અદાણીનો આ શેર 10 ટકા ડિસ્કાઉન્ટમાં મળી રહ્યો છે, 27 જાન્યુઆરીએ ખુલી રહ્યો છે FPO

PC: .livemint.com

અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડનો 20,000 કરોડ રૂપિયાનો ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) 27 જાન્યુઆરીએ ખુલી રહ્યો છે. જેનો પ્રાઇસ બેન્ડ 3112-3276 રાખવામાં આવ્યો છે. આ પ્રાઇસના નીચેના ભાગને ગણતરીમાં લઇએ તો અદાણી એન્ટરપ્રાઇઝિસનો શેર અત્યારે 10 ટકા ડિસ્કાઉન્ટમાં મળી રહ્યો છે. FPOમાં રિટેલ રોકાણકારોને શેર દીઠ 64 રૂપિયાની છૂટ પણ મળવાની છે. FPOમાં ઓછામાં ઓછા 4 શેરનો લોટ છે એ પછી 4ના મલ્ટીપલમાં ભરી શકાશે.

કંપની 100 ટકા બુક-બિલ્ટ ઓફર હેઠળ આંશિક ચૂકવણીના ધોરણે નવા શેર જારી કરશે. FPO હેઠળ, કર્મચારી ક્વોટા 5 ટકા રિટેલ 35 ટકા અને નોન ઇન્સ્ટિટયૂશન 15 ટકા પર નિર્ધારિત કરવામાં આવ્યો છે. એન્કર ઇન્વેસ્ટર માટેનો FPO બે દિવસ અગાઉ એટલે કે 25મી જાન્યુઆરીએ ખુલશે. FPO હેઠળ મેળવેલા શેર 7 ફેબ્રુઆરી સુધીમાં ડીમેટ ખાતામાં જમા થઈ જશે. આ શેર 8 ફેબ્રુઆરીથી ટ્રેડ કરી શકાશે.

ICICI સિક્યોરિટીઝ, જેફરીઝ અને SBI કેપિટલ માર્કેટસને FPOના લીડ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. FPOમાં ભેગી કરવામાં આવેલી રકમ અદાણીને એક્સ્પાન્શન અને દેવું  ઓછું કરવા માટે કામ લાગશે. એક મીડિયા રિપોર્ટ મુજબ FPOને કારણે ગૌતમ અદાણીના નેતૃત્વ વાળા પ્રમોર્ટસની હિસ્સેદારી લગભગ 3.5 ટકા ઘટશે.

સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટના ઇક્વિટી માર્કેટના વડા ગિરીશ સોડાણીએ જણાવ્યું હતું કે, રિટેલ રોકાણકારો માટે ડિસ્કાઉન્ટેડ વેલ્યુએશન પર સ્ટોક ખરીદવા માટે FPO એ સારી તક છે. તે એટલા માટે કારણ કે ભૂતકાળમાં કંપનીના શેરે સારું પ્રદર્શન કર્યું છે. અદાણીએ નવા વ્યવસાયોમાં પ્રવેશ કર્યો છે અને તેના વ્યવસાયને ઝડપથી વિસ્તાર્યો છે.

સપ્ટેમ્બર 2022 સુધીમાં, પ્રમોટરો પાસે અદાણી એન્ટરપ્રાઇઝિસનો 72.63 ટકા હિસ્સો હતો, જ્યારે બાકીનો 27.37 ટકા પબ્લિક શેરહોલ્ડર્સ પાસે હતો. લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન પબ્લિક શેરહોલ્ડર્સ માં 4.03 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે નોમુરા સિંગાપોર, APMS ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ઇલારા ઇન્ડિયા ઓપોર્ચ્યુનિટીઝ ફંડ અને LTS ઇન્વેસ્ટમેન્ટ ફંડ 1 ટકાઅને 2 ટકા વચ્ચે હિસ્સેદારી હતી.

FPO એટલે કે ફોલો-ઓન પબ્લિક ઑફર એ એવી પ્રક્રિયા છે જેમાં સ્ટોક એક્સચેન્જમાં પહેલેથી લિસ્ટેડ કંપની વર્તમાન શેરધારકો અથવા નવા રોકાણકારોને નવા શેર જારી કરે છે. આ IPO કરતાં અલગ છે જ્યાં કંપની પ્રથમ વખત ભંડોળ ઊભું કરવા માટે તેના શેર જારી કરે છે. FPO દ્વારા કંપની તેના ઇક્વિટી બેઝને વિસ્તૃત કરે છે.

FPOનો હેતુ કંપનીનું વર્તમાન દેવું ઓછું કરવા અને કંપનીના વિસ્તૃતિકરણ માટે ફંડ ભેગું કરવાનો હોય છે. FPOમાં જારી કરવામાં આવેલા શેરની કિંમત બજારના ભાવ કરતા ઓછી હોય છે.

અદાણી એન્ટરપ્રાઇઝિસના FPOની પ્રાઇસ બેંડ જાહેર થયા પછી શેરના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે ગુરુવારની વાત કરીએ તો આ શેરનો ભાવ 130 રૂપિયા જેટલો ઘટીને 3463 પર ટ્રેડ કરી રહ્યો છે.

અદાણી એન્ટરપ્રાઇઝિસનો FPO 27 જાન્યુઆરી ખુલશે અને 31 જાન્યુઆરી બંધ થશે. 3 ફેબ્રુઆરીએ એલોટમેન્ટ, 6 તારીખે રીફંડ, 8 ફેબ્રુઆરી લિસ્ટીંગ થશે.

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે, શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મજુબ જ રોકાણ કરવું જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp