વડોદરા:દશા મા પ્રતિમાના વિર્સજનમાં 5 યુવાનો ડુબ્યા, 2ના મૃતદેહ મળ્યા, 3ની શોધખોળ

PC: divyabhaskar.co.in

વડોદરા આનંદપૂર્વક ઉજવાતા દશામા મહોત્સવે ગુરુવારે શોકમાં ફેરવાઇ ગયો હતો. કારણ કે વડોદરા નજીક મહિસાગર નદીમાં દશામાની મૂર્તિઓનું વિસર્જન કરતી વખતે પાંચ યુવાનો ડૂબી ગયા હતા. જેમાં બે યુવાનોનો સમાવેશ થાય છે, જેમાંથી એક હોમગાર્ડ જવાન હતો, જેણે સિંહરોટ મહી નદીમાં જીવ ગુમાવ્યો હતો, જ્યારે સાવલી તાલુકાના કનોડા ગામ પાસેના રણછોડપુરા ગામના અન્ય ત્રણ યુવાનો ડુબી જવાની ઘટના બની છે. વડોદરા ફાયર બ્રિગેડ અને લશ્કરની ટીમો દ્વારા લાપતા યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં 2 યુવાનોની લાશ મળી છે, જ્યારે 3ની શોધખોળ ચાલી રહી છે.

વડોદરામાં મહીસાનગર નદીમાં દશામાની પ્રતિમાનું વિસર્જન કરવા ગયેલા 5 યુવાનો ડુબી જવાની ઘટનાએ ઉત્સવનો ઉત્સાહ ઓસરી ગયો હતો અને પરિવારોમાં માતમ છવાઇ ગયો હતો. બે યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે 3ની હજુ સુધી શોધખોળ ચાલી રહી છે.

જાણવા મળેલી વિગત મુજબ વડોદરાના કિશનવાડી વિસ્તારમાં રહેતો 23 વર્ષનો પ્રજ્ઞેશ માછી સિંઘરોટ મહી નદી ઉપરના ચેકડેમ પર દશામાની પ્રતિમાના વિસર્જન માટે ગયો હતો. પ્રજ્ઞેશની સાથે તેનો મિત્ર સાગર કુરી જે હોમગાર્ડમાં નોકરી કરતો હતો તે પણ ગયો હતો. પ્રજ્ઞેશ ધસમસતા પાણીમાં તણાવા લાગ્યો હતો તો તેને બચાવવા સાગર પણ કુદી પડ્યો હતો.

આ ઉપરાંત વડોદરાના સાવલી તાલુકાના રણછોડપુરા ગામના 32 વર્ષનો સંજય ગોહિલ, 20 વર્ષનો કૌશિક ગોહિલ અને 15 વર્ષનો વિશાલ ગોહિલ એમ 3 યુવાનો કનાડા પાસેની મહી નદીમાં દશામાની પ્રતિમાના વિસર્જન માટે ગયા હતા અને ડુબી ગયા હતા. એક જ ગામના 3 યુવાનોના મોતને પગલે રણછોડપુરા ગામમાં શોકની કાલિમા છવાઇ ગઇ હતી.ઘણા પરિવારોએ દશામાની ઉજવણી ધામધૂમથી કરી હતી અને વિસર્જનના દિવસે આ ઘટના બની.

ફાયર બ્રિગેડે નદીમાં શોધખોળ કરતા સંજય ગોહિલનો મૃતદેહ મળી આવ્યો હતો. જયારે કૌશિક અને વિશાલની શોધખોળ કરવામાં આવી રહી છે. જાણવા મળેલી વિગત મુજબ સંજય ગોહિલ પરણિત છે અને તેમને બે સંતાનો છે. સંજય ગોહિલ ખેતી કરીને ગુજરાન ચલાવતો હતો. જ્યારે કૌશિક ગોહિલ કોલેજમાં અભ્યાસ કરે છે અને વિશાલ ગોહિલ 10માં ભણે છે. સંજય ગોહિલ અને કૌશિક ગોહિલ તેમના પરિવારના એકના એક સંતાન છે.

કિશનવાડી વિસ્તારમાં રહેતા પરિવારજનોએ આક્ષેપ મુક્યો હતો કે સિંઘરોટમાં જોખમ હોવાની ખબર હોવા છતા તંત્રએ કોઇ વ્યવસ્થા ગોઠવી નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp