- Business
- જેક મા એશિયાના સૌથી અમીર બિઝનેસમેન હતા, હવે ANT ગ્રુપમાં પણ હાથમાંથી ગયું
જેક મા એશિયાના સૌથી અમીર બિઝનેસમેન હતા, હવે ANT ગ્રુપમાં પણ હાથમાંથી ગયું
ચીનની જાણીતી ઇ કોમર્સ કંપની અલીબાબાના ફાઉન્ડર, મોટીવેશનલ સ્પીકર અને એક જમાનામાં એશિયાના ધનવાનોની યાદીમાં સુમાર હતા, પરંતુ જ્યારથી સરકાર સામે તેમણે બાંયો ચઢાવી હતી ત્યારથી તેમની મુશ્કેલીઓ શરૂ થઇ ગઇ હતી અને હવે એવી નોબત ઉભી થઇ છે કે ANT ગ્રુપ પણ તેમના હાથમાંથી સરકી રહ્યું છે, જે જેક માએ ઉભું કર્યું હતું.
એક સમયે એશિયાના સૌથી અમીર વ્યક્તિ ગણાતા જેક મા માટે શરૂ થયેલી મુશ્કેલીઓનો સમય હજુ પૂરો થયો નથી. ઘણા સમયથી તેમના વિશે એવા અહેવાલો હતા કે તેઓ ગાયબ થઇ ગયા છે, 2 મહિના પહેલા એવા સમાચાર આવ્યા હતા કે તેઓ જાપાનમાં રહે છે. હવે એવા સમાચાર આવ્યા છે જે જેક મા માટે સૌથી મોટો ઝટકો છે.

ANT ગ્રૂપના સ્થાપક જેક માએ પોતાની કંપની પરથી નિયંત્રણ ગુમાવ્યું છે. હવે આ ગ્રુપમાં તેમનો હિસ્સો ઘટીને માત્ર 10 ટકા પર આવી ગયો છે અને નિયંત્રણ અધિકારો પણ સમાપ્ત થઈ રહ્યા છે.
આજે સવારે ANT ગ્રૂપે એક નિવેદન બહાર પાડ્યું છે , ચીનના અબજોપતિ અને જાયન્ટ ઈ-કોમર્સ કંપની અલીબાબાના સ્થાપક જેક માનું હવે કંપની પર નિયંત્રણ રહેશે નહીં. ફિનટેક જાયન્ટે તેના શેરહોલ્ડિંગ માળખું એવી રીતે ગોઠવ્યું છે કે અબજોપતિ જેક મા પાસે હવે કંપનીમાં અન્ય અધિકારોની સાથે મતદાનનો અધિકાર પણ સમાપ્ત કરી દેવામાં આવ્યો છે.
એન્ટ ગ્રૂપની શેરહોલ્ડિંગ પેટર્નમાં ફેરફારનો અર્થ એ છે કે તેમણે તેમના IPO માટે વધુ રાહ જોવી પડશે જે પહેલેથી જ લાંબી રાહમાં છે. ચીની સરકારે વર્ષ 2021માં ANT કંપનીના બ્લોકબસ્ટર 37 બિલિયન ડોલરના IPO પર પ્રતિબંધ મૂક્યો હતો અને અલીબાબા કંપની પર વિશ્વાસનો દુરુપયોગ કરવાના નામે રેકોર્ડ 2.8 બિલિયન ડોલરનો દંડ ફટકાર્યો હતો.

જો કે આ સમાચારને કારણે ANT ગ્રુપના શેરહોલ્ડર્સની આર્થિક સ્થિતિ પર કોઇ અસર નહીં પડે, પરંતુ જેક મા માટે આ સમાચાર પીડા આપનારા છે, કારણકે જે કંપનીને તેમણે પોતે મહેનતથી ઉભી કરી હતી એ હવે ગુમાવવાનો વારો આવી રહ્યો છે. જેક માની મુશ્કેલીઓની શરૂઆત વર્ષ 2020થી થઇ હતી જ્યારે તેમણે ચીન સરકારની આલોચના કરી હતી. એ પછી તેમની નેટવર્થમાં પણ મોટાં ગાબડાં પડી ગયા છે.

જેક માએ 2020માં ચીનની નીતિઓની આલોચના કરી હતી. ચીનની નાણાકીય નિયમનકારી પ્રણાલીની ટીકા કરતા, તેમણે સરકારી માલિકીની બેંકોની તુલના વ્યાજખોરો સાથે કરી. તેમણે જાહેર ક્ષેત્રની બેંકો પર પ્યાદાની દુકાનની માનસિકતા હોવાનો આરોપ લગાવ્યો. તેમણે આંતરરાષ્ટ્રીય નાણાકીય નિયમન કરાર (બેઝલ એકોર્ડ્સ) પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. ત્યારથી, તેમના દ્વારા બનાવવામાં આવેલી Ant અને અલીબાબા કંપનીઓને ચીની પ્રશાસન દ્વારા હેરાન કરવામાં આવી હતી.

