- Tech and Auto
- ટાટા ગ્રુપ સાણંદમાં સેમી કંડકટર પ્લાન્ટ નાંખશે, આ કંપની સાથે 22500 કરોડનો કરાર
ટાટા ગ્રુપ સાણંદમાં સેમી કંડકટર પ્લાન્ટ નાંખશે, આ કંપની સાથે 22500 કરોડનો કરાર
ટાટા ગ્રુપની કંપની ટાટા પ્રોજેક્ટે અમેરિકાની સેમી કંડકટર જાયન્ટ માઇક્રોન ટેક્નોલોજી સાથે કરાર કર્યો છે. આ કરાર હેઠળ ટાટા પ્રોજેક્ટસ ગુજરાતના સાણંદમાં એડવાન્સ સેમી કંડકટર એસેંબલી અને ટેસ્ટ પ્લાન્ટ ઉભો કરશે. સાણંદના છારોડી gidcમાં આ પ્રોજેક્ટ 93 એકર જમીનમાં બનશે.
કંપનીએ જારી કરેલા નિવેદનમાં કહ્યુ છે કે આ સ્થાયી પ્રોજેક્ટ માઇલસ્ટોન સાબિત થશે અને ભારત સેમી કંડકટર મિશન હેઠળ સૌથી મોટું રોકાણ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્રથમ તબક્કામાં 5,00,00 સ્કેવર ફુટનું ક્લીનરૂમ ( ચિપ મેકીંગ શોપ ફ્લોર) સ્થાન સામેલ હશે, જે વર્ષ 2024ના અંત સુધીમાં ચાલું થવાનું છે.

આ પ્રોજેક્ટમાં ભારતમાં પહેલીવાર ડાયનામિક રેન્ડમ એક્સેસ મેમરી (DRAM) અને નોન વોલેટાઇલ ફલેશ મેમરી(NAND) એસેંબલી અને ટેસ્ટિંગ સુવિધાની ડિઝાઇન અને નિર્માણ સામેલ છે.
કંપનીએ નિવેદનમાં કહ્યું કે, ટાટા પ્રોજેક્ટ્સ 4D BIM અને હાઇબ્રિડ મોડ્યુલર રેપિડ કન્સ્ટ્રક્શન દ્વારા સંકલિત EPC ડિલિવરી સહિત આધુનિક બાંધકામ પદ્ધતિઓ અને ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો હેતુ ધરાવે છે.સાણંદ ફેક્ટરીને ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલના LEED ગોલ્ડ સ્ટાન્ડર્ડ્સ અનુસાર ડિઝાઇન કરવામાં આવશે.

અમેરિકાની કંપની માઇક્રોન ટેક્નોલોજીએ સાણંદમાં નવા એસેંબલી અને ટેસ્ટિંહ સુવિધા અને નિર્માણ માટે ટાટા પ્રોજેક્ટસને કોન્ટ્રેકટ આપ્યો છે. માઇક્રોન ટેક્નોલૉજીએ આશરે રૂ. 22,500 કરોડ (2.75 બિલિયન ડોલર)ના ખર્ચે બાંધવામાં આવનાર ચિપ એસેમ્બલી અને ટેસ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો. માઈક્રોન બે તબક્કામાં પ્લાન્ટ બનાવવા માટે 825 મિલિયન ડોલર સુધીનું રોકાણ કરશે અને બાકીનું રોકાણ કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી આવશે.
કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યુ હતું કે ભારતે સેમી કંડકટર હબ બનવાની દિશામાં પોતાની યાત્રા શરૂ કરી દીધી છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ભારતને ટુંક સમયમાં જ 5 લાખ કરોડ રૂપિયાની ચિપ્સની જરૂરત પડશે. મંત્રીએ કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકામાં માઇક્રોન ટેક્નોલોજીના ચેરમેન અને CEO સંજય મેહરોત્રા સાથે મુલાકાત કરી હતી અને 3 મહિનાની અંદર જ કંપનીએ ફેકટરી લગાવવાનું કામ શરૂ કરી દીધું છે જે અભૂતપૂર્વ છે.
ભારતના ઇલેકટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્રારા ઇન્ડિયા સેમી કંડકટર મિશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાતોની સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે. સેમિકન્ડક્ટર્સના ઉત્પાદન, નવીનતા અને ડિઝાઇનમાં ભારતને વૈશ્વિક અગ્રણી બનાવવાની સરકારની યોજનાઓને આગળ ધપાવવા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે.

