વસંત ગજેરાની કંપનીને 600 કરોડનો દંડ, GIDCએ નોટિસ પાઠવી, જાણો શું છે મામલો
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ લિમિટેડ(GIDC)એ સચીન GIDCમાં આવેલી લક્ષ્મી ઇન્ફ્રા ડેવલપર્સ જે જાણીતા ડાયમંડ અને રીઅલ એસ્ટેટ ઉદ્યોગકાર વસંત ગજેરાની માલિકીની છે તેને 600 કરોડથી વધારે રકમનો દંડ ફટકારતા ઉદ્યોગ જગતમાં ચકચાર મચી જવા પામી છે. લક્ષ્મી ઇન્ફ્રાએ નિયમોનું પાલન નહીં કરવાને કારણે આ નોટીસ આપવામાં આવી છે. જો કે વસંત ગજેરાએ કહ્યું હતું અમારે કોઇ રૂપિયા ભરવાના થતા નથી, નોટીસ મળી છે જેનો જવાબ આપીશું.
ગુજરાતના સચીન GIDCમાં લક્ષ્મી ઇન્ફ્રા ડેવલપર્સ દ્રારા ટેક્સટાઇલ પાર્ક બનાવવા માટે સરકારે જમીનની ફાળવણી કરી હતી, પરંતુ GIDCના નિયમોનો ભંગ કરવાને કારણે જમીનની ટોટલ વેલ્યૂએશનના 2 ટકા અને અન્ય ચાર્જ સહિત 600 કરોડથી વધારે રકમનો દંડ ફટકારવા માટે નોટિસ પાઠવવામાં આવી છે.
GIDCએ પાઠવેલી નોટિસમાં જણાવ્યું છે કે, સચિન GIDCમાં 2000માં અભિષેક એસ્ટેટને જગ્યા ફાળવવામાં આવી હતી અને કબ્જો પણ આપી દેવામાં આવ્યો હતો. એ પછી અભિષેક એસ્ટેટે આ જમીન 2008માં લક્ષ્મી ઇન્ફ્રા ડેવલપર્સને વેચી દીધી હતી. અભિષેક એસ્ટેટની જે જમીન હતી તેમાં ડિસેમ્બર 2009માં લક્ષ્મી ઇન્ફ્રાને વધારો કરીને કુલ 6, 29, 287. ચો.મી. જમીન ફાળવવામાં આવી હતી. એ પછી નિયમો પ્રમાણે મંજૂરીની પ્રક્રિયા પુરી કરવામાં આવતી હોય છે. જે નિયમો લક્ષ્મી ઇન્ફ્રાએ પાળ્યા નથ, એના માટે અનેક વખત નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેમણે નોટિસનો કોઇ જવાબ આપ્યો નહોતો.
GIDC, રિજીયોનલ ચેરમેન ડી.એમ. પરમારે Khabarchhe.Com સાથેની ટેલિફોનિક વાતમાં કહ્યુ હતું કે અમે લક્ષ્મી ઇન્ફ્રા ડેવલપર્સને નોટિસ પાઠવી છે, GIDCના નિયમોનું તેમણે પાલન કર્યું નહોતું એટલે નિયમ મુજબ 2 ટકા અને અન્ય ખર્ચની ગણતરી સાથે 600 કરોડથી વધારે રકમ વસુલવાની છે.
અમે સચીન GIDC એસોસિયેશનના પ્રમુખ નિલેશ લિંમ્બાચિયા સાથે વાત કરી હતી, તેમણે કહ્યું કે હજુ સુધી આ નોટિસનો મેં અભ્યાસ કર્યો નથી, એટલે એ વિશે કઇં પણ બોલવું યોગ્ય નથી.
Khabarchhe.Comએ લક્ષ્મી ઇન્ફ્રાના વસંત ગજેરા સાથે પણ વાત કરી હતી. તેમણે કહ્યુ કે, અમારે કોઇ રૂપિયા ભરવાના થતા નથી, મને એ વાતની કોઇ ચિંતા નથી, છતા નોટિસ મળી છે તો અમે જવાબ આપીશું.
વસંત ગજેરા આ દંડની રકમ નહીં ભરે તો GIDC શું પગલાં લેશે? એવો અમે અધિકારીને સવાલ પુછ્યો હતો તો તેમણે કહ્યું કે, ફરી નોટિસ આપીશું અને અમારા GIDCના જે નિયમો છે તે મુજબ કાર્યવાહી કરીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp