- Astro and Religion
- જૈન સાધુ ભગવંતો સહિત 22 લોકોએ વાઘા બોર્ડરથી પાકિસ્તાનમાં વિહાર શરૂ કર્યો
જૈન સાધુ ભગવંતો સહિત 22 લોકોએ વાઘા બોર્ડરથી પાકિસ્તાનમાં વિહાર શરૂ કર્યો
આઝાદીના 75 વર્ષ પછી એક જૈન આચાર્ય પગપાળા વિહાર કરતાં કરતાં આજે પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો છે તેઓ કાલે સોમવારે લાહોર પહોંચશે.રવિવારે અટારી વાઘા બોર્ડરથી વલ્લભસુરી સમુદાયના સાધુ ભગવંતો સહિત 22 લોકોએ પાકિસ્તાનમાં વિહાર શરૂ કર્યો હતો.

ગુરુદેવના 25 લોકોનો એક ગ્રુપને ભારત સરકાર અને પાકિસ્તાન સરકારે એક મહિનાના વિઝા આપ્યા છે. જાણવા મળેલી વિગત મુજબ એક મહિનામાં આ જૈનાચાર્યો પાકિસ્તાનમાં અનેક પ્રાચીન જૈન તીર્થોનો સર્વે કરશે અને ત્યાં વસતા જૈન લોકોનો સંપર્ક કરીને તીર્થોનો જીર્ણોદ્રાર પણ કરાવશે. આ વિહારનો આશય એ છે કે જૈન યાત્રિકોની ભારત-પાકિસ્તાન અવર જવર શરૂ થાય જેના કારણે ભારત અને પાકિસ્તાનના લોકોમાં ભાઈચારો વધશે અને પાકિસ્તાનના લોકોને શાંતિ અને અહિંસાનો સંદેશ મળશે.

વલ્લભસુરી મહારાજ સાહેબ એ વડોદરાના જ પનોતા પુત્ર હતા જેમનો જન્મ જાની શેરીમાં થયો હતો 1947માં વલ્લભ સુરી મહારાજ સાહેબ તે વખતના પાકિસ્તાનમાં આવેલ ગુજરાવાલામાં ચાતુર્માસ હતા ત્યારે દેશના તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે આચાર્ય વલ્લભસુરી મહારાજને હિન્દુસ્તાન પરત આવી જવા વિનંતી કરી હતી. ત્યારે વલ્લભસુરી મહારાજે કહ્યું કે મારી સાથે બીજા સાધુ સાધ્વી ભગવંતો તથા જૈન શ્રાવક શ્રાવીકાઓ અને હિન્દુ લોકો છે તેમને હું મૂકીને કેવી રીતે આવી શકું તેથી જો તમે અમને બધાને લઈ જવાની વ્યવસ્થા કરો તો હું અહીંયાથી આવીશ. ત્યારબાદ સરદાર પટેલે આર્મીની વ્યવસ્થા કરી અને ગુરુદેવને હિન્દુસ્તાન પરત લાવ્યા હતા. આમ આઝાદીના 75 વર્ષ કોઈ પણ જૈન સાધુ પાકિસ્તાનમાં વિહાર કરેલ નથી પરંતુ આ આઝાદીના અમૃત મહોત્સવમાં ભારત સરકાર અને પાકિસ્તાન સરકારે રસ દાખવીને સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સૂરીશ્વરજી મહારાજ, મુનિરાજ ઋષભચંદ્ર વિજયજી, ધર્મકીર્તિ વિજયજી, મહાભદ્ર વિજયજી સહિત 22 લોકો આજે અટારી વાઘા બોર્ડરથી વિહાર શરૂ કરી દીધો છે.

આવતીકાલે એટલે કે સોમવારે આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજ લાહોરના સરકારી મ્યુઝિયમ માં જ્યાં આત્મારામજી મહારાજની ચરણ પાદુકાઓ છે તેમના દર્શન કરશે અને ત્યારબાદ ગુજરાતવાલા તરફનો વિહાર શરૂ કરશે અત્રે ઉલ્લેખનીય છે કે આત્મારામજી મહારાજ ની 28મી મેના રોજ 128મી પુણ્યતિથિ છે તે દિવસે ગુરુ મહારાજ આત્મારામજીને સમાધિ મંદિરમાં દર્શન કરી માંગલિક ફરમાવશે.

