પેટ્રોલની ચિંતા નહીં...ટ્રાફિકની ઝંઝટ નહીં! હવામાં ઊડતી ઈલેક્ટ્રિક ફ્લાઈંગ કાર

PC: robbreport.com

ઉડવાવાળી કારની કલ્પના આખરે વાસ્તવિકતા બની ગઈ છે. અત્યાર સુધી, જે સ્વપ્ન વિજ્ઞાન-કથા ફિલ્મો સુધી સીમિત હતું, તે હવે વાસ્તવિકતામાં ફેરવાઈ રહ્યું છે, કારણ કે ઉડતી કાર હવે કલ્પનામાંથી બહાર નીકળીને રસ્તા પરથી દોડવાની શરૂઆત માટે તૈયાર છે. હા, તમે તે સાચું વાંચ્યું છે! ઈલેક્ટ્રિક ફ્લાઈંગ કાર જે તમે રસ્તા પર દોડવાની સાથે સાથે ખુલ્લા આકાશમાં પણ ઉડાવી શકો છો. હવે આ ઉડતી ઇલેક્ટ્રિક કારને પ્રમાણપત્ર અને મંજૂરી પણ મળી ગઈ છે.

US સ્થિત એલેફ એરોનોટિક્સ દ્વારા વિકસિત ઉડતી કારને US સરકાર તરફથી મંજૂરી મળી ગઈ છે. કંપનીએ જાહેરાત કરી હતી કે બ્રાન્ડની કાર, 'મોડલ A' ને US ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) તરફથી એરવર્થિનેસનું વિશેષ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ એક ઐતિહાસિક નિર્ણય છે, કારણ કે USમાં આવા વાહનને પ્રથમ વખત પ્રમાણિત કરવામાં આવ્યું છે.

સારી વાત એ છે કે, તે સંપૂર્ણ રીતે કાર્યરત ઈલેક્ટ્રિક કાર છે જેને તમે રસ્તા પર પણ ચલાવી શકો છો તેમજ આકાશમાં પણ ઉડાવી શકો છો. કંપનીએ તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, 'FAA ઇલેક્ટ્રિકલ વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ (eVTOL) વાહનોની સાથે સાથે ગ્રાઉન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિયંત્રિત કરવા માટે તેની નીતિઓ પર સક્રિયપણે કામ કરી રહ્યું છે.'

એલેફ એરોનોટિક્સે વર્ષ 2016માં આ કારનો પહેલો પ્રોટોટાઈપ તૈયાર કર્યો હતો. આ એક એવું વાહન છે જે કારની જેમ ડ્રાઇવિંગ સિવાય વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ પણ કરી શકે છે, જેમ કે તમે હેલિકોપ્ટરમાં જોયું હશે. કંપનીનો દાવો છે કે 'મોડલ A'ની ડ્રાઇવિંગ રેન્જ 200 માઇલ અથવા લગભગ 321 Km છે અને કાર હવામાં 110 માઇલ અથવા 177 Km સુધીની મુસાફરી કરી શકે છે.

આ ઇલેક્ટ્રિક ફ્લાયક કારની કિંમત 300,000 ડૉલર એટલે કે (ભારતીય ચલણમાં લગભગ 2 કરોડ 46 લાખ રૂપિયા) છે. કંપનીનું કહેવું છે કે તેનું વેચાણ ઓક્ટોબર 2022માં શરૂ થયું હતું અને અત્યાર સુધીમાં 440થી વધુ યુનિટ બુક થઈ ચૂક્યા છે. અહીં તમને જણાવી દઈએ કે, Aleph Aeronautics 2019થી તેના પ્રોટોટાઈપનું પરીક્ષણ કરી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેનું ઉત્પાદન 2025ના ચોથા ક્વાર્ટરમાં શરૂ થવાની સંભાવના છે.

કંપની એક બીજી ઇલેક્ટ્રિક ફ્લાઈંગ સેડાન કાર પર કામ કરી રહી છે, જેમાં એક સાથે ચાર લોકો બેસી શકે છે. કંપનીએ આ કારને 'મોડલ Z' નામ આપ્યું છે. અહેવાલ મુજબ, મોડેલ Z પાસે 300 માઈલથી વધુની ફ્લાઈંગ રેન્જ અને 200 માઈલથી વધુની ડ્રાઈવિંગ રેન્જ હોવાની અપેક્ષા છે. તેને 2035 સુધીમાં બજારમાં ઉતારવાની યોજના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp