NDTVમાં સૌથી વધારે હિસ્સેદારી અદાણી ગ્રુપની થઈ, 602 કરોડમાં ડીલ, પેમેન્ટ રોકડમાં

PC: Inventiva.co.in

NDTVના સ્થાપકો પ્રણય રોય અને રાધિકા રોયે ગયા અઠવાડિયે એક નિવેદન જારી કર્યું હતું કે તેઓ કંપનીના મોટાભાગના શેર અદાણીને વેચી રહ્યાં છે. આ નિવેદન પછી હવે, શુક્રવારે,30 ડિસેમ્બર 2022એ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે કહ્યું છે કે તેમમે NDTVના શેર સાથે સંબંધિત લેવડ-દેવડ પુરી કરી છે.

BSE અને NSE હેઠળ પૂર્ણ થયેલી આ ડીલ અથવા ફાઇલિંગ અંગે, અદાણી ગ્રૂપે જણાવ્યું છે કે તેઓએ પ્રણય રોય અને રાધિકા રોય પાસેથી NDTVનો 27.26 ટકા ઇક્વિટી હિસ્સો હસ્તગત કર્યો છે. આ પછી,  હવે  અદાણી ગ્રુપ NDTV ગ્રુપના સૌથી મોટા શેરહોલ્ડર બની ગયા છે.

અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે એક નિવેદનમાં કહ્યું છે કે, અદાણી એન્ટરપ્રાઇઝિસની પરોક્ષ પેટાકંપની અને NDTVના પ્રમોટર/પ્રમોટર જૂથના સભ્ય RRPRએ પ્રણય રોય અને રાધિકા રોય પાસેથી NDTVમાં 27.26 ટકા ઇક્વિટી હિસ્સો હસ્તગત કર્યો છે.

સ્ટોક એક્સચેન્જો સાથે કરવામાં આવેલી ફાઇલિંગ મુજબ, RRPR હવે NDTVમાં 56.45 ટકા હિસ્સો ધરાવશે. હકીકતમાં, RRPR પાસે NDTVમાં પહેલેથી જ 29.18 ટકા હિસ્સો છે. અદાણી ગ્રૂપે એ પણ માહિતી આપી છે કે વિશ્વપ્રધાન કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ, જે અદાણી જૂથની પરોક્ષ પેટાકંપની છે તેનો NDTVમાં 8.27 હિસ્સો  છે. આથી, અદાણી ગ્રુપ હવે NDTVમાં 64.72ટકા હિસ્સો ધરાવે છે.

અદાણી એન્ટરપ્રાઇઝના એક નિવેદનમાં જણાવાયું છે કે કંપનીએ NDTVના સ્થાપકો પ્રણય અને રાધિકા રોય પાસેથી 342.65 રૂપિયા પ્રતિ શેરના ભાવે 27.26 ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો. આનો અર્થ એ થયો કે કંપનીએ તેમને શેર માટે 600 કરોડ રૂપિયાથી વધુ ચૂકવ્યા હતા. ગયા અઠવાડિયે NDTV દ્વારા ફાઇલિંગ અનુસાર, પ્રણય રોયે 86,65,209 ઇક્વિટી શેર અને રાધિકા રોયે 89,12,467 શેર અદાણી જૂથને ટ્રાન્સફર કર્યા હતા. એટલે કે બંને પ્રમોટર્સે કુલ 1,75,77,676 ઇક્વિટી શેર ટ્રાન્સફર કર્યા છે. મતલબ કે 342.65 શેર દીઠ ગણતરી કરીએ તો 602, 29, 90, 681 રકમ થાય છે. અદાણી ગ્રુપે નિવેદનમાં કહ્યું છે કે તેમણે પ્રણય ને રાધિકા રોયને રોકડમાં પેમેન્ટની ચૂકવણી કરી છે.

અદાણી ગ્રૂપે પ્રણય અને રાધિકા રોયને ઓપન ઓફરમાં ચૂકવેલી કિંમત પર પ્રીમિયમ ચૂકવ્યું છે. અદાણી ગ્રુપે ઓપન ઓફરમાં NDTVના લગભગ 53.27 લાખ શેર ખરીદવા માટે પ્રતિ શેર 294 રૂપિયા ચૂકવ્યા હતા. આનો અર્થ એ થયો કે પ્રણય અને રાધિકા રોયને લગભગ 17ટકા વધુ ચૂકવણી કરવામાં આવી હતી.

અદાણી ગ્રૂપ દ્વારા NDTVનું સંપાદન આ વર્ષે ઓગસ્ટમાં AMG મીડિયા નેટવર્ક્સ દ્વારા  વિશ્વપ્રધાન કોમર્શિયલ પ્રાઈવેટ લિમિટેડ (VCPL)ના અધિગ્રહણ સાથે શરૂ થયું હતું, જે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. વિશ્વપ્રધાને RRPRમાં 99.9 ટકાના હિસ્સામાં રૂપાંતરિત કરવાના અધિકાર સાથે વ્યાજમુક્ત લોનના બદલામાં RRPR ના વોરંટ રાખ્યા હતા

પ્રણય રોય અને રાધિકા રોય 23 ડિસેમ્બરે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે તેમણે NDTVના મોટા ભાગના શેર વેચવાનો નિર્ણય કર્યો છે. એ નિવેદનમાં તેમણે 5 ટકા શેર વેચવાની વાત કરી હતી. મતલબ કે પ્રણય અને રાધિકા રોય પાસે સંયુક્ત રીતે હજુ 5 ટકા હિસ્સો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp