ભારતે લેપટોપ, કમ્પ્યુટર, ટેબલેટની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો, જાણો શું અસર થશે

ભારત સરકારે આયાતી લેપટોપ, ટેબલેટ, ઓલ-ઈન-વન પર્સનલ કમ્પ્યુટર, અલ્ટ્રા સ્મોલ ફોર્મ ફેક્ટર (USFF) કમ્પ્યુટર અને સર્વરની આયાત પર અંકુશ લગાવ્યો છે. આયાત પરનો આ પ્રતિબંધ તાત્કાલિક અસરથી લાગુ થશે. સાદી ભાષામાં કહીએ તો હવે વિદેશની ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ ભારતમાં નહીં મળે. ભારતમાં આ વસ્તુઓનું ઉત્પાદન વધારવા અને આયાત ઘટાડવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. આને કારણે ચીનને મોટો ફટકો પડશે, કારણ કે ચીન ભારતમાં સૌથી મોટો આયાતકાર છે.
સરકારે ઈલેક્ટ્રોનિક્સ સામાનના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ઘણાં પગલાં લીધાં છે. ભારતીય બજારમાં વેચાતી મુખ્ય ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ્સમાં HCL, Samsung, Dell, LG Electronics, Acer, Apple, Lenovo અને HPનો સમાવેશ થાય છે. આ પ્રતિબંધ બાદ હવે HP, Dell, Lenovo જેવી કંપનીઓએ ભારતમાં તેમના મેન્યુફેક્ચરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આ કંપનીઓ ચીનમાંથી તૈયાર ઉત્પાદનોની સીધી આયાત કરી શકશે નહીં. ભારતે 2022-23માં 5.33 બિલિયન ડોલરના લેપટોપ સહિત પર્સનલ કોમ્પ્યુટરની આયાત કરી છે. 2021-22માં આ આંકડો 7.37 બિલિયન ડોલર હતો.
છેલ્લા ત્રિમાસિક ગાળામાં (એપ્રિલ-જૂન), ઈલેક્ટ્રોનિક્સ આયાત, જેમાં આ ત્રણ વસ્તુઓનો સમાવેશ થાય છે, કુલ 19.7 બિલિયન ડોલર હતી. જે ગત વર્ષની સરખામણીએ 6.25 ટકા વધુ છે. જોકે, આ પગલું Dell, Acer, Samsung, Panasonic,HP Apple, Lenovo જેવી કંપનીઓ માટે પડકાર ઉભો કરી શકે છે. આ કંપનીઓ ભારતીય બજારમાં મુખ્ય ખેલાડીઓ છે અને ગ્રાહકોની માંગને પહોંચી વળવા ખાસ કરીને ચીન જેવા દેશોમાંથી આયાત પર આધાર રાખે છે.
પ્રોડક્ટની આયાતને પ્રતિબંધિત કરવાનો અર્થ એ છે કે તેમની આયાત માટે લાઇસન્સ અથવા સરકારની પરવાનગી ફરજિયાત છે. આ ઉત્પાદનોની આયાતને માન્ય લાઇસન્સને આધીન પરવાનગી આપવામાં આવશે. એટલે કે હવે વિદેશથી આ ઉત્પાદનો ભારતમાં નહીં આવે. તેમની આયાત માટે ભારત સરકારની પરવાનગી જરૂરી રહેશે.
નોટિફિકેશનમાં જણાવાયું છે કે માઈક્રો કોમ્પ્યુટર્સ, મોટા કોમ્પ્યુટર્સ અને અમુક ડેટા પ્રોસેસિંગ મશીનોને પણ આયાત અકુંશની શ્રેણીમાં મુકવામાં આવ્યા છે. Directorate General of Foreign Trade (DGFT) એ ગુરુવારે જારી કરેલી સૂચનામાં જણાવ્યું હતું કે સંશોધન અને વિકાસ, પરીક્ષણ, બેંચમાર્કિંગ, મૂલ્યાંકન, રિપેરીંગ અને ઉત્પાદન વિકાસના હેતુ માટે પ્રતિ કન્સાઇનમેન્ટ 20 સુધી આયાત લાઇસન્સની છૂટ રહેશે. આ પગલાનો હેતુ ચીન જેવા દેશોમાંથી આયાત ઘટાડવાનો છે.
આ પ્રતિબંધો સામાનના નિયમ હેઠળ લાગુ થશે નહીં. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, એક લેપટોપ, ટેબ્લેટ, ઓલ-ઇન-વન પર્સનલ કોમ્પ્યુટર, ઈ-કોમર્સ પોર્ટલ દ્વારા ખરીદાયેલા, પોસ્ટ અથવા કુરિયર દ્વારા ઓર્ડર કરાયેલ પ્રોડક્ટને આયાત લાયસન્સની જરૂરિયાતમાંથી મુક્તિ આપવામાં આવશે. આવા કિસ્સાઓમાં ટેક્સની ચૂકવણી કરીને આયાત કરી શકાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp