સૌથી પવિત્ર નિર્જળા એકાદશી ક્યારે? જાણો પૂજા વિધિ અને તેનું મહત્ત્વ

PC: indiatv.in

આખા વર્ષમાં 24 અગિયારસ આવે છે. તેમા સૌથી મહત્ત્વપૂર્ણ નિર્જળા અગિયારસ માનવામાં આવે છે. તેને ભીમ અગિયારસ પણ કહેવામાં આવે છે. જેઠ સુદ અગિયારસને સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ વખતે નિર્જળા અગિયારસ 31 મે, 2023ને બુધવારે આવશે. આ વ્રતમાં અગિયારસના સૂર્યોદયથી બારસના સૂર્યોદય સુધી પાણી પણ ન પીવાનું વિધાન હોવાના કારણે તેને નિર્જળા અગિયારસ કહેવામાં આવે છે. આ દિવસે નિર્જળા રહીને ભગવાન વિષ્ણુની આરાધના કરવાનો મહિમા છે. આ વ્રતથી દીર્ધાયુ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

હિંદુ પંચાંગ અનુસાર, નિર્જળા અગિયારસ 31 મેના રોજ આવશે. અગિયારસની તારીખની શરૂઆત 30 મેના રોજ બપોરે 1 વાગીને 7 મિનિટ પર થશે અને તેનું સમાપન 31 મેના રોજ બપોરે 1 વાગીને 45 મિનિટ પર થશે. સાથે જ આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. સર્વાર્થ સિદ્ધિ યોગનો સમય સવારે 5 વાગીને 24 મિનિટથી લઇને સવારે 6 વાગ્યા સુધી રહેશે. નિર્જળા અગિયારસના પારણા 1 જૂને કરવામાં આવશે, જેનો સમય સવારે 5 વાગીને 24 મિનિટથી લઇને 8 વાગીને 10 મિનિટ સુધી રહેશે.

નિર્જળા અગિયારના દિવસે સવારે સ્નાન કરીને સૂર્યદેવને અર્ધ્ય આપો. ત્યારબાદ પીળા વસ્ત્રો ધારણ કરો અને ભગવાન વિષ્ણુની પૂજા કરો અને વ્રતનો સંકલ્પ લો. ભગવાન વિષ્ણુને પીળા ફુલ, પંચામૃત અને તુલસીનું પાન અર્પણ કરો. સાથે જ ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીના મંત્રોનો જાપ કરો. વ્રતનો સંકલ્પ લીધા બાદ બીજા દિવસે સૂર્યોદય થવા સુધી પાણીનું એક ટીપું પણ ગ્રહણ ના કરો. તેમા અન્ન અને ફળાહારનો પણ ત્યાગ કરવાનો રહેશે. બીજા દિવસે એટલે કે બારસના દિવસે સ્નાન કરીને પછી જ શ્રીહરીની પૂજા કર્યા બાદ અન્ન-જળ ગ્રહણ કરો અને વ્રતના પારણા કરો.

નિર્જળા અગિયારસનું મહત્ત્વ

આ અગિયારસ વ્રત ધારણ કરી યથાશક્તિ અન્ન, જળ, વસ્ત્ર, આસન, જોડા, છતરી તથા ફળ વગેરેનું દાન કરવું જોઈએ. આ દિવસ જળનો કળશ દાન કરનારા શ્રદ્ધાળુઓને આખા વર્ષની અગિયારસનું ફળ પ્રાપ્ત થાય છે. આ અગિયારસનું વ્રત કરવાથી અન્ય અગિયારસ પર અન્ન ખાવાનો દોષ છૂટી જાય છે તેમજ સંપૂર્ણ અગિયારસોના પૂણ્યનો પણ લાભ મળે છે. શ્રદ્ધાપૂર્વક જે આ પવિત્ર અગિયારસનું વ્રત કરે છે, તેઓ સમસ્ત પાપોમાંથી મુક્ત થઈ જાય છે.

નિર્જળા અગિયારસ પર શું કરવું અને શું ન કરવું?

  • નિર્જળા અગિયારસના દિવસે ચોખા રાંધવા ના જોઈએ.
  • અગિયારસના દિવસે તુલસીના પાન ના તોડવા જોઈએ. જો પાન ખૂબ જ આવશ્યક હોય તો તમે એક દિવસ પહેલા જ પાન તોડીને મુકી શકો છો.
  • આ ઉપરાંત, નિર્જળા અગિયારસના દિવસે શારીરિક સંબંધ બનાવવાથી બચવુ જોઈએ.
  • આ દિવસે ઘરમાં કાંદા, લસણ, માંસ, મદિરાનું સેવન ના કરો.
  • સાથે જ કોઈની સાથે લડાઈ ના કરો, કોઇના વિશે ખરાબ ન વિચારો, કોઇનું અહિત ના કરો અને ક્રોધ પણ ના કરો.

નિર્જળા અગિયારની કથા

મહાભારત કાળના સમયે એકવાર પાંડુ પુત્ર ભીમે મહર્ષિ વેદ વ્યાસજીને પૂછ્યું, હે પરમ આદરણીય મુનિવર, મારા પરિવારના તમામ લોકો અગિયારસનું વ્રત કરે છે તેઓ મને પણ વ્રત કરવા માટે કહે છે. પરંતુ, હું ભૂખ્યો નથી રહી શકતો. આથી, કૃપા કરીને મને જણાવો કે ઉપવાસ કર્યા વિના અગિયારસનું ફળ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય. ભીમના અનુરોધ પર વેદ વ્યાસજીએ કહ્યું- પુત્ર તું નિર્જળા અગિયારસનું વ્રત કર. આ દિવસે અન્ન અને જળ બંનેનો ત્યાગ કરવો પડે છે. જે પણ મનુષ્ય અગિયારસના દિવસે સૂર્યોદયથી બારસના સૂર્યેદય સુધી પાણી પીધા વિના રહે છે અને સાચી શ્રદ્ધાથી નિર્જળા વ્રતનું પાલન કરે છે. તેને આખા વર્ષમાં જેટલી અગિયારસ આવે છે, તે તમામ અગિયારસનું ફળ આ એક અગિયારસનું વ્રત કરવાથી મળી જાય છે. મહર્ષિ વેદ વ્યાસના વચન સાંભળીને ભીમ નિર્જળા અગિયારસ વ્રતનું પાલન કરવા માંડ્યો અને પાપ મુક્ત થઈ ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp