- Budget 2023
- સૌનો સાથ સૌનો વિકાસ નારો આપનાર મોદી સરકારનું લઘુમતીઓ પરથી ફોકસ હટ્યું બજેટ ઘટ્યુ
સૌનો સાથ સૌનો વિકાસ નારો આપનાર મોદી સરકારનું લઘુમતીઓ પરથી ફોકસ હટ્યું બજેટ ઘટ્યુ
સામાન્ય ચૂંટણી 2024 અગાઉ રજૂ કરવામાં આવેલા ફુલ બજેટમાં નરેન્દ્ર મોદી સરકારે પોતાના જ મહત્ત્વના નારા પર પલટી મારી લીધી છે. વર્ષ 2019માં સત્તામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નારો આપ્યો હતો ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ’ આ નારા દ્વારા માનવામાં આવી રહ્યું હતું કે મોદી સરકાર લઘુમતીઓમાં વિશ્વાસ લાવવા માગે છે અને બધા સમુદાયોને વિકાસની ધારામાં એકસાથે સમાવેશ કરવા માગે છે. તેના માટે સરકારે લઘુમતી મંત્રાલય માટે બજેટીય ફાળવણી પણ વધારી હતી, પરંતુ આ વખતે નાણા મંત્રી નિર્મલા સીતારમણે પોતાના પાંચમા બજેટમાં લઘુમતી મંત્રાલયનું બજેટ ગત વર્ષની તુલનામાં 38 ટકા ઘટાડી દીધું છે.

બુધવારે એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવેલા બજેટમાં વર્ષ 2023-24 માટે નાણા મંત્રી નિર્મલા સીતારમણે લઘુમતી મંત્રાલયના બજેટ ફાળવણી ઘટાડીને 3097.60 કરોડ રૂપિયા કરી દીધી છે. આ અગાઉ નાણાકીય વર્ષ 2022-23માં આ મંત્રાલયને 5020.50 કરોડ રૂપિયાના બજેટની ફાળવણી કરી હતી. જો કે, રિવાઇઝ્ડ એસ્ટીમેટ્સ મુજબ, મંત્રાલય દ્વારા હાલના નાણાકીય વર્ષમાં 2612.66 કરોડ રૂપિયા જ ખર્ચ કરી શકાશે.
વર્ષ 2006માં બનેલા લઘુમતી મંત્રાલયને વર્ષ 2021-22માં કુલ 4346.45 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, જે વર્ષ 2020-21ની તુલનામાં 674.05 કરોડ રૂપિયા વધારે હતા. નાણાકીય વર્ષ 2021-22માં લઘુમતી મંત્રાલયે કુલ 4323.63 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા એટલે કે વર્ષ 2021-22ના નાણાકીય વર્ષમાં જેટલી રકમ ખર્ચ કરવામાં આવી હતી, તેનાથી 29 ટકા ઓછી રકમ વર્ષ 2023-24ના નાણાકીય વર્ષ માટે ફાળવવામાં આવી છે.

સ્થાપના વર્ષ એટલે કે વર્ષ 2006 થી વર્ષ 2013 સુધી લઘુમતી મંત્રાલયનું બજેટ 144 કરોડ રૂપિયાની શરૂઆત સાથે વધતું ગયું જે વર્ષ 2013માં 3531 કરોડ રૂપિયા પર પહોંચ્યું હતું. મોદી સરકારના કાર્યકાળમાં પણ તેમાં વધારો થયો, પરંતુ હવે એ ઘટીને UPA સરકારના અંતિમ બજેટથી ઓછા પર આવી ચૂક્યું છે. આ કારણે ઓલ ઇન્ડિયા મજલિસ-એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ચીફ અસદુદ્દીન ઓવૈસીએ બુધવારે પ્રતિક્રિયા આપતા કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, મોદી સરકારે લઘુમતી કાર્યાલયનું બજેટ 40 ટકા ઘટાડી દીધું. કદાચ મોદીના હિસાબે ગરીબ લઘુમતી બાળકોને સરકારના પ્રયાસની જરૂરિયાત નથી. સૌનો વિકાસ.. જેવા નારા પૂરતા છે.

