દેવાનું પ્રેશર દૂર કરવા ગૌતમ અદાણી આ કંપનીની પોતાની હિસ્સેદારી વેચી શકે છે

PC: opindia.com

અદાણી ગ્રુપ પોતાના રોકાણકારોનો ભરોસો જાળવી રાખવાનો તમામ પ્રયાસ કરી રહી છે. અદાણી ગ્રુપ પોતાનું દેવું ચુકતે કરવા માટે પોતાની કંપની અંબુજા સિમેન્ટમાં પોતાની હિસ્સેદારી વેચવાનું વિચારી રહી હોવાનું જાણવા મળ્યું છે. આના માટે કંપનીએ ઇન્ટરનેશનલ લેન્ડર્સ સાથે વાતચીત કરી રહી છે.

હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ પછી ગૌતમ અદાણીની ગ્રુપ કંપનીઓ પર દેવાની ચૂકવણીનું પ્રેસર છે અને સાથે રોકાણકારોનો વિશ્વાસ જળવાઇ રહે તે પણ જરૂરી છે. ગૌતમ અદાણી છેલ્લાં દોઢ મહિનાથી રોકાણકારોનો વિશ્વાસ જળવાઇ રહે તેના માટે તમામ પ્રયાસો હાથ ધરી રહી છે. દેવું ઓછું કરવા માટે ગૌતમ અદાણી અબુંજા સિમેન્ટમાં 4થી 5 ટકાની હિસ્સેદારી વેચી શકે છે. હિસ્સેદારીની વેલ્યુ 3680 કરોડ રૂપિયા (450 મિલિયન ડોલર) બતાવવામાં આવી રહી છે.

મીડિયા રિપોર્ટસમાં જણાવ્યા મુજબ, અદાણી ગ્રુપે અંબુજા સિમેન્ટમાં 4થી 5 ટકાની હિસ્સેદારી વેચવા માટે ઇન્ટરનેશનલ લેણદારોને અનુરોધ કર્યો છે. જો કે, અદાણી ગ્રુપ તરફથી હજુ સત્તાવાર કોઇ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. અંબુજા સિમેન્ટમાં અદાણી ગ્રુપની હિસ્સેદારી 63 ટકા છે. અદાણી ગ્રુપે હજુ ગયા વર્ષે જ અંબુજા સિમેન્ટને ખરીદવા માટે 10.5 અરબ ડોલરની ડીલ કરી હતી.

જો આ ડીલ ફાઇનલ થશે તો, સંકટમાંથી પસાર થઇ રહેલા અદાણી ગ્રુપની આ પહેલી સંપત્તિનું વેચાણ થશે. અદાણી ગ્રુપ લગાતાર પોતાનું દેવું ઘટાડવાની કોશિશમાં છે. આ સપ્તાહની શરૂઆતમાં બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે અદાણી ગ્રુપે 9 માર્ચે 500 મિલિયન ડોલરની બ્રિજ લોન ચૂકવી દીધી છે. રિપોર્ટસમાં જણાવ્યા મુજબ અદાણી ગ્રુપે  ACC અને અંબુજા સિમેન્ટને ખરીદવા માટે ધિરાણ લીધું હતું.

શુક્રવારે અંબુજા સિમેન્ટના શેરનો ભાવ 1.74 ટકા ઘટીને 378 પર બંધ રહ્યો હતો. આ શેરનો 52 સપ્તાહનો સૌથી ઉંચો ભાવ 598 રૂપિયા અને 52 સપ્તાહનો સૌથી નીચો ભાવ 288.50 રૂપિયા છે. હિંડનબર્ગના રિપોર્ટ પછી અદાણી ગ્રુપના બીજા શેર્સની જેમ અંબુજા સિમેન્ટનો ભાવ પણ તુટ્યો હતો, પરંતુ આ શેરનો ભાવ રિકવર થઇ ગયો હતો.

હિંડનબર્ગે 24 જાન્યુઆરી 2023ના દિવસે અદાણી ગ્રુપની વિરુદ્ધમાં એક રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં કંપની પર સ્ટોક મેન્યુપ્લેશન સહિતના અનેક આરોપો લગાવવામાં આવ્યા હતા. 24 જાન્યુઆરી પછી લાંબા દિવસો સુધી અદાણી ગ્રુપ કંપનીઓના શેર્સમાં ભારે અફડાતફડી રહી હતી. અદાણી ગ્રુપના માર્કેટ કેપિટલાઇઝેશનમાં લગભગ 70 ટકાનું ગાબડું પડી ગયું હતું.જો કે અદાણી ગ્રુપ માટે અમેરિકાના NRI ઇન્વેસ્ટર રાજીવ જૈન સંજીવની સાબિત થયા હતા. તેમણે આવા કપરાં સમયમાં અદાણીમાં 15,446 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. એ પછી અદાણી ગ્રુપના શેર્સમાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp