મુંબઈમાં ભગવાન ગણેશની મૂર્તિને 69 કિલો સોના, 336 કિલો ચાંદીથી શણગારવામાં આવી
આજે ગણેશ ચતુર્થીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ તહેવાર દેશભરમાં ખાસ કરીને મુંબઈમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. મુંબઈમાં વિવિધ સ્થળોએ ગણેશ પંડાલ બનાવવામાં આવ્યા છે અને ચારેબાજુ ગણેશ પૂજા કરવામાં આવી રહી છે. આવા જ એક પંડાલમાં ભગવાન ગણેશને 69 કિલો સોના અને 336 કિલો ચાંદીથી શણગારવામાં આવ્યા છે.
મુંબઈના વડાલાના GSB ગણેશ મંડળે એક વીમા કંપની પાસેથી રૂ. 360.40 કરોડનો વીમો કરાવ્યો છે. મંડળના ઉપાધ્યક્ષ રાઘવેન્દ્ર ભટે જણાવ્યું હતું કે, મહાગણપતિની મૂર્તિને 66 કિલોથી વધુ સોનાના ઘરેણા અને 336 કિલો ચાંદી અને અન્ય કિંમતી સામગ્રીઓથી શણગારવામાં આવી છે. તેથી જ મંડળે ઘરેણાં અને ગણેશ ભક્તોની સુરક્ષા માટે 360.40 કરોડ રૂપિયાનો વીમો ઉતરાવી લીધો છે. આ વીમાની રકમમાં 38.47 કરોડ રૂપિયાના સોના, ચાંદી અને અન્ય ઝવેરાતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પંડાલ, દર્શન માટે આવતા ભક્તો, સ્વયંસેવકો, પૂજારી, રસોઈયા, સ્ટોલ કર્મચારીઓ, સુરક્ષા ગાર્ડ વગેરે મળીને 321 કરોડ રૂપિયાનો વીમો સામેલ છે.
મૂર્તિઓને ગણેશ ભક્તો દ્વારા ચઢાવવામાં આવતા આભૂષણોથી શણગારવામાં આવે છે અને અહીં પાંચ દિવસ સુધી સતત ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. આથી મોટી સંખ્યામાં ગણેશ ભક્તોનું આવવાનું થતું હોય છે. સુરક્ષાના દૃષ્ટિકોણથી ગણેશ મંડળ દ્વારા દર વર્ષે ઘરેણાં અને સેવામાં રોકાયેલા લોકોની સુરક્ષા માટે વીમો કરાવવામાં આવે છે. ગયા વર્ષે GSB સેવા મંડળે 316.40 કરોડ રૂપિયાની વિક્રમી રકમનો વીમો લીધો હતો. આ વર્ષે તેમાં 44 કરોડનો વધારો થયો છે.
મંડળના પ્રવક્તાએ જણાવ્યું હતું કે GSB સેવા મંડળ માટે જાહેર ગણેશ ઉત્સવનું આ 69મું વર્ષ છે. શહેરમાં આ એકમાત્ર ગણેશ મંડળ છે, જ્યાં ચોવીસ કલાક ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. પાંચ દિવસ સુધી દર્શન માટે ખુબ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડતી હોય છે, તેમની સુરક્ષા અને દેખરેખ માટે પંડાલમાં હાઇ ડેન્સિટી કેમેરા લગાવવામાં આવ્યા છે. અહીં દરરોજ 50 હજાર ભક્તો માટે ભોજન અને પ્રસાદની વ્યવસ્થા છે. અહીં ભક્તો દ્વારા ભગવાન મહાગણપતિને સરેરાશ 60 હજાર પૂજા અને સેવાઓ અર્પણ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp