અમદાવાદઃ ઇન્ટરનેટ પરથી શીખી ઘરમાં જ 50-100 રૂપિયાની નકલી નોટ છાપતા, વટાવવા ગયા..

ઇન્ટરનેટ પરથી નકલી નોટ છાપવાનું શીખીને ઘરમાં જ ડુપ્લીકેટ નોટ છાપવાનું શરૂ કરનાર આરોપીઓ મોહરમના તહેવારનો લાભ લઇને બજારમાં વટાવવા નિકળ્યા હતા તો પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. મહિલા સહિત 3ની પોલીસે ધરપકડ કરી છે. આ ઘટના અમદાવાદની છે અને દાણીલીમડા પોલીસે આરોપીઓ પાસેથી નકલી નોટ કબ્જે કરી છે.આરોપીઓની મોટા પાયે નોટ છાપવાની યોજના પર પોલીસે પાણી ફેરવી દીધું છે.
અમદાવાદના દાણીલીમડા પોલીસે નકલી નોટ સાથે એક મહિલા સહિત 3ની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 50 અને 100 રૂપિયાની ડુપ્લીકેટ નોટ મળી આવી છે. મોહરમનો તહેવાર ચાલી રહ્યો હોવાથી સામાન્ય રીતે બજારમાં ભારે ભીડ રહેતી હોય છે એટલે આ તકનો લાભ ઉઠાવીને આરોપીઓ બજારમાં નકલી નોટ વટાવવા માટે નિકળ્યા હતા. પરંતુ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. તેમની પાસેથી 100 રૂપિયાની7 અને 50 રૂપિયાની 34 નોટો મળી આવી છે.
પોલીસે કહ્યું કે 3 આરોપીઓ ઇન્ટરનેટના માધ્યમથી નકલી નોટ બનાવવાનું શીખ્યા હતા અને ઘરે જ પ્રિન્ટીંગ મશીનથી ડુપ્લીકેટ નોટ છાપવાનું શરૂ કરી દીધું હતું. પોલીસને માહિતી મળી હતી કે એક મહિલા સહિત 3 લોકો બજારમાં ડુપ્લીકેટ નોટ વટાવવા નિકળ્યા છે. માહિતીને આધારે પોલીસે વટવાના ઇમરાન પઠાણ, શાહઆલમના સલીમ શેખ અને શાહપુરની જોહરા બીબીને પકડી લીધા હતા. ત્રણેય આરોપીઓ એકબીજાના સંબંધી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસની પુછપરછમાં આરોપીઓએ કહ્યું હતું કે, આર્થિક સંકડામણને કારણે નકલી નોટ છાપવોના રસ્તો શોધ્યો હતો અને વટવામાં ઇમરાનના ઘરે નોટ છાપવાનું શરૂ કર્યું હતું. આરોપીઓએ પોલીસને કહ્યું કે, મહિલાને સાથે રાખવાનું કારણ એવું હતું કે જ્યારે બજારમાં નકલી નોટ વટાવવાની હોય ત્યારે મહિલા પર સામાન્ય રીતે શંકા ન જાય, એટલે જોહરા બીબીને સાથે રાખી હતી. આરોપીઓએ પોલીસ સમક્ષ કબુલાત કરી હતી કે, હજુ તો ટ્રાયલ બેઝ પર નોટો છાપવાનું શરૂ કર્યુ હતું, જો સફળતા મળી જતે તો પછી મોટા પાયે નકલી નોટ છાપવાનો પ્લાન બનાવેલો હતો. ઇન્ટરનેટ પર નકલી નોટ કેવી રીતે છાપી શકાય તેની માહિતી ઇમરાને પઠાણે મેળવી હતી અને તે પછી પ્રિન્ટીંગ મશીન લાવવામાં આવ્યું હતું અને ભારતીય ચલણી નોટોમાં જે પ્રકારના કાગળનો ઉપયોગ થાય છે તેવા કાગળની વ્યવસ્થા કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp