26th January selfie contest

આ બજેટમાં મધ્યમ વર્ગને મળશે મોટી રાહત? FMએ કહ્યું, હું પણ મિડલ ક્લાસથી આવું છું

PC: facebook.com/nirmala.sitharaman

આવતા મહિનાની પહેલા તારીખે એટલે કે 1 ફેબ્રુઆરી, 2023ના દિવસે નાણા મંત્રી નિર્મલા સીતારમણ દેશનું કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરશે. દર બજેટની જેમ  આ વખતે પણ મધ્યમ વર્ગને અપેક્ષા છે કે બજેટમાં તેમના માટે કઇ ખાસ જાહેરાત થાય.

સામાન્ય લોકો ખાસ કરીને મધ્યમ વર્ગ અત્યે મોંઘવારીની આગમાં ભડકી રહ્યો છે. આવતા મહિને કેન્દ્રીય બજેટ આવવાનું છે. શું નાણા મંત્રી નિર્મલા સીતારમણ આ વર્ષના બજેટમાં મધ્યમ વર્ગને મોટી રાહત આપવાના છે?  આ ચોક્કસ તો કહી શકાય તેમ નથી, પરંતુ આજે તેમના નિવેદનમાં એક ઇશારો જરૂર સામે આવ્યો છે. રવિવારે નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, તેઓ મધ્યમ વર્ગની મુશ્કેલીથી વાકેફ છે. જો કે સાથે તેમણે એ વાત પણ યાદ અપાવી કે વર્તમાન સરકારે મધ્યમ વર્ગ પર કોઇ નવો ટેક્સ નાંખ્યો નથી.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ લોકસભામાં 2023-24નું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ વચ્ચે એવી અપેક્ષા છે કે સરકાર આવકની મર્યાદા વધારશે અને મધ્યમ વર્ગના કરદાતાએ ઉપરાંત અન્ય લોકોને પણ રાહત આપશે.

રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ સાથે જોડાયેલા સાપ્તાહિક પંચજન્ય દ્રારા આયોજિત એક સમારંભમાં નાણા મંત્રીએ કહ્યું કે, હું પણ મધ્યમ વર્ગમાંથી જ આવું છુ, એટલા માટે મધ્યમ વર્ગના દબાણને સારી રીતે સમજી શકું છું. તેમની મુશ્કેલીઓથી વાકેફ છું. તેમણે કહ્યું કે વર્તમાન મોદી સરકારે મધ્યમ વર્ગ માટે કોઇ નવો ટેક્સ નાંખ્યો નથી અને 5 લાખ રૂપિયા સુધીની આવકને કરમૂક્ત રાખી છે.

નાણા મંત્રીએ કહ્યું કે સરકારે ઇઝ ઓફ લિવિંગને પ્રોત્સાહન આપવા માટે 27 શહેરોમાં મેટ્રો રેલ નેટવર્કને વિકસિત કરવા અને 100 સ્માર્ટ સિટી બનાવવા જેવા અનેક પગલાં લીધા છે. નાણા મંત્રીએ આશ્વાસન આપ્યું કે સરકાર મધ્યમ  વર્ગ માટે હજુ વધારે કરી શકે છે કારણકે મધ્યમ વર્ગની વસ્તી વધી રહી છે અને હવે ખાસ્સી મોટી થઇ ગઇ છે.

નાણા મંત્રી સીતારમણે કહ્યું કે સરકાર 2020 થી દરેક બજેટમાં મૂડી ખર્ચ પરના ખર્ચમાં વધારો કરી રહી છે. તેમણે કહ્યું કે વર્તમાન નાણાકીય વર્ષ માટે તેમાં 35 ટકાનો વધારો કરીને રૂ. 7.5 લાખ કરોડ કરવામાં આવ્યો છે કારણ કે તેની અર્થવ્યવસ્થા પર ગુણાત્મક અસર પડે છે. બેન્કિંગ સેક્ટર અંગે તેમણે જણાવ્યું હતું કે, સરકારની 4R વ્યૂહરચના છે જેમા, માન્યતા, પુનઃમૂડીકરણ, રિઝોલ્યુશન અને રિફોર્મ્સ એ જાહેર ક્ષેત્રની બેંકો  ના પુનરુત્થાનમાં મદદ કરી છે.

તેમણે કહ્યું કે,સરકારે જાહેર ક્ષેત્રની બેંકો માટે મૂડી પર્યાપ્તતાને ટેકો આપવા અને તેમના ડિફોલ્ટને રોકવા માટે અભૂતપૂર્વ રૂ. 2.11 લાખ કરોડનો પુન: મૂડીકરણ કાર્યક્રમ અમલમાં મૂક્યો હતો. જાહેર ક્ષેત્રની બેંકોમાં2020-21 દરમિયાન જંગી વસૂલાત, NPAsમાં ઘટાડો અને તેમના બોન્ડ પોર્ટફોલિયોમાં વિન્ડફોલ ગેઇનને કારણે 2020-21 દરમિયાન રૂ. 31,820 કરોડના સંયુક્ત ચોખ્ખા નફા સાથે આગળ વધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp