5000 કરોડ રૂપિયા રીલિઝ, સહારાના 10 કરોડ રોકાણકારોને મળશે તેમના પૈસા પાછા
સહારા ગ્રુપની 4 ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની સ્કીમમાં રોકાણ કરનારા કરોડો રોકાણકારો માટે સારા સમાચાર છે. આ રોકાણકારોને તેમના ફસાયેલા નાણાં 9 મહિનામાં પાછા મળી જશે. સુપ્રીમ કોર્ટે બુધવારે રૂ. 5000 કરોડ જાહેર કર્યા છે. હવે આ નાણાં સહારા ગ્રુપની 4 સહકારી મંડળીઓના 10 કરોડ રોકાણકારોને પરત કરવામાં આવશે. પૈસા પરત કરવાનું કામ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ R. સુભાષ રેડ્ડીની દેખરેખ હેઠળ થશે. નિવૃત્ત જસ્ટિસ રેડ્ડી સેન્ટ્રલ રજિસ્ટ્રાર કોઓપરેટિવ સોસાયટીઝ સાથે પરામર્શ કરીને નાણાં પરત કરવાની પદ્ધતિ નક્કી કરશે.
સહારા ગ્રુપની ચાર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીઓની સ્કીમમાં કરોડો રોકાણકારોએ નાણાં રોક્યા હતા. આ ચાર મંડળીઓ સહારા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ, સહારાયન યુનિવર્સલ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડ, હમારા ઇન્ડિયા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ અને સ્ટાર્સ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ છે. સહારા જૂથની આ મંડળીઓ માર્ચ 2010 થી જાન્યુઆરી 2014 વચ્ચે મલ્ટી-સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી એક્ટ 2002 હેઠળ નોંધાયેલી હતી. બાદમાં, આ સોસાયટીઓમાં થાપણદારોએ મોટી સંખ્યામાં થાપણો પરત ન કર્યાની ફરિયાદ કરી હતી.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ M.R. શાહ અને C.T. રવિકુમારની બેન્ચે પોતાના આદેશમાં રોકાણકારોને 9 મહિનાની અંદર નાણાં પરત કરવા જણાવ્યું છે. સેબી-સહારા ખાતામાંથી 5,000 કરોડ સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઑફ કોઓપરેટિવ સોસાયટીઝને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ રજિસ્ટ્રાર સહારાની સહકારી મંડળીઓના રોકાણકારોને નાણાં પરત કરશે. નાણાંની વહેંચણીનું કામ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ R. સુભાષ રેડ્ડીની નજર અને દેખરેખ હેઠળ થશે. એડવોકેટ ગૌરવ અગ્રવાલ પણ આ કામમાં મદદ કરશે, તેઓ આ મામલે અમીકસ ક્યુરી છે. કોર્ટે ભૂતપૂર્વ ન્યાયાધીશને તેમની સેવાઓ માટે દર મહિને 15 લાખ રૂપિયા અને એમિકસ ક્યૂરીને 5 લાખ રૂપિયાનું માનદ વેતન નક્કી કર્યું છે.
સેબી-સહારા રિફંડ એકાઉન્ટ ઓગસ્ટ 2012માં અસ્તિત્વમાં આવ્યું, જ્યારે સુપ્રીમ કોર્ટે સહારા ગ્રૂપની બે કંપનીઓ- સહારા ઈન્ડિયા રિયલ એસ્ટેટ કોર્પોરેશન લિમિટેડ (SIRECL) અને સહારા હાઉસિંગ ઈન્ડિયા કોર્પોરેશન લિમિટેડ (SHICL)ને રિલીઝ કરેલા વૈકલ્પિક રીતે સંપૂર્ણપણે કન્વર્ટિબલ બોન્ડ્સ (OFCB)માં રોકાણકારોના નાણાં પરત કરવા કહ્યું. ઓર્ડર બાદ સહારાએ આ ખાતામાં રૂ. 15,000 કરોડથી વધુ જમા કરાવ્યા, વ્યાજ સાથે આ રકમ હવે વધીને રૂ. 24,000 કરોડ થઈ ગઈ છે.
રિફંડ પ્રક્રિયાની દેખરેખ માટે કોર્ટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ B.N. અગ્રવાલની નિમણૂક કરી હતી. ડિસેમ્બર 2022 સુધી, 138 કરોડ રૂપિયાની રકમ પરત કરવામાં આવી છે અને 23,937 કરોડ રૂપિયા હજુ પણ ખાતામાં બાકી છે. કેન્દ્ર સરકારની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સેન્ટ્રલ રજિસ્ટ્રાર કોઓપરેટિવ સોસાયટીએ જૂન 2022 સુધી 1.21 લાખ દાવાઓ મોકલ્યા છે. આ દાવા સહારા ગ્રુપની 4 કંપનીઓ માટે છે અને આ દાવાઓની કુલ કિંમત 375 કરોડ રૂપિયા હશે. જ્યારે, સહારા જૂથે દાવો કર્યો છે કે તેણે 4500 થી વધુ લોકોને ચૂકવણી કરી છે અને હવે 1.17 લાખ ક્લેમ ચૂકવવાના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp