢગ ખડકાયા છે. મંદિરના ટ્રસ્ટે આ જ કારણે છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ મુક્યો હતો કે શ્રીફળના છોડા અને કાચલાના કારણે મંદિરમાં ગંદકી વધારે રહેતી હતી. પાવાગઢમાં આવેલા મહાકાળી માતાના મંદિરમાં સામાન્ય દિવસોમાં પણ સેંકડો ભક્તો દર્શન કરવા માટે આવે છે અને તેમાં પણ નવરાત્રીના પવિત્ર તહેવાર વખતે તો મંદિરમાં પગ મુકવાની પણ જગ્યા હોતી નથી એવા સમયે ટ્રસ્ટ માટે પણ ભક્તો પર અંકુશ મુકવો મુશ્કેલ છે.
પાવાગઢની વાત કરીએ તો વડોદરાથી લગભગ 55 કિ.મી દુર આવેલું છે અને ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ નજીક એક ડુંગર છે. આ ડુંગરની ટોચ પર મહાકાળી માતાનું મંદિર હોવાને કારણે રાજ્યના પવિત્ર યાત્રાધામ પૈકીનું એક તીર્થ સ્થળ બની ગયું છે. પાવાગઢની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહેલા ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે. ચૈત્રી નવરાત્રી અને આસો મહિનાની નવરાત્રીમાં મહાકાળી માતાના મંદિરમાં હકડેઠઠ ભીડ રહે છે. પાવાગઢનો સમાવેશ માતાજીની શક્તિપીઠોમાં થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp