બાબા બર્ફાનીની પહેલી તસ્વીર સામે આવી, 1 જુલાઇથી શરૂ થશે અમરનાથ યાત્રા
જમ્મૂ-કશ્મીરના અનંતનાગ જિલ્લામાં હાજર પવિત્ર અમરનાથ ગુફામાં શિવલિંગે આકાર લઇ લીધો છે. બાબા બર્ફાનીની પહેલી તસ્વીર સામે આવી છે. આ વર્ષે થનારી અમરનાથ યાત્રાની તૈયારી માટે જમ્મૂ-કશ્મીરનું તંત્ર લાગી પડ્યું છે. બાબા બર્ફાનીના દર્શન કરવા માટે 1 જુલાઇ 2023થી યાત્રા શરૂ થશે. આ યાત્રા 62 દિવસ સુધી ચાલશે.અમરનાથ યાત્રા માટે સરકારે શિડ્યુલ પણ જાહેર કરી દીધો છે.
અમરનાથ યાત્રા માટે 17 એપ્રિલ 2023થી ઓફલાઇન અને ઓનલાઇનથી રજિસ્ટ્રેશન પણ શરૂ થઇ ચૂકયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જમ્મૂ-કશ્મીરની સુરક્ષાની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા, જમ્મૂ-કશ્મીરના DGP દિલબાગ સિંહ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સામેલ હતા. Shri Amarnathji Shrine Board (SASB)ની 44મી બેઠક દરમિયાન, સભ્યો અને અધિકારીઓએ શ્રીઅમરનાથ યાત્રા-2023 ના વિવિધ પાસાઓની સમીક્ષા કરી, જેમાં નોંધણી, હેલિકોપ્ટર સેવાઓની જોગવાઈ, સેવા પ્રદાતાઓ, શિબિરો, લંગર અને યાત્રીઓ માટે વીમા કવચનો સમાવેશ થાય છે.
પવિત્ર યાત્રાધામ અને રજીસ્ટ્રેશન માટેની તારીખોની જાહેરાત કરતા લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે વહીવટીતંત્ર સરળ અને મુશ્કેલીમુક્ત તીર્થયાત્રાને સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે અમે તમામ મુલાકાતી ભક્તો અને સેવા પ્રદાતાઓને શ્રેષ્ઠ આરોગ્ય સંભાળ અને અન્ય જરૂરી સુવિધાઓ પ્રદાન કરીશું. તીર્થયાત્રાની શરૂઆત પહેલા ટેલિકોમ સેવાઓ કાર્યરત કરવામાં આવશે. અમરનાથ યાત્રા 1 જુલાઇથી શરૂ થશે અને 31 ઓગસ્ટના દિવસે પુરી થશે, મતલબ કે 62 દિવસ સુધી યાત્રા ચાલું રહેશે. મનોજ સિંહાએ યાત્રા વિશે અધિકારીઓને જરૂરી સુચના આપી દીધી છે.
અમરનાથ યાત્રા પહેલગામ ટ્રેક અને ગાંદરબલ જિલ્લાના બાલતાલથી એક સાથે શરૂ થશે. શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ દુનિયાભરના ભક્તો માટે સવાર- સાંજની આરતીનું લાઇવ પ્રસારણ કરશે.
અમરનાથ યાત્રાનું અંતર ઘણું છે અને અહીં પગપાળા જવાનું ખુબ અઘરું છે. બર્ફવર્ષા પણ મોટા પ્રમાણમાં થતી હોય છે. એટલા માટે અમરનાથ જતા પહેલા તમારે સરકારના કેટલીક શરતો અને નિયમો જાણી લેવા જોઇએ. અમરનાથ મંદિર જમ્મૂ-કશ્મીરમાં આવેલું છે અને અહીં હંમેશા આતંકવાદી હુમલાનું જોખમ રહે છે.
શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડના જણાવ્યા મુજબ, અમરનાથની યાત્રા કરનારની ઉંમર 13થી 70 વર્ષ હોવી જોઇએ. મતલબ કે 13 વર્ષથી ઓછી ઉંમર અને 70થી વધારે ઉંમરના લોકો યાત્રા કરી શકે નહીં. 6 સપ્તાહથી વધારે સમય હોય તેવી ગર્ભવતી મહિલાઓને યાત્રામાં જવાની મંજૂરી નથી.અમરનાથના દર્શન કરવા માટે ઓફલાઇન કે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, રજિસ્ટ્રેશન વગર એન્ટ્રી મળતી નથી.
અમરનાથ મંદિર ખાસ્સું ઉંચાઇ પર હોવાને કારણે તમારું આરોગ્ય બગડી સખે છે. જો તમે સ્વસ્થ હો તો જ યાત્રા પર જજો. યાત્રા પર જતા પહેલા હેલ્થ સર્ટિફેકટ બનાવવું જરૂરી છે. બધા જરૂરી દસ્તાવેજો યાત્રા દરમિયાન તમારે સાથે રાખવા પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp