દિલ્હીનો વૈભવ તનેજા બન્યો ટેસ્લાનો નવો CFO
એલન મસ્કની કંપની ટેસ્લાએ ભારતીય મૂળના વૈભવ તનેજાને તેના નવા Chief Financial Officer (CFO) તરીકે નિયુક્ત કર્યા છે. વૈભવ તનેજાને ઝાચેરી કિર્કહોર્નના સ્થાને નિયુક્ત કરવામાં આવ્યા છે. કંપનીએ સોમવારે,7 ઓગસ્ટ એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં આ માહિતી આપી છે.
ટેસ્લા સાથે 13 વર્ષ સુધી કામ કર્યા બાદ ઝાચેરી કિર્કહોર્ને શુક્રવારે 4 ઓગસ્ટે CFO તરીકે રાજીનામું આપ્યું હતું. તેઓ છેલ્લા ચાર વર્ષથી CFOની પોસ્ટ પર કામ કરી રહ્યા હતા. કિર્કહોર્ન આ વર્ષના અંત સુધી કંપની સાથે રહેશે. જો કે ટેસ્લાએ આ બદલાવનું કારણ જાહેર કર્યું નથી.
45 વર્ષના વૈભવ તનેજા હાલમાં માર્ચ 2019 થી અમેરિકન ઓટોમોબાઈલ જાયન્ટ ટેસ્લામાં ચીફ એકાઉન્ટિંગ ઓફિસર (CAO) તરીકે કામ કરી રહ્યા છે. હવે તેઓ CFOના પદની વધારાની જવાબદારી પણ સંભાળશે. CFO તરીકે તેમની નિમણૂક પહેલા, તેઓ મે 2018 થી કંપનીમાં કોર્પોરેટ કંટ્રોલરના પદ પર હતા. આ પહેલા તનેજા ફેબ્રુઆરી 2017 થી મે 2018 સુધી કંપનીમાં આસિસ્ટન્ટ કોર્પોરેટ કંટ્રોલર હતા.
વૈભવ તનેજાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેમણે જુલાઈ 1999 થી માર્ચ 2016 સુધી ભારત અને USમાં પ્રાઇસ વોટરહાઉસ કૂપર્સ કંપની સાથે કામ કર્યું. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત આ કંપનીમાંથી જ કરી હતી. 2016માં તેઓ સોલાર એનર્જી કંપની સોલાર સિટીમાં ગયા. સોલાર સિટીને ટેસ્લાએ 2017માં ખરીદી હતી એ જ વર્ષે વૈભવ તનેજાની ટેસ્લામાં એન્ટ્રી થઇ હતી.
જાન્યુઆરી 2021માં, વૈભવ તનેજાને ટેસ્લાની ભારતીય શાખા ટેસ્લા ઈન્ડિયા મોટર્સ એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. વૈભવ પાસે એકાઉન્ટિંગમાં 20 વર્ષથી વધુનો અનુભવ છે. તેમણે ટેક્નોલોજી, ફાઇનાન્સ, રિટેલ અને ટેલિકોમ્યુનિકેશનમાં ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓ સાથે કામ કર્યું છે.
વૈભવ તનેજાની આ નિમણૂક એવા સમયે કરવામાં આવી છે જ્યારે ટેસ્લા તેનું વેચાણ વધારવા અને વધુ બજાર હિસ્સો મેળવવાનું લક્ષ્ય ધરાવે છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ટેસ્લાએ આ ઉદ્દેશ્યને અનુસરવા માટે તેની કારની કિંમતોમાં પણ ઘટાડો કર્યો છે, જેના કારણે તેના ઇન્ડસ્ટ્રી- લીડીંગ માર્જિનમાં ઘટાડો થયો છે.
ઝાચેરી કિર્કહોર્નને એક સમયે એલોન મસ્કના અનુગામી માનવામાં આવતા હતા. ત્યારબાદ રોકાણકારોએ ટેસ્લામાં ઉત્તરાધિકાર યોજના અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. એલન મસ્ક હાલમાં ટેસ્લા સાથે સ્પેસએક્સ, ન્યુરાલિંક અને ધ બોરિંગ કંપનીના વડા છે. તે X (અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું)ના ચીફ ટેક્નોલોજી ઓફિસર તરીકે પણ સેવા આપે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp