દુનિયાનો એકમાત્ર એવો પહાડ જ્યાં સ્થાપિત છે 900 કરતા પણ વધુ મંદિરો

PC: trawell.in

ભારતની ગલી-ગલીમાં અદ્ભુત અને દિવ્ય મંદિર સ્થાપિત છે. આ જ કારણ છે કે આપણા દેશને મંદિરોનું ગઢ માનવામાં આવે છે. દરેક મંદિરની પોતાની માન્યતા અને તે મંદિર સાથે સંકળાયેલા ઘણા ગાઢ રહસ્યો હોય છે. આ કડીમાં આજે અમે તમને એક એવા પહાડ વિશે જાણકારી આપી રહ્યા છીએ જ્યાં 900 કરતા પણ વધુ મંદિરો સ્થાપિત છે. અમે જે પહાડની વાત કરી રહ્યા છીએ તે ગુજરાતમાં સ્થિત પાલિતાણા છે જે જૈન ધર્મનું પ્રમુખ તીર્થ સ્થાન છે. પાલિતાણા ભાવનગર જિલ્લાથી 50 કિલોમીટર દૂર દક્ષિણ-પશ્ચિમમાં શત્રુંજય પર્વત પર સ્થિત છે. આ મંદિરની સુંદરતા અને દિવ્યતા કોઈને પણ મોહિત કરી દેનારી માનવામાં આવે છે.

પાલિતાણા તીર્થ સ્થાનનું નિર્માણ સંગમરમર પર સુંદર નકશીકામ દ્વારા કરવામાં આવ્યું છે. શત્રુંજય પર્વત પર રહેલું આ સ્થાન જૈન સમુદાયની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે જ્યાં 900 કરતા પણ વધુ જૈન મંદિર આવેલા છે જેમાં પર્વતની ટોચ પર જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથ (ઋષભદેવ)નું પ્રમુખ મંદિર સ્થાપિત છે.

જૈન ધર્મમાં પાલિતાણાના મંદિરને સૌથી વધુ પવિત્ર અને દિવ્ય ચમત્કારી માનવામાં આવ્યા છે. આ સ્થાન સાથે સંકળાયેલી કથા અનુસાર, પહાડો પર સ્થિત આ મંદિરોનું નિર્માણ ભગવાનના વિશ્રામ માટે કરાવવામાં આવ્યું હતું અને ત્યારથી તે જૈનોનું તીર્થ સ્થાન બની ગયું.

આ જ કારણે અહીં રાત્રે ભક્તોને જ નહીં પરંતુ, પૂજારીને પણ રોકાવાની પરવાનગી નથી. રાત્રિના સમયે મંદિરોને ખાલી કરાવવામાં આવે છે કારણ કે, માન્યતા અનુસાર જૈન ધર્મના 24 તીર્થંકર અહીં વિશ્રામ માટે રાત્રે આવે છે અને તેમની ઊંઘમાં ખલેલ ના પડે તેના માટે કોઈને પણ અહીં રોકાવાની પરવાનગી નથી હોતી.

દિવસમાં પુનઃ તમામ 900 મંદિરોના દ્વાર ખોલી દેવામાં આવે છે અને ભક્તોને દર્શન કરવાની અનુમતિ હોય છે. જૈન સમુદાયમાં આ સ્થાનને લઇને એવી માન્યતા છે કે, આ પર્વત પર રહેલા તમામ મંદિર દિવ્ય ફલપ્રદાયક છે. અહીં તીર્થંકર સ્વયં ભક્તોની વિપદાને દૂર કરી દે છે.

જૈન ધર્મના આ પવિત્ર તીર્થ સ્થળનું મહત્ત્વ સદીઓથી ચાલી આવ્યું છે. શત્રુંજય પર્વત સ્થિત આદેશ્વર મંદિર સુધી પહોંચવા માટે શ્રદ્ધાળુઓએ 3950 દાદરો ચઢવા પડે છે. આ સમગ્ર મંદિર કોમ્પ્લેક્સ 3.5 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. માનવામાં આવે છે કે, આ મંદિરમાંથી સૌથી જૂનું મંદિર 11મી અથવા 12મી સદીમાં બનાવવામાં આવ્યું હતું અને તેને બે ફેઝમાં બનાવવામાં આવ્યું હતું. પહેલામાં માત્ર મંદિરોનો ઢાંચો તૈયાર કરવામાં આવ્યો હતો અને બીજામાં તેની સાજ સજ્જા કરવામાં આવી હતી. 16મી સદીમાં બીજો ફેઝ શરૂ થયો હતો. શરૂઆતી દોરમાં ઘણા મુસ્લિમ શાસકોએ આ મંદિર તોડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ, એ સંભવ ના થઈ શક્યું. આ સુંદર મંદિર આજે પણ માત્ર જૈનોનું તીર્થ સ્થાન છે, પરંતુ ઘણા લોકો માટે તે ટૂરિસ્ટ પ્લેસ બની ચુક્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp