મારું અપહરણ થયું હતું, બે વખત મોતને નજીકથી જોઈ: ગૌતમ અદાણીએ સંભળાવી આપવીતિ
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનું કહેવું છે કે જે આપણા હાથમાં ન હોય, તેની પર વધારે ચિંતા કરવાની જરૂર નથી. આ સિદ્ધાંત પર તેઓ કામ કરે છે. ગૌતમ અદાણી ઘણી વિપરીત પરિસ્થિતિઓમાંથી બહાર નીકળીને આવ્યા છે. 90ના દશકમાં ગૌતમ અદાણીનું અપહરણ થયું હતું. આ સિવાય તે 26/11 મુંબઈ આતંકી હુમલા દરમિયાન પણ તાજ હોટલમાં ફસાયેલા હતા. ગૌતમ અદાણીએ હાલમાં જ એક પ્રાઈવેટ ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાના લાઈફના અનુભવો અંગે વાત કરી હતી, જેમાં તેમનું અપરહણ અને 26/11ની પણ વાતો કરી હતી.
ગૌતમ અદાણીએ કહ્યું હતું કે, તેમણે પોતાની લાઈફમાં મોતને બે વખત એકદમ નજીકથી જોઈ છે. પોતાના અપહરણ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, ખરાબ સમયને ભૂલી જવામાં ભલાઈ છે. હું દરેક પરિસ્થિતિમાં પોતાની જાતને ઢાળી લઉં છું. જે દિવસે અપહરણ થયું, તેના બીજા જ દિવસે મને છોડી દેવામાં આવ્યો હતો. પરંતુ જે રાતે મારું અપહરણ થયું હતું, તે રાતે પણ હું શાંતિથી ઊંઘી ગયો હતો. કારણ કે જે વસ્તુ મારા હાથમાં નથી, તેના માટે વધારે પરેશાન થવાથી કોઈ ફાયદો મળતો નથી. તેમણે કહ્યું હતું કે, મારું માનવું છે કે કોઈએ પણ એ વાતની ચિંતા કરવી જોઈએ નહીં જે તેના હાથમાં હોતી નથી. નિયતિ પોતાની જાતે નક્કી કરશે. વર્ષ 1997માં અદાણીના અપહરણની ઘટનાએ સૌને ચોંકાવીને મૂકી દીધા હતા.
આ સિવાય ગૌતમ અદાણીએ કહ્યું કે, 26 નવેમ્બર 2008ના આતંકી હુમલા દરમિયાન તે તાજ હોટલમાં હતા અને તેના સર્વાઈવર છે. તેઓ દુબઈથી આવેલા પોતાના મિત્ર સાથે ડિનર કરવા માટે તાજ હોટલમાં પહોંચ્યા હતા. તેમની આંખોની સામે આતંકવાદી ગોળી વરસાવી રહ્યા હતા. તે ડરની સ્થિતિને તેમણે ઘણી નજીકથી જોઈ હતી. પરંતુ તેઓ તે સમયે પણ ગભરાયા નહોંતા કારણ કે ગભરાવવાથી કંઈ થવાનું ન હતું. અદાણી આ ઘટના અંગે વાત કરતા કહે છે કે હોટલમાં ડિનર કર્યા પછી બિલ પે કરીને તેઓ બહાર જ નીકળવાના હતા કે આતંકી હુમલાની ખબર મળી.
પછી આખી રાત ડરના માહોલમાં વીતી. જો થોડી મિનિટો પહેલા ત્યાંથી નીકળી જતે તો કદાચ કંઈ ખોટું પણ થઈ શકતું હતું. આખી રાત તાજ હોટલમાં ફસાયેલો હતો. હોટલના કર્મચારીઓ પાછળના રસ્તાથી ઉપર લઈ ગયા અને બીજા દિવસે સવારે સાત વાગ્યે જ્યારે કમાન્ડોનું સંપૂર્ણ પ્રોટેક્શન મળ્યું ત્યારે બહાર નીકળી શક્યો હતો. ગૌતમ અદાણી લાઈફના ઉતાર-ચઢાવથી વધારે પરેશાન થતા નથી. તેમની માનીએ તો મહેનત જ માત્ર સફળતાની કૂંજી છે. દરેક લોકોએ મહેનતથી જ આગળ વધવું જોઈએ. તેમણે કહ્યું કે દેશના 22 રાજ્યોમાં તેમના પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. તેની પર જે પણ આરોપ લાગ્યા છે તે ખોટા છે અને માત્ર રાજકીય લાભ માટે સ્ટેટમેન્ટ આપવામાં આવે છે.
તેમણે એ પણ કહ્યું હતું કે, અદાણી ગ્રુપ કોઈ પણ ધંધામાં બીડિંગ વગર પ્રવેશ કરતું નથી. પોર્ટ, એરપોર્ટ, પાવર હાઉસ હોય કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર દરેક જગ્યાએ નિયમમાં રહીને કામ થાય છે. ગૌમત અદાણીએ કહ્યું કે રાહુલ ગાંધી કોંગ્રેસના સીનિયર નેતા છે, તે પણ દેશની પ્રગતિ ઈચ્છે છે, ભલે તે આવેશમાં આવી કંઈ બોલી દે, પરંતુ તે વિકાસની વિરુદ્ધ નથી. તેમણે રાજસ્થાનમાં અદાણી પ્રોજેક્ટના વખાણ પણ કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp