- Business
- PM મોદીએ કહ્યું- હવે ફ્રાન્સમાં પણ કરી શકાશે UPIથી પેમેન્ટ, એફિલ ટાવરથી શરૂઆત
PM મોદીએ કહ્યું- હવે ફ્રાન્સમાં પણ કરી શકાશે UPIથી પેમેન્ટ, એફિલ ટાવરથી શરૂઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સના પ્રવાસ પર છે અને આ બે દિવસીય પ્રવાસના પહેલા દિવસે મોટા સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોન વચ્ચે થયેલી મુલાકાત બાદ બંને દેશો વચ્ચે યુનિફાઇડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલે કે UPIને લઈને ડીલ થઈ છે. ત્યારબાદ હવે ફ્રાન્સમાં પણ તેનો ઉપયોગ કરી શકાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ફ્રાન્સની રાજધાની પેરિસમાં ભારતીયોને સંબોધિત કરતા કહ્યું કે, ખૂબ જ જલદી ભારતીય પર્યટક એફિલ ટાવરમાં પણ UPI પેમેન્ટ કરવામાં સક્ષમ હશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ફ્રાન્સમાં UPIથી ચૂકવણી કરવાને લઈને સહમતી બની છે, તેની શરૂઆત એફિલ ટાવરથી થશે. ભારતીય અહીં UPI દ્વારા રૂપિયામાં પેમેન્ટ કરી શકશે. આ ડીલથી ભારતીય નવાચાર માટે એક મોટું, નવું બજાર ખૂલી જશે. ANIના રિપોર્ટ મુજબ, પેરિસમાં લા સીન મ્યૂઝિકલમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પછી ભારતનું UPI હોય કે પછી અન્ય ડિજિટલ પ્લેટફોર્મ, તેઓ દેશમાં એક મોટું સામાજિક પરિવર્તન લાવ્યા છે અને મને ખુશી છે કે ભારત અને ફ્રાંસ પણ આ દિશામાં મળીને કામ કરી રહ્યા છે.
ગયા વર્ષે UPI સર્વિસ આપનારી મુખ્ય સંસ્થા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ ફ્રાંસ ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમ ‘લાયરા (Lyra)’ સાથે MoU સાઇન કર્યું હતું. ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીયોને સંબોધિત કરતા તેમને ભારતમાં ઈનવેસ્ટમેન્ટ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, ભારતને તેજીથી વિકસિત દેશ બનાવવા માટે તમે દેશમાં મોટી માત્રામાં રોકાણ કરો. આજના સમયમાં બધી રેટિંગ એજન્સીઓ ભારતને ચમકતો સ્ટાર બતાવી રહી છે અને આ રોકાણ માટે એકદમ યોગ્ય સમય છે.

તેમણે આગળ કહ્યું કે, ખૂબ ઓછા લોકો એ જાણે છે કે, ભારત અને ફ્રાંસ લાંબા સમયથી પુરાતાત્વિક મિશન પર કામ કરી રહ્યા છે. તેનો વિસ્તાર ચંડીગઢથી લદ્દાખ સુધી છે. એ સિવાય ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર સેક્ટર પણ બંને દેશો વચ્ચે સંબંધોને મજબૂત કરે છે. 2 દિવસીય ભારતના પ્રવાસ દરમિયાન તેમના સન્માનમાં રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોને સત્તાવાર આવાસમાં ખાનગી ડિનર આયોજિત કર્યું હતું. રાષ્ટ્રપતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેજબાની કરી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફ્રાન્સના લીજન ઓફ ઓનર (Legion Of Honor)થી સન્માનિત કરવામાં આવ્યા. આ પુરસ્કાર પસંદગીના પ્રમુખ નેતાઓ અને પ્રતિષ્ઠિત હસ્તીઓને આપવામાં આવ્યો છે.

