26th January selfie contest

એલન મસ્ક ફરી વિશ્વના સૌથી ધનવાન, આર્નોલ્ટને પાછળ છોડી નં.-1ની ખુરશી કબ્જે કરી

PC: vindhyabhaskar.com

વિશ્વના અબજોપતિઓની યાદીમાં મોટો ફેરફાર થયો છે. ટેસ્લાના CEO એલન મસ્ક ફરી એકવાર વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. છેલ્લા 24 કલાકમાં મસ્કની સંપત્તિમાં ઉછાળા સાથે કુલ નેટવર્થ વધીને 187 બિલિયન ડૉલર થઈ ગઈ છે. અત્યાર સુધી નંબર વન ખુરશી પર બેઠેલા ફ્રેન્ચ અબજોપતિ બર્નાર્ડ આર્નોલ્ટ 185 બિલિયન ડૉલરની નેટવર્થ સાથે બીજા નંબરે સરકી ગયા છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, 24 કલાકની અંદર એલન મસ્કની સંપત્તિમાં 6.98 બિલિયન ડૉલરનો ઉછાળો આવ્યો છે. આ સાથે તેણે ફરી એકવાર નંબર વનનું સ્થાન કબજે કર્યું. છેલ્લા કેટલાક દિવસોથી મસ્કની પ્રોપર્ટીમાં આવેલી તેજીને જોતા એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી કે તે ટૂંક સમયમાં નંબર વન અમીર બની શકે છે.

ટોપ-10 બિલિયોનેર્સમાં વર્ષ 2021થી સતત નંબર-1 પોઝિશન ધરાવતા એલન મસ્કને ગયા વર્ષે ડિસેમ્બર 2022માં પાછળ છોડીને બર્નાર્ડ આર્નોલ્ટ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. વાસ્તવમાં, ગત વર્ષ મસ્ક માટે ઘણું ખરાબ સાબિત થયું. 44 બિલિયન ડૉલરની ટ્વિટર ડીલની શરૂઆતથી, તેની નેટવર્થમાં મજબૂતીથી ઘટાડો થવા લાગ્યો અને તે વર્ષના અંત સુધી ચાલુ રહ્યો.

ગયા વર્ષે જ્યાં એલન મસ્ક સૌથી વધુ સંપત્તિ ગુમાવવાના મામલામાં ટોચ પર હતા, તો આ વર્ષની શરૂઆતથી તેમની કંપનીના શેરમાં વધારાને કારણે તેમની નેટવર્થમાં વધારો થયો હતો, જે હજુ પણ ચાલુ છે. આ વર્ષે અત્યાર સુધીમાં એલન મસ્કની સંપત્તિમાં 50.1 બિલિયન ડૉલરનો વધારો નોંધવામાં આવ્યો છે. જો કે, પ્રથમ નંબરથી બીજા સ્થાને સરકી ગયેલા બર્નાર્ડ આર્નોલ્ટની સંપત્તિમાં આ વર્ષે અત્યાર સુધીમાં 23.3 અબજ ડોલરનો વધારો થયો છે.

એલન મસ્કની કંપની ટેસ્લાના શેરમાં છેલ્લા એક સપ્તાહથી સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ટ્રેડિંગ દિવસે ટેસ્લાના શેરની કિંમત શેર દીઠ 207.63 ડૉલરના સ્તરે પહોંચી ગઈ હતી. મસ્કની કંપનીના શેરમાં 5.46 ટકા અથવા શેર દીઠ 10.75 ડૉલરનો વધારો નોંધાયો હતો. તમને જણાવી દઈએ કે ટ્વીટર સાથે ડીલની શરૂઆતથી જ તેમાં મોટો ઘટાડો થયો હતો, ત્યારબાદ તે લાંબા સમય સુધી ચાલુ રહ્યો હતો.

ટોપ-10 બિલિયોનેર્સ લિસ્ટમાં સામેલ અન્ય અમીર લોકોની વાત કરીએ તો, બ્લૂમબર્ગના અનુસાર, એમેઝોનના જેફ બેઝોસ 117 બિલિયન ડૉલરની નેટવર્થ સાથે વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ છે. માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ 114 બિલિયન ડૉલર સાથે ચોથા સૌથી અમીર વ્યક્તિ છે, જ્યારે વોરેન બફે 106 બિલિયન ડૉલર સાથે પાંચમા સૌથી ધનિક વ્યક્તિ છે. લેરી એલિસન 102 બિલિયન ડૉલરની સંપત્તિ સાથે યાદીમાં છઠ્ઠા સ્થાને છે, જ્યારે સ્ટીવ બાલ્મર નવમા સ્થાનેથી સાતમા સ્થાને પહોંચી ગયા છે. તેમની કુલ સંપત્તિ 89.4 બિલિયન ડૉલર છે.

અબજોપતિઓની યાદીમાં ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ સતત ટોપ-10માં પોતાની હાજરી નોંધાવી છે. 81.1 બિલિયન ડૉલરની નેટવર્થ સાથે, રિલાયન્સના ચેરમેન વિશ્વના 10મા સૌથી ધનિક વ્યક્તિ છે. છેલ્લા 24 કલાકમાં તેમની સંપત્તિમાં 646 મિલિયન ડૉલરનો ઘટાડો થયો છે. લેરી પેજ 84.7 બિલિયન ડૉલર સાથે આઠમા નંબરે છે, જ્યારે કાર્લોસ સ્લિમ હેલુ 83.2 બિલિયન ડૉલરની સંપત્તિ સાથે નવમા નંબરે છે. બીજી તરફ હિંડનબર્ગના વમળમાં ફસાયેલા ગૌતમ અદાણી 37.7 બિલિયન ડૉલરની સંપત્તિ સાથે વિશ્વના અમીરોની યાદીમાં 32માં નંબર પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp