26th January selfie contest

હજીરાની AM/NS સ્ટીલ કંપની સામે કેન્દ્રનો કાર્યવાહીનો આદેશ છે પણ...: દર્શન નાયક

PC: indianexpress.com

હજીરામાં આવેલીAM/NS ઇન્ડિયા સ્ટીલ સામે જમીન મામલે લાંબા સમયથી લડત આપી રહેલા કોંગ્રેસ નેતા અને એડવોકેટ દર્શન નાયકે કહ્યું  છે કે, અમારી લાંબા સમયની રજૂઆત પછી કેન્દ્ર સરકારે તો આ કંપની સામે કાર્યવાહી કરવા કહ્યું છે, પરંતુ રાજ્ય સરકાર આંખ આડા કાન કરી રહી છે. વન વિભાગની ગેરકાયદેસર જમીન સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.

આરસેલર મિત્તલ એન્ડ નિપ્પોન(AMNS) સ્ટીલ કંપની સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હજીરા ગામમાં આવેલી છે. સુરત વન વિભાગના તાબા હસ્તક આવેલી વન જમીનમાં આર્સેલર મિત્તલ એન્ડ નિપોન સ્ટીલ કંપની (તત્કાલીન એસ્સાર) દ્વારા ૩૮.૭૧ હેકટર વન જમીન ૩૦૦ મેગાવોટ પાવર પ્લાન્ટ માટે તથા ૨૭.૦૨ હેકટર વન જમીન રો મટીરીયલ હેન્ડલિંગ તેમજ અન્ય યુટીલીટીઝના કામે વન સંરક્ષણ ધારાની જોગવાઈઓ મુજબ જંગલની જમીનની માંગણી કરવામાં આવી હતી અને વન જમીન ભારત સરકાર દ્વારા AMNS (તત્કાલીન એસ્સાર) કંપનીને ફાળવવા માટેના હુકમ તા. 2 જાન્યુઆરી 2023 ના  દિવસે કરવામાં આવ્યો  હતો. જે મુજબ વન વિભાગ દ્વારા સવાલ વાળી વન જમીનનો કબજો આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

તત્કાલીન એસ્સાર કંપની દ્વારા ૨૦૦૯-૧૦ માં ભારત સરકારને નિયત નમૂનામાં દરખાસ્ત કરી વન જમીન ફાળવવા માટેની માંગણી કરવામાં આવી ત્યારે દરખાસ્તમાં જે વિસ્તારની માંગણી (હજીરાના સર્વે નં.૧૭૯) કરવામાં આવેલ હતી અને ભારત સરકાર દ્વારા જે વિસ્તાર FCA હેઠળ મંજુર કરવામાં આવેલી છે તે વન જમીન અને કબ્જો સોંપવામા આવેલ વન જમીનમાં ખુબ મોટો તફાવત છે.

ફોરેસ્ટ ક્લીયરન્સ હેઠળની જમીનની માંગણીની સાઈટ ચોક્કસ હોય છે. તેમાં મંજુર કરવામાં આવેલ વિસ્તારને બદલે અન્ય વિસ્તાર ફાળવી શકાય નહી તેવી જોગવાઈ કાયદામાં આપેલી છે. તેમજ ફાળવેલ જમીન સિવાય અન્ય જમીનનો ઉપયોગ સંપૂર્ણપણે ગેરકાયદેસર ઠરે છે. છેલ્લા ઘણા વર્ષોથી વન વિભાગની જમીન ઉપર તત્કાલીન એસ્સાર સ્ટીલ અને હાલ આરસેલર મિત્તલ એન્ડ નિપ્પોન સ્ટીલ કંપની દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવેલો છે. જેની ઉપર કંપની દ્વારા અનેક પ્રકારની કામગીરીઓ વિના પરવાનગી કરવામાં આવી રહી છે.

આ બાબતે ગુજરાત કોંગ્રેસના મહામંત્રી અને એડવોકેટ દર્શન નાયકે 29 ડિસેમ્બર 2022ના દિવસે(૧) સેક્રેટરી , પર્યાવરણ મંત્રાલય ભારત સરકાર, (૨) અધિક્ષક નિયામક ઓફ ફોરેસ્ટ (૩) ઇન્સ્પેકટર જનરલ ઓફ ફોરેસ્ટ (૪) ઇન્ટિગ્રેટેડ રિજનલ ઓફિસ, પર્યાવરણ મંત્રાલય ભારત સરકારમાં લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. જે અન્વયે ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારા 10 જાન્યુઆરી૨૦૨૩ ના દિવસેના પત્રથી અગ્ર સચિવ (ફોરેસ્ટ)ગાંધીનગર તેમજ ગુજરાત સરકારને સદર બાબતે જરૂરી તેમજ તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. તેમજ ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારા 19 જાન્યુઆરી 2023ના દિવસે પત્રથી અધિક મુખ્ય સચિવ (ફોરેસ્ટ) અને પ્રાદેશિક અધિકારી ઇન્ટિગ્રેટેડ રિજનલ ઓફિસ એમઓએફસીસી(MOFCC)ને ગેરકાયદેસર ચાલી રહેલ પ્રવૃત્તિઓ બાબતે તાત્કાલિક અસરથી તપાસ કરવા અને જરૂરી કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવેલી છે.

ભૂતકાળમાં કંપની વિરુદ્ધ ઘણી લેખિત અને મૌખિક ફરિયાદો કરવામાં આવી છે,પરંતુ કંપની વિરુદ્ધ થયેલ ફરિયાદો અન્વયે સરકાર દ્વારા કોઈપણ પ્રકારના કાયદાકીય પગલાઓ લેવામાં આવ્યા નથી ઉપરાંત જંગલની જમીન ફાળવી દેવામાં આવી  છે. એક તરફ ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારા સદર બાબત ગંભીર હોય કંપની સામે પગલાં લેવા અને જરૂરી કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવી રહેલ છે અને બીજી બાજુ પ્રાદેશિક કચેરી ઇન્ટિગ્રેટેડ રિજનલ ઓફિસ દ્વારા જંગલની જમીનના હેતુફેર માટે પરવાનગી આપવામાં આવી છે. જે સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકારના વિભાગો વચ્ચે જ સમન્વય સંકળાયેલ નથી અથવા તો રાજ્ય સરકાર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે એવો આરોપ દર્શન નાયકે લગાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp