ગડકરીએ એવું તો શું કહ્યું કે હાઇવે પર ડ્રાઇવિંગ કરતા લોકો ખુશ થઇ ગયા!

PC: hindi.news18.com

જો તમે વારંવાર હાઇવે પર તમારી કારમાં મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે છે. કાર ચાલકોને પડતી સમસ્યાઓને સમજતા કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, જો રસ્તાઓ ખરાબ છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તો હાઈવે એજન્સીઓ માટે ટોલ વસૂલવો યોગ્ય નથી. સેટેલાઇટ આધારિત ટોલિંગ સિસ્ટમ પર આયોજિત વૈશ્વિક વર્કશોપમાં તેમણે આ વાત કહી. આ વર્ષે સરકાર 5,000 કિલોમીટરના રોડ પર નવી ટોલિંગ સિસ્ટમ લાગુ કરવાની તૈયારી કરી રહી છે.

ગડકરીએ વર્કશોપમાં સ્પષ્ટ કહ્યું કે, જો તમે સારી સેવા ન આપી શકો તો તમારે ટોલ વસૂલવો જોઈએ નહીં. રસ્તાની હાલત સારી ન હોય ત્યારે મને ઘણી ફરિયાદો મળે છે. સોશિયલ મીડિયા પર પણ આને લગતી પોસ્ટ્સ ભરેલી પડી છે... જો તમે ખાડા અને માટીવાળા રસ્તાઓ પર ટોલ વસૂલશો તો લોકો ગુસ્સે થશે. કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે, હાઈવે પર ટોલલિંગ સાથે સંબંધિત એજન્સીઓના અધિકારીઓએ ટોલ પ્લાઝા પર લાંબા સમયથી રાહ જોઈ રહેલા લોકોની સમસ્યાઓ વિશે પણ વિચારવું જોઈએ. આ પ્રકારની સમસ્યાઓ અંગે ફરિયાદ નોંધવા અને તેનો તાત્કાલિક ઉકેલ લાવવાની વ્યવસ્થા હોવી જોઈએ.

ટોલ પ્લાઝા પર કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સરકારે વર્ષ 2021માં ફાસ્ટેગને ફરજિયાત બનાવ્યું હતું. હવે જ્યારે 95 ટકા વાહનોમાં FASTag છે, ત્યારે પણ ટોલ પ્લાઝા પર લાંબી કતારો લાગેલી રહે છે. આ પ્રકારની લાંબી લાઈનોને દૂર કરવા માટે, NHAI ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) પર કામ કરી રહી છે. આ વર્ષે સમગ્ર દેશમાં 5000 Kmના હાઇવે પર GNSS સિસ્ટમ દાખલ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. 1 જુલાઈથી કેટલાક હાઈવે પર આ સિસ્ટમ શરૂ કરવામાં આવશે.

GNSSના અમલીકરણ પછી, તે દિવસ દૂર નથી જ્યારે તમને હાઇવે પર ટોલ પ્લાઝા જોવા નહીં મળે. હાઈવે ઓથોરિટીએ તેને વ્યવસ્થિત રીતે શરૂ કરવાની દરખાસ્ત કરી છે. પહેલા તેની શરૂઆત કોમર્શિયલ વાહનોથી કરવામાં આવશે. ટોલ પ્લાઝાની એક લેન સંપૂર્ણપણે GNSS માટે હશે. તેના લોન્ચિંગ પછી વાહનો રોકાયા વગર પસાર થઈ શકશે. સરકાર આગામી તબક્કામાં ખાનગી વાહનોમાં GNSS લાગુ કરવાની યોજના ધરાવે છે.

ગડકરીએ કહ્યું કે, GNSS આધારિત ટોલ વસૂલાતથી સરકારની ટોલ આવકમાં રૂ. 10,000 કરોડનો વધારો થશે. તેમણે કહ્યું, 'અમારે દેશમાં લીક પ્રૂફ GNSS આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ સ્થાપિત કરવાની જરૂર છે, જેથી ટોલ વપરાશકર્તાઓને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp