અદાણી ગ્રુપે રોકાણકારોને ભરોસો આપ્યો,અમારી પાસે દેવું ચુકવવા પુરતા પૈસા છે
અદાણી ગ્રુપનો એશિયો રોડ શો 27 ફેબ્રુઆરીથી શરૂ થઇ ચૂક્યો છે. BQ PRIMEના એક અહેવાલ મુજબ આ રોડશો ગઇકાલે એટલે કે સોમવારથી સિંગાપોરમાં આયોજિત થયો હતો. આ દરમિયાન અદાણી ગ્રુપના અધિકારીઓએ રોડ શોમાં ભાગ લેનારા રોકાણકારોને ખાતરી આપી છે. એશિયા રોડ શોના પ્રથમ દિવસે ત્યાં હાજર રહેલા લોકોના મતે, અદાણી ગ્રુપના એક્ઝિક્યુટિવ્સે આગામી વર્ષોમાં તેમની જવાબદારીઓ અને કંપનીની ક્ષમતાઓ પર સંપૂર્ણ ભાર મૂક્યો છે.
સિંગોપોરમાં આયોજિત રોડશોમાં અદાણી ગ્રુપના અધિકારીઓએ રોકાણકારોને કહ્યું કે આગામી 3 વર્ષમાં જેવું દેવું કંપનીએ ચુકવવાનું છે તેના માટે કંપની પાસે પુરતા પૈસા છે. એટલું જ નહીં, પરંતુ અદાણી ગ્રુપની પાસે 800 મિલિયન ડોલરની ક્રેડીટ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે.
બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અદાણી ગ્રુપના એશિયા રોડ શોને શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. જો કે આ ઇવેન્ટ અદાણી ગ્રુપની ખાનગી ઇવેન્ટ હતી. આ બેઠકમાં સામેલ લોકોએ નામ નહીં છાપવાની શરતે આ જાણકારી બ્લૂમબર્ગને આપી હતી. બ્લૂમબર્ગે આ વિશે અદાણી ગ્રુપનો સંપર્ક કર્યો હતો, પરંતુ કંપની તરફથી કોઇ પણ ટિપ્પણી આવી નહોતી.
અદાણી ગ્રુપ માટે 24 જાન્યુઆરી 2023 સુધી બધું સારું ચાલતું હતું, શેરોના ભાવો પણ ઉપર હતા, ગૌતમ અદાણીની નેટવર્થ પણ રોકેટ ગતિએ વધતી જતી હતી અને દુનિયાના સૌથી ધનિકોની યાદીમાં ત્રીજા નંબર પર બિરાજમાન પણ હતા. પરંતુ 24 જાન્યુઆરી 2023ના દિવસે અમેરિકાની શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગ રિસર્ચએ 106 પાનાનો અદાણી વિરુદ્ધનો એક રિપોર્ટ બહાર પાડ્યો અને ત્યારથી ગૌતમ અદાણી અને અદાણી ગ્રુપની પડતીના દિવસો શરૂ થઇ ગયા. આજે એક મહિનો અને 4 દિવસ થઇ ગયા છે એમાં અદાણીએ મોટું નુકશાન ઉઠાવવાનો વારો આવ્યો છે. હિંડનબર્ગે રિપોર્ટમાં કહ્યું હતું કે, અદાણી ગ્રુપના શેરોનું વેલ્યુએશન 85 ટકા જેટલું વધારે છે. કંપની શેરોના ભાવો ખોટી રીતે ઉછાળી રહી છે. હિંડનબર્ગના રિપોર્ટ પછી અદાણી ગ્રુપના શેરોમાં 52 સપ્તાહની ઉંચી સપાટીથી લગભગ 80 ટકા જેટલાં તુટી ગયા છે. અદાણી ગ્રુપની 10 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે અને તેના માર્કેટ કેપમાં પણ મોટું ધોવાણ થયું છે.
અદાણી ગ્રુપ શરૂઆતથી રોકાણકારોનો વિશ્વાસ જળવાઇ રહે તેવા પ્રયાસો કરી રહ્યું છે. હવે એ જોવાનું રહેશે કે એશિયાના રોડશોથી અદાણી ગ્રુપને કેટલું પૂશઅપ મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp