ભૂલી જશો પેટ્રોલ બાઇક! PURE EVએ ઇલેક્ટ્રિક બાઇક લૉન્ચ કરી, કિંમત જાણી લો
ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર વાહન સેગમેન્ટમાં આજે એક નવા વાહનનો પ્રવેશ થયો છે. અગ્રણી ટુ-વ્હીલર ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક PURE EV એ આજે બજારમાં તેની નવી ઇલેક્ટ્રિક મોટરસાઇકલ ઇકોડ્રાઇફ્ટ (ecoDryft) લોન્ચ કરી છે. આકર્ષક દેખાવ અને શક્તિશાળી બેટરી પેકથી સજ્જ આ બાઇકની પ્રારંભિક કિંમત માત્ર રૂ. 99,999 (એક્સ-શોરૂમ, દિલ્હી) નક્કી કરવામાં આવી છે. જો કે, દિલ્હી સિવાયના અન્ય રાજ્યોમાં તેની કિંમત 1,14,999 રૂપિયા (એક્સ-શોરૂમ, પૈન ઈન્ડિયા) છે. આ બાઇક કુલ ચાર રંગોમાં ઉપલબ્ધ છે, જેમાં બ્લેક, ગ્રે, બ્લુ અને રેડનો સમાવેશ થાય છે.
કંપનીએ આ ઇલેક્ટ્રિક બાઇકમાં 3.0 KWH ક્ષમતાના બેટરી પેકનો ઉપયોગ કર્યો છે અને કંપનીનો દાવો છે કે આ બાઇક એક જ ચાર્જમાં 85 થી 130 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ આપવામાં સક્ષમ છે. ડ્રાઇવિંગ રેન્જ સવારી અને રસ્તાની સ્થિતિ પર આધારિત હોય છે. તેમાં બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ (BMS) અને બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે 3kW ક્ષમતાની ઇલેક્ટ્રિક મોટર છે. તેની ટોપ સ્પીડ 75 કિલોમીટર પ્રતિ કલાક છે.
તે કોમ્યુટર બાઇક જેવું જ દેખાય છે અને તેમાં ફ્યુઅલ ટાંકીની નીચે બેટરી પેક માટેનું સેક્શન આપવામાં આવ્યું છે. આ ઇલેક્ટ્રિક બાઇકમાં ત્રણ ડ્રાઇવિંગ મોડ પણ આપવામાં આવ્યા છે, જેમાં આ બાઇક ડ્રાઇવ મોડમાં 45 કિલોમીટર પ્રતિ કલાક, ક્રોસઓવર મોડમાં 60 કિલોમીટર પ્રતિ કલાક અને થ્રિલ મોડમાં 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચવામાં સક્ષમ છે. તેની કુલ લોડિંગ ક્ષમતા 140 KGની છે.
એલોય વ્હીલ્સ અને રિજનરેટીંગ બ્રેકીંગ સિસ્ટમથી સજ્જ આ ઈલેક્ટ્રીક બાઇકમાં ડીજીટલ સ્પીડોમીટર, ડીજીટલ ઓડોમીટર, સેન્ટ્રલ લોકીંગ, પેસેન્જર ફુટરેસ્ટ, LED હેડલાઈટ અને ટેલલાઈટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. આ બાઇકનું કુલ વજન 101 કિલો છે. આ બાઇકની બેટરી માત્ર 3 કલાકમાં 20 ટકાથી 80 ટકા સુધી ચાર્જ થાય છે, જ્યારે તેની બેટરીને સંપૂર્ણ ચાર્જ થવામાં કુલ 6 કલાકનો સમય લાગે છે.
PURE EVના સહ-સ્થાપક અને CEO રોહિત વાડેરાએ જણાવ્યું હતું કે, 'છેલ્લા બે મહિનામાં, અમે ટેસ્ટ ડ્રાઈવ માટે ભારતભરમાં અમારી 100+ ડીલરશીપ પર ડેમો વ્હીકલ પહોંચાડી દીધા છે અને ગ્રાહકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ પ્રાપ્ત થઈ રહ્યો છે. હવે અમારી તમામ ડીલરશીપમાં ecoDryftના માટે બુકીંગ હમણાં શરૂ કરવામાં આવી છે, અને ગ્રાહકોને વાહનોની પ્રથમ બેચની ડિલિવરી માર્ચના પ્રથમ સપ્તાહથી શરૂ થશે.'
PURE EV દાવો કરે છે કે, ecoDryftને હૈદરાબાદમાં PURE EVના ટેકનિકલ અને મેન્યુફેક્ચરિંગ સેન્ટરમાં ડિઝાઇન અને વિકસાવવામાં આવી છે. કંપની દેશના અન્ય ઘણા શહેરોમાં તેના ડીલરશિપ નેટવર્કને વિસ્તારવામાં વ્યસ્ત છે. કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે, તે પહેલાથી જ દક્ષિણ એશિયાના દેશોમાં તેના વાહનોની નિકાસ કરી રહી છે અને ટૂંક સમયમાં આફ્રિકા સહિત મધ્ય એશિયાના દેશોમાં વાહનોની નિકાસ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp