ચોટીલાથી દર્શન કરીને પાછા ફરતા પરિવારને અકસ્માત નડતા 5 મહિલા સહિત 10ના મોત

PC: divyabhaskar.co.in

ચોટીલા દર્શન કરીને છોટા હાથી ટેમ્પોમાં પરત ફરી રહેલા પરિવારને અમદાવાદથી 50 કિ.મી દુર આવેલા બાવળા બગોદરા હાઇવે પર નડેલા ગમખ્વાર અકસ્માત નડ્યો હતો, જેમાં  5 મહિલા, 3 બાળકો અને 2 પુરુષો કાળનો કોળિયો બની ગયા હતા. રસ્તા પર ઉભેલી ટ્રક સાથે ટેમ્પો ભટકાઇ જતા 10 જિંદગી સ્વાહા થઇ ગઇ હતી.

જાણવા મળેલી વિગત મુજબ કપડવંજ અને બાલાસિનોરના 13 લોકો  છોટા હાથી ટેમ્પોમાં બેસીને ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા. ચોટીલા માતાના દર્શન કરીને છોટા હાથી ટેમ્પોમાં આ લોકો પાછા ફરી રહ્યા હતા ત્યારે બાવળા-ગોડાદરા રોડ પર એક ટ્રકમાં પંચર પડ્યું હતું અને ટ્રક રસ્તા પર ઉભી હતી. છોટા હાથી ટેમ્પોના ડ્રાઇવરે અંકુશ ગુમાવી દેતા રસ્તે ઉભેલી ટ્રકમાં ટેમ્પો ઘુસી ગયો અને 10 લોકોના ઘટના સ્થળે જ મોત થઇ ગયા. ટેમ્પોમાં 13 લોકો હતા, 3ને ગંભીર ઇજાઓ થઇ હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદના જિલ્લા  DSP અમિત વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ કે, બાવળા ગોડદરા રોડ પર ટેમ્પોને અકસ્માત નડ્યો છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. આગળની કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.

પોલીસે કહ્યુ કે ચોટીલાથી દર્શન કરીને પરત ફરી રહેલા લોકો છોટા હાથી ટેમ્પોમાં નિકળ્યા હતા, જેમાં 3 લોકો આગળ બેઠા હતા અને 10 લોકો પાછળ બેઠા હતા.હાઇવે પર અકસ્માતને કારણે લાંબો ટ્રાફિક જામ થઇ ગયો હતો અને લોકોના ટોળે ટોળા અકસ્માતને જોવા માટે આવ્યા હતા. ઇજા પામેલા લોકોને 108 મારફતે તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને અકસ્માતમાં મોતને ભેટેલા લોકોના પરિવાર માટે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુખ વ્યક્ત કરતા લખ્યું છે કે, અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા હાઈવે પર થયેલ અકસ્માતની ઘટના હૃદયવિદારક છે. ઈશ્વર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. મારી સંવેદના મૃતકોના પરિવારજનોની સાથે છે.

કપડવંજ અને બાલાસિનોરના 13 લોકો ચોટીલા માતાના દર્શન કરવા ગયા હતા ત્યારે તેમને સપનેય ખ્યાલ નહોતો કે તેમની જિંદગીના આ અંતિમ દર્શન હશે. શ્રધ્ધાથી દર્શન કરીને અને ખુશહાલ ચહેરે નિકળેલા લોકો એક અકસ્માતમાં પ્રભુને પ્યારા થઇ ગયા. આ ખરેખર, એક દુખદાયક ઘટના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp