26th January selfie contest

અંબાણી-ટાટા પછી બિરલા ગ્રુપમાં નવી પેઢીની એન્ટ્રી, અનન્યા-આર્યમનને મોટી જવાબદારી

PC: reetfeed.com

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ તેમના ત્રણ બાળકો આકાશ અંબાણી, ઈશા અંબાણી અને અનંત અંબાણીને જવાબદારીઓ સોંપી છે, જ્યારે ટાટા ગ્રુપમાં નોએલ ટાટાના ત્રણ બાળકો લિયા, માયા અને નેવિલ ટાટાને ટાટા મેડિકલ બોર્ડમાં જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ બંને મોટા બિઝનેસ હાઉસમાં ઉત્તરાધિકારીઓની પસંદગી કરવામાં આવી નથી, પરંતુ હવે કુમાર મંગલમ બિરલા (KM Birla)ના નેતૃત્વમાં બિરલા જૂથમાં નવી પેઢીનો પ્રવેશ થઇ ચુક્યો છે.

બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ તેમના અનુગામીઓને જવાબદારી સોંપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. વર્ષ 1995માં પિતા આદિત્ય વિક્રમ બિરલાના અવસાન બાદ KM બિરલાએ માત્ર 28 વર્ષની ઉંમરે બિઝનેસની જવાબદારી પોતાના ખભા પર લીધી હતી. ગ્રૂપના ચેરમેન તરીકે નિયુક્ત થયા બાદ તેમણે પોતાની ક્ષમતાના આધારે બિઝનેસને આસમાનની ઊંચાઈએ પહોંચાડ્યો. હવે તેઓ તેમના બાળકોને બિઝનેસનો એક ભાગ બનાવવા માટે મોટી જવાબદારીઓ સોંપી રહ્યા છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, કુમાર મંગલમ બિરલા દ્વારા સોમવાર, 30 જાન્યુઆરી, 2023ના રોજ એક મોટી જાહેરાત કરવામાં આવી હતી. ગ્રુપના ફેશન અને રિટેલ બિઝનેસમાં, આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ લિમિટેડ, પુત્રી અનન્યાશ્રી બિરલા અને પુત્ર આર્યમન વિક્રમ બિરલાને બોર્ડમાં ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બંને ભાઈ-બહેનો બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપશે.

બિરલા ગ્રુપનો બિઝનેસ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના તમામ દેશોમાં ફેલાયેલો છે. છેલ્લા 28 વર્ષથી ગ્રૂપનું સુકાન સંભાળી રહેલા કુમાર મંગલમ બિરલાએ એક પછી એક લગભગ 40 કંપનીઓ હસ્તગત કરીને બિઝનેસનો વિસ્તાર કર્યો છે. હવે તેમના સંતાનો આ વ્યવસાયમાં સક્રિય ભૂમિકા ભજવીને તેને આગળ વધારવામાં ફાળો આપશે. ફોર્બના બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, KM બિરલાની કુલ સંપત્તિ 14.9 બિલિયન ડૉલર છે.

કુમાર મંગલમ બિરલાની 28 વર્ષની પુત્રી અનન્યાશ્રી બિરલા વિશે વાત કરીએ તો, તે એક ગાયિકા તરીકે ઓળખાય છે, સાથે સાથે બિઝનેસની સમજ પણ ધરાવે છે. તેણે માત્ર 17 વર્ષની ઉંમરે એક માઈક્રો ફાઈનાન્સ કંપની શરૂ કરી હતી અને હજુ પણ તે તેનું સંચાલન કરી રહી છે. આ કંપનીનું નામ 'સ્વતંત્ર માઇક્રોફિન પ્રાઇવેટ લિમિટેડ' છે. તે ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને નાની લોન આપવાનું કામ કરે છે.

25 વર્ષીય આર્યમન બિરલા, કે જેણે ક્રિકેટમાં પોતાનો હાથ અજમાવ્યો છે, તે મધ્ય પ્રદેશની 2017-18 રણજી ટીમનો ભાગ રહ્યો છે. પરંતુ ક્રિકેટમાં રસ હોવા છતાં, તેને વ્યવસાયનો નોંધપાત્ર અનુભવ ધરાવે છે અને તે કંપની બોર્ડમાં જોડાઈને પારિવારિક વ્યવસાયને આગળ વધારવા માટે કામ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp