26th January selfie contest

ફારુક અબ્દુલ્લા કહે- બજેટમાં દરેકને કંઈક આપવામાં આવ્યું, શશિ થરૂરે ઉઠાવ્યા સવાલ

PC: ibc24.in

નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે વર્ષ 2023-24 માટે દેશનું બજેટ રજૂ કર્યું. PM મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. નાણામંત્રીએ બજેટમાં ટેક્સમાં કાપ સહિત અનેક મોટી જાહેરાતો કરી હતી. હવે 7 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. એટલું જ નહીં, નિર્મલા સીતારમણે મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને મોટી ભેટ આપી.

બજેટને લઈને તમામ વર્ગોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા છે જ્યારે BJPના નેતાઓએ તેની પ્રશંસા કરી છે.

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે, બજેટમાં કેટલીક સારી બાબતો હતી, હું તેને સંપૂર્ણપણે નકારાત્મક નહીં કહીશ, પરંતુ હજુ પણ ઘણા પ્રશ્નો ઉભા થાય છે. બજેટમાં મનરેગાનો કોઈ ઉલ્લેખ નહોતો. મજૂરો માટે સરકાર શું કરવા જઈ રહી છે? બેરોજગારી, મોંઘવારી વિશે પણ વાત કરવામાં આવી ન હતી.

બજેટ પર જમ્મુ અને કાશ્મીરના પૂર્વ CM ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે મધ્યમ વર્ગને મદદ આપવામાં આવી છે, દરેકને કંઈક ને કંઈક આપવામાં આવ્યું છે.

 

કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે બજેટમાં ટેક્સ કાપને આવકાર્યો છે. તેમણે કહ્યું કે ટેક્સમાં કોઈપણ પ્રકારનો ઘટાડો આવકાર્ય છે. લોકોના હાથમાં પૈસા મૂકવું એ અર્થતંત્રને વેગ આપવાનો શ્રેષ્ઠ માર્ગ છે. આ સાથે તેમણે કહ્યું કે, બજેટનો મોટો હિસ્સો રાષ્ટ્રપતિના સંબોધન અને આર્થિક સર્વેના રિપોર્ટનું પુનરાવર્તન છે.

સમાજવાદી પાર્ટી (SP)ના અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વીટમાં લખ્યું છે કે, 'BJP તેના બજેટનો દાયકો પૂરો કરી રહી છે, પરંતુ જ્યારે તેણે પહેલા જનતાને કંઈ આપ્યું ન હતું, ત્યારે હવે શું આપશે? BJPનું બજેટ મોંઘવારી અને બેરોજગારીમાં વધુ વધારો કરે છે. ખેડૂતો, મજૂરો, યુવાનો, મહિલાઓ, નોકરિયાત, વ્યવસાયિકો અને વેપારી વર્ગમાં આશા નહીં પરંતુ નિરાશા વધે છે, કારણ કે તે માત્ર થોડા મોટા લોકોને લાભ આપવા માટે બનાવવામાં આવ્યું છે.

BSP સુપ્રીમો માયાવતીએ ટ્વીટ કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, 'આ વર્ષનું બજેટ પણ બહુ અલગ નથી. કોઈ પણ સરકાર ગત વર્ષની ખામીઓ દર્શાવતી નથી અને ફરીથી નવા વચનો આપે છે, જ્યારે વાસ્તવમાં 100 કરોડથી વધુ લોકોના જીવન દાવ પર લાગેલા છે. જેમ પહેલા લાગતાં હતાં. લોકો આશા રાખીને જીવે છે, પણ ખોટી આશા શા માટે?'

બજેટને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા RJD સાંસદ મનોજ ઝાએ કહ્યું કે, 'મેં ઘણી વખત નાણામંત્રીને કહ્યું છે કે જ્યારે પણ બજેટ બનાવવામાં આવે ત્યારે કલમ 39 નો સંદર્ભ લો. આંખ બંધ કરીને બંધારણના વખાણ કરતું બજેટ બનાવશો તો કંઈ પ્રાપ્ત થશે નહીં. તમે રોજગાર માટે ગોળ ગોળ વાત કરી. આ બજેટ ખાસ લોકો દ્વારા ખાસ લોકો માટે તૈયાર કરવામાં આવેલ ખાસ બજેટ છે.

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલે બજેટને અમૃતકાળનો રોડમેપ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, મને લાગે છે કે અમૃતકાળમાં આ અમારો રોડમેપ છે, આપણે આપણી અર્થવ્યવસ્થાને વિશ્વમાં 10માં સ્થાનેથી 5માં સ્થાને લઇ આવ્યા, આનાથી વધુ સારું બીજું કંઈ ન હોઈ શકે.

હરિયાણાના CM મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, અમૃતકાળનું પહેલું બજેટ ખૂબ જ ક્રાંતિકારી છે, તે સમાજના દરેક વર્ગને રાહત આપનાર છે. ખાસ કરીને મધ્યમ વર્ગને આવકવેરામાં રાહત આપવામાં આવી છે, જે ટેક્સ સ્લેબ બનાવવામાં આવ્યો છે તેનાથી રાહત મળવાની છે. આ બજેટમાં યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો તમામને રાહત આપવામાં આવી છે.

 

બજેટની પ્રશંસા કરતા BJPના સાંસદ ગૌતમ ગંભીરે કહ્યું કે, આ બજેટ સામાન્ય માણસ માટે ઘણું સારું છે, આ એક ઐતિહાસિક પગલું છે. આ બજેટથી મધ્યમ વર્ગને ઘણી રાહત મળશે.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, આ બજેટ મધ્યમ વર્ગના હિતમાં છે, આનાથી ભારત ખુશ છે, ભલે વિપક્ષ નારાજ પણ કેમ ન હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp