શેરબજારે રચ્યો ઇતિહાસ,ઓલટાઇમ હાઇ,રોકાણકારોને 4 લાખ કરોડની કમાણી, અદાણીના શેરો..

PC: tradebrains.in

બુધવારે ભારતીય શેરબજારોએ બધા રેકોર્ડ તોડીને ઇતિહાસ રચી દીધો છે. BSE સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સ્ચેન્જનો નિફ્ટી ઓલ ટાઇમ હાઇ પર પહોંચી ગયા છે. શેરબજારમાં ફુલગુલાબી તેજીને કારણે ઇન્વેસ્ટર્સના ચહેરાં ખીલી ગયા છે. એક જ દિવસમાં રોકાણકારોને 4 લાખ કરોડ રૂપિયાની કમાણી થઇ છે. આ વર્ષે શેરબજારમાં અત્યાર સુધી છપ્પરફાડ તેજી જોવા મળી છે. આ વર્ષની શરૂઆતમાં 2 જાન્યુઆરી 2023ના દિવસે BSE સેન્સેક્સ 61.167 પર હતો, જ્યારે 28 જૂને 63,915 પર બંધ રહ્યો હતો. મતલબ કે આ 6 મહિનામાં સેન્સેક્સમાં 4 ટકાનો અને પોઇન્ટ વાઇઝ જોઇએ તો 2748 પોઇન્ટની તેજી જોવા મળી છે. જાણકારો હજુ તેજી ચાલુ રહેવાની ધારણા રાખી રહ્યા છે.

ભારતીય શેરબજારે બુધવારે બધી ધારણાઓને પાછળ છોડીને ઐતિહાસિક સપાટી હાંસલ કરી લીધી છે, અદાણી એન્ટરપ્રાઇઝીસ, ટાટા મોટર્સ જેવા હેવી વેઇટ શેરોમાં ભારે ખરીદીને કારણે BSE સેન્સેક્સ ટ્રેડીંગ દરમિયાન 64050ની સૌથી ઉંચી સપાટી સુધી પહોંચ્યો હતો. BSE સેન્સેક્સ બુધવારે 499.39 પોઇન્ટના તોતીંગ ઉછાળા સાથે 63915.42 પર બંધ હતો તો નિફ્ટી 154 ઉછળીને 18972.10 પર બંધ રહ્યો હતો.

ભારતીય શેરબજારોમાં સતત બીજા દિવસે મજબુતાઇથી શરૂઆત જોવા મળી હતી. અમેરિકા અને યુરોપના બજારોમાં જોવા મળેલી તેજી અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)ની દેમાર લેવાલીને કારણે શેરબજાર બુધવારે તેજી સાથે ખુલ્યું હતું. BSE-30 સેન્સેક્સમાં સમાવિષ્ટ શેરોમાં NTPC, એલએન્ડટી, ટાટા મોટર્સ, ટાઇટન, રિલાયન્સ ઇન્ડ., ઇન્ડસઇન્ડ બેંક,HDFC બેંક અને પાવર ગ્રિડ જેવા શેરો ઉપર તરફ રહ્યા હતા.

શેરબજારમાં જબરદસ્ત તેજીને કારણે રોકાણકારોની સંપત્તિ માત્ર 2 જ દિવસમાં 4 લાખ કરોડ વધી ગઇ છે. 26 જૂને જ્યારે શેરબજાર બંધ રહ્યુ હતું ત્યારે BSEની લિસ્ટેડ કંપનીનું માર્કેટ કેપ 2.90 લાખ કરોડ રૂપિયા હતુ. આજે એટલે કે બુધવારે જ્યારે બજાર બંધ રહ્યુ ત્યારે માર્કેટ કેપ 2.94 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. મતલબ કે 27 અને 28 જૂન એમ બે દિવસમાં રોકાણકારોની સંપત્તિ 4 લાખ કરોડ રૂપિયા વધી ગઇ છે.

આ પહેલાં મંગળવારે પણ BSE સેન્સેક્સ 446 પોઇન્ટ વધ્યો હતો, મતલબ કે બે દિવસમાં લગભગ 946 પોઇન્ટનો રોકેટગતિએ ઉછાળો જોવા મળ્યો છે. મંગળવારે નિફ્ટીમાં 126 પોઇન્ટ વધ્યા હતા, એટલે બે દિવસમાં નિફ્ટીમાં 280 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો છે.

25 જુલાઇ 1990ના દિવસે BSE સેન્સેક્સ પહેલીવાર 1 હજારની સપાટી પર પહોંચ્યો હતો. 1હજારથી 10 હજાર સુધી પહોંચવામાં 16 વર્ષ લાગ્યા હતા. પરંતુ 10 હજારથી 60000 સુધી પહોંચવામાં સેન્સેક્સને 15 વર્ષ જ લાગ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp