- Business
- બે બેંક શેરોમાં તોફાની તેજી, 20-20 ટકા ઉછાળો આવતા અપર સર્કિટ લાગી
બે બેંક શેરોમાં તોફાની તેજી, 20-20 ટકા ઉછાળો આવતા અપર સર્કિટ લાગી
સોમવારે બે સ્મોલ સરકારી બેંકોના શેરોમાં તોફાની તેજી જોવા મળી. બનેં બેંક શેરોમાં ગણતરીની મિનિટમાં જ ઉપલી સર્કિટ લાગી ગઇ હતી. ઇન્ડિયન ઓવરસીઝ બેંકનો શેર 20 ટકા વધીને 23.60 રૂપિયા પર બંધ રહ્યો, જયારે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના શેરનો ભાવ પણ 20 ટકા ઉછળીને 24.20 રૂપિયા પર બંધ રહ્યો. બનેં શેરોમાં ઉપલી સર્કિટ લાગી ગઇ હતી.
હકિકતમાં, નાણામંત્રી નિર્મલા સીતારમણે અંદાજપત્ર જાહેર કરતી વખતે કહેલું કે IDBI બેંક ઉપરાંત અન્ય બે બેંકોનું ચાલું નાણાંકીય વર્ષમાં ખાનગીકરણ કરવામાં આવશે. હવે બજારમાં એવા સમાચાર વહેતા થયા હતા કે ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાને ખાનગી કરણ માટે પસંદ કરવામાં આવી છે.
આ બનેં બેંકોના ખાનગી કરણના સમાચારે શેરબજારના લોકોએ હાથોહાથ લાભ ઉઠાવી દીધો હતો. ભારે લાવ લાવ શરૂ થઇ જતા બનેં શેરોમાં ઉપલી સર્કિટ લાગી ગઇ હતી. જે બનેં બેંકોની ખાનગી કરણની વાત વહેતી થઇ હતી તેમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના શેરની માર્કેટ વેલ્યૂ 44,000 કરોડ રૂપિયા અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકના શેરની માર્કટ વેલ્યૂ 31,641 કરોડ રૂપિયા છે.

મીડિયાના અહેવાલ મુજબ બનેં બેંકોના ખાનગીકરણ માટે કેન્દ્ર સરકાર બેકિંગ રેગ્યૂલેશન એકટમાં બદલાવની સાથે અન્ય કેટલાંક કાયદીય બદલાવ પણ કરશે. ઉપરાંત ખાનગીકરણ બાબતે RBI સાથે પણ ચર્ચા કરવામાં આવશે. ખાનગીકરણ માટે નીતિ આયોગે આ બનેં બેંકોના નામની ભલામણ કરી હતી.

તાજેતરમાં એવા સમાચાર વહેતા થયા હતા કે, સરકાર શરૂઆતમાં નાની બેંકોના ખાનગીકરણ પર મંજૂરીની મહોર મારી શકે છે, જેથી ખાનગીકરણ દરમ્યાન કયા પ્રકારની સમસ્યા ઉભી થાય છે તેનો અંદાજ આવે. નાની બેંકોના ખાનગીકરણમાં જોખમની માત્રા થોડી ઓછી હશે. એટલે ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનું નામ સામે આવી રહ્યું છે.
હકિકતમાં, મોદી સરકારે ઘણા સમય પહેલાં જ એવી ચોખવટ કરી દીધી હતી કે સરકારી બેંકોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવશે. એ કડીના ભાગરૂપે ગયા વર્ષે 10 બેંકોનું વિલીનીકરણ કરીને માત્ર 4 બેંક કરી દેવામાં આવી હતી. જાણકારોના કહેવા મુજબ જે સરકારી બેંકો સતત ખોટમાં ચાલી રહી છે તેનાથી સરકાર છુટકારો મેળવવા માંગે છે.
કેન્દ્ર સરકારે નાણાંકીય વર્ષ 2021-22માં ડિસઇન્વેસ્ટમેન્ટના માધ્યમથી રૂપિયા 1.75 લાખ કરોડ ભેગા કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો.નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેરમાં આ જાહેરાત કરી હતી. વર્ષ 2020-21માં કેન્દ્ર સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટ દ્રારા 2.1 લાખ કરોડ રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો હતો જે પુરો થઇ શકયો નહોતો. એટલે નાણાંકીય વર્ષ 2021-22માં ટાર્ગેટ ઘટાડીને 1.75 લાખ કરોડ કરવામાં આવ્યો હતો.
અત્યારે દેશમાં 12 જેટલી પબ્લીક સેકટર બેંકસ છે, જેમાંથી મોટે ભાગની બેંકોની આર્થિક હાલત નબળી છે.

