
છેલ્લાં કેટલાંક સમયથી અદાણી ગ્રુપના શેરોમાં મોટા કડાકાને કારણે ગૌતમ અદાણી ઉપરાંત દેશભરના રોકાણકારોનો પરસેવો પડી ગયો હતો. પરંતુ આ સપ્તાહમાં અચાનક એવી બાજી પલટાઇ કે અદાણી ગ્રુપના બધા શેરો રોકેટ ગતિ એ ઉછળી ગયા. અદાણી ગ્રુપ કંપનીઓના શેરોના આ ઉછાળામાં મારા તમારા જેવા નાના રોકાણકારોને તો મામલી જ ફાયદો થયો છે, પરંતુ એક NRI ઇન્વેસ્ટર્સને તો માત્ર બે જ દિવસમાં ચાંદી –ચાંદી થઇ ગઇ છે. આ મહાશયે અદાણીના શેરોમાં રોકાણ કરીને બે જ દિવસમાં 3100 કરોડ રૂપિયાનો નફો કરી લીધો છે. આને કહેવાય નસીબ.
અદાણી ગ્રુપની કંપનીના શેરોમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને તગડો નફો રળીને ચર્ચામાં આવેલા આ NRIનું નામ છે રાજીવ જૈન. રાજીવ જૈને અદાણી ગ્રુપ કંપનીના 4 શેરો, અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પોર્ટ્સ, અદાણી ગ્રીન એનર્જિ અને અદાણી ટ્રાન્સમિશનમાં 15,446 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. માત્ર 2 જ દિવસમાં રાજીવ જૈનને 3102 કરોડ રૂપિયાનો નફો થઇ ગયો છે.
હિંડનબર્ગ રિસર્ચના અહેવાલને પગલે એક મહિનાના લાંબા કડાકા બાદ અદાણીના શેરમાં આ અઠવાડિયે આક્રમક તેજી જોવા મળી છે. આ સપ્તાહની શરૂઆતમાં, 92 બિલિયન ડોલરનું ફંડ GQG પાર્ટનર્સે એમ કહીને રોક્યું હતું કે તેમને અદાણી ગ્રુપમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવનાઓ દેખાઇ રહી છે.
રાજીવ જૈનની માલિકીની GQG પાર્ટનર્સે સંકટોથી ઘેરાયેલા અદાણી ગ્રુપના શેરોમાં 15,446 કરોડ રૂપિયાનો જોખમી દાવ ખેલ્યો હતો. જૈનની કંપનીએ અદાણી ગ્રુપની 4 કંપનીઓની હિસ્સેદારી ખરીદી હતી. આ જોખમે જૈનની કંપનીને માત્ર 2 જ દિવસમાં 20 ટકા જેટલો માતબર નફો કરાવી આપ્યો. 20 ટકા મતલબ 3102 કરોડ રૂપિયાનો નફો.
રાજીવ જૈને ગુરુવારે બ્લોક ડીલમાં અદાણી એન્ટરપ્રાઇઝિસનો શેર 1,410.86 રૂપિયાના ભાવે ખરીદ્યો હતો. એ પછી શેરના ભાવમાં 33 ટકાનો જંગી ઉછાળો આવી ગયો છે. જેમાં તેમને નિફ્ટી સ્ટોક પર 1813 કરોડ રૂપિયાનો ફાયદો થયો. એ જ રીતે રાજીવ જૈને અદાણી પોર્ટસ રૂપિયા 596.20, અદાણી ગ્રીન એનર્જિ રૂપિયા 504.6 અને અદાણી ટ્રાન્સમિશનનો શેર 668.4 રૂપિયામાં ખરીદ્યો હતો.
જો કે રાજીવ જૈનને અદાણીના શેરોમાં તો ફાયદો થયો, પરંતુ તેમની પોતાની કંપનીના શેરનો ભાવ 3 ટકા ગબડી ગયો. GQG પાટર્નસનો શેર ઓસ્ટ્રેલિયાના શેરબજારમાં લિસ્ટેડ છે. આ સોદામાં, અદાણી ગ્રૂપના પ્રમોટર એકમ એસબી અદાણી ફેમિલી ટ્રસ્ટે રોકડ મેળવવા માટે તેના હિસ્સાનો એક ભાગ વેચ્યો હતો. આનો ઉપયોગ દેવું ચૂકવવા માટે થઈ શકે છે.
રાજીવ જૈને અદાણી ગ્રુપની કંપનીમાં રોકાણ કરતી વખતે કહ્યું હતું કે, તેમની પાસે એસ્સેટ જેમ કે એરપોર્ટ, બંદરો અને ઉર્જા અસ્કયામતો "અદભૂત," "ન બદલી શકાય તેવી" અને સારી કિંમતે ઉપલબ્ધ છે. તેમણે ધ ઓસ્ટ્રેલિયન ફાઇનાન્સિયલ રિવ્યુને જણાવ્યું હતું કે તેમની ટીમ પાંચ વર્ષથી અદાણી કંપનીઓ પર નજીકથી નજર રાખી રહી હતી. પરંતુ કંપનીનું વેલ્યુએશન ઊંચું હતું. જૈને કહ્યું, હિંડનબર્ગનો પોતાનો દ્રષ્ટિકોણ હોય શકે છે, અને અમારી પાસે અમારો વિચાર છે અને અમે હિંડનબર્ગના રિપોર્ટથી અસંમત છીએ અને આ જ બજારની રણનીતિ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp